GSTમાં શરૂઆતમાં ઘણી તકલીફો હતીઃનીતિન પટેલ

25 March, 2019 08:24 AM IST  |  મલાડ, મુંબઈ | જયેશ શાહ

GSTમાં શરૂઆતમાં ઘણી તકલીફો હતીઃનીતિન પટેલ

ડેપ્યટી સીએમ નીતિન પટેલ

લોકસભાના આગામી ચૂંટણીપ્રચારનાં પડઘમ મહારાષ્ટ્રમાં પડઘાવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે ઉત્તર મુંબઈ લોકસભાના મહાયુતિના ઉમેદવારના સમર્થનમાં ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં મલાડ (વેસ્ટ)માં ગોરસવાડી મેદાનમાં સાંજે સાત વાગ્યે સભા યોજાઈ હતી. નીતિન પટેલે તેમના વક્તવ્યમાં નિખાલસતાથી કબૂલ કર્યું હતું કે GSTમાં અમારાથી ઉતાવળ થઈ ગઈ હતી અને બાદમાં ક્રમશ: અમે એ ભૂલને સુધારી લીધી હતી. કૉન્ગ્રસના નેતાઓને પાકિસ્તાની એજન્ટ તરીકે ગણાવીને આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ઇમરાન ખાને વોટ અપાવવાની ખાતરી આપી છે એટલે કૉન્ગ્રસીઓ ભારતવિરોધી લોકોને સાથ આપે છે. જોકે ગુજરાતી નેતા તરીકે શહેરમાં ગુજરાતીઓને થતા અન્યાય વિશે તેમણે એક પણ હરફ ઉચાર્યો નહોતો.

ઉત્તર મુંબઈના ભાજપ, શિવસેના, રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા, રાષ્ટ્રીય સમાજ પક્ષની મહાયુતિના ઉમેદવાર ગોપાલ શેટ્ટીને પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા બાદ ગઈ કાલે વિજય-વિશ્વાસ મહામેલાની પ્રથમ રૅલીને મહાયુતિના તમામ સ્થાનિક નેતાઓએ વારાફરતી સંબોધી હતી. આ સભાના આયોજકોએ નીતિન પટેલને બોલાવા માટે એટલો મોડો સમય આપ્યો હતો કે તેમને ગુજરાત પાછા જવા માટે પ્લેનનો સમય નજીક આવી ગયો હતો.

ગોપાલ શેટ્ટીએ પોતાના વ્યક્તવ્યમાં કહ્યું હતું કે ‘ઉત્તર મુંબઈની જનતાએ મને છ વખત સંસદસભ્ય બનાવ્યો છે. હું એક નાના પરિવારમાંથી આવું છું. મારા પરિવારનું કોઈ રાજકારણમાં નથી અને હું કોઈ પૈસાપાત્ર માણસ નથી. આમ છતાં મને મારા મતદારોએ દરેક ચૂંટણીમાં વધુ ને વધુ મતોથી વિજય બનાવ્યો છે.’

આ પણ વાંચોઃ CM રૂપાણી, જીતુ વાઘાણી સહીતનાઓએ દિલ્હીમાં અમિત શાહને પાઠવી શુભેચ્છા

નીતિન પટેલે તેમના સંબોધનમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસની ગળથૂથી જ એવી છે કે એણે કદી ભારતીય સંસ્કૃતિ અને મહાન નેતાઓની સુધ્ધાં નોંધ લીધી નથી. એક પરિવાર માટે કૉન્ગ્રેસે શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉે. બાબાસાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોને યાદ નથી કર્યા. મણિશંકર ઐયરે તો વીર સાવરકરના ફોટોગ્રાફ પણ આંદામાન-નિકોબારની જેલમાંથી હટાવી નાખ્યા હતા.’

જોકે નીતિન પટેલે છેલ્લે કબૂલ્યું હતું કે GSTમાં શરૂઆતમાં ઘણી તકલીફ હતી, પરંતુ સરકારને જેમ-જેમ ફીડબૅક મળતાં ગયાં એમ એમાં સુધારો કરવામાં આવ્યો હતો.

Nitin Patel goods and services tax mumbai news Election 2019