વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે આજે પાર્લમેન્ટરી બોર્ડની બેઠક

24 September, 2019 09:25 AM IST  |  ગાંધીનગર

વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે આજે પાર્લમેન્ટરી બોર્ડની બેઠક

વિજય રૂપાણી

વિધાનસભાની ૬ બેઠકોની પેટાચૂંટણી માટે બીજેપીમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. બીજેપીની પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક આજે મુખ્ય પ્રધાન નિવાસસ્થાને મળશે. ૬ બેઠકો માટે બીજેપીના ઉમેદવારોને લઈને આ બેઠકમાં મંથન થશે. પ્રદેશ બીજેપીએ નિયુક્ત કરેલા ઇન્ચાર્જ અને સ્થાનિક આગેવાનો પણ બેઠકમાં હાજર રહેશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં તમામ બેઠકો માટે ઉમેદવારોનાં નામની પૅનલ તૈયાર કરીને દિલ્હી હાઈકમાન્ડને મોકલાશે.

અમરાઈવાડી બેઠક પરના મુખ્ય દાવેદારો પર નજર કરીએ તો ડૉ. વિષ્ણુ પટેલ, પ્રવીણ પટેલ, મહામંત્રી કમલેશ પટેલ, રમેશ દેસાઈનાં નામો મુખ્ય છે. તમામ દાવેદારો પોતાની રીતે લૉબિંગ કરી રહ્યા છે અને પ્રદેશ નેતાઓ તેમ જ મુખ્ય પ્રધાન સુધી રજૂઆતો પહોંચી રહી છે.

ખેરાલુ બેઠક પર સાંસદ ભરતસિંહ ડાભીના પરિવારમાંથી જ ટિકિટ અપાય એવી શક્યતાઓ વચ્ચે રામસિંહ ડાભી, રમીલાબેન દેસાઈની દાવેદારી છે. થરાદ બેઠક પર સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેશ પટેલ અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીની દાવેદારીની ચર્ચાઓ ચાલી રહી છે.

આ બેઠક પર જે. પી. પટેલ, જુવાનસિંહ ચૌહાણ, મનુભાઈ પટેલ, કાળુ માળીવાડ અને જિજ્ઞેશ સેવકનાં નામો ચાલી રહ્યાં છે. રાધનપુર બેઠક પર પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ટિકિટ નિશ્ચિત માનવામાં આવી રહી છે. બાયડ બેઠક પર પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ વાધેલાનાં નામોની ચર્ચા ચાલી રહી છે.

gandhinagar gujarat Vijay Rupani