કચ્છઃ વ્હોટ્સએપ પર પાકિસ્તાન વાત કરતો હતો યુવાન, થઇ રહી છે પૂછપરછ

21 February, 2019 02:12 PM IST  |  કચ્છ, ગુજરાત | દીર્ઘ મીડિયા ન્યુઝ એજન્સી

કચ્છઃ વ્હોટ્સએપ પર પાકિસ્તાન વાત કરતો હતો યુવાન, થઇ રહી છે પૂછપરછ

ફાઇલ ફોટો

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકી હુમલામાં 40થી વધારે જવાનો શહીદ થયા છે. ત્યારે આ હુમલામાં સ્થાનિક વ્યક્તિની જ સંડોવણીનો ખુલાસો થતા સુરક્ષા એજન્સીઓ સતર્કતાથી કામગીરી કરી રહી છે. હાઇએલર્ટની વચ્ચે સીમાવર્તી કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના નાના એવા ગામનો વ્યક્તિ અન્યના નામે સીમકાર્ડ લઇ પાકિસ્તાનમાં વાત કરતો હોવાની બાતમી ગુપ્તચર એજન્સીને મળી હતી. તેના આધારે પોલીસે બે વ્યક્તિઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.

આ અંગે નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ વિવિધ એજન્સીઓ દરેક પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી રહી છે. કચ્છમાં થતી દરેક હિલચાલ ઉપર ચોકસાઇપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મહત્વની ગુપ્તચર શાખાએ આપેલા ઇનપુટના પગલે નખત્રાણા અને અબડાસા પંથકના બે વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી છે અને તેમની ઊંડી પૂછપરછ કરવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા વ્હોટ્સએપના માધ્યમથી સામે પાર વાત થતી હોવાના ઇનપુટના પગલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ અંગે એસઓજી ઇન્ચાર્જ પીઆઇએ જણાવ્યું હતું કે, વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે. આ તબક્કે હાલ વધારે કંઇ કહેવું ઉચિત નથી. તપાસના અંતે જે પણ નીકળશે તે બહાર આવશે. અત્યાર સુધીની તપાસમાં કાંઇ શંકાસ્પદ મળી આવ્યું ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: STના 45 હજાર કર્મચારીઓ માસ CL પર, મુસાફરો રઝળ્યા

તો બીજી બાજુ સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસની પૂછપરછમાં બે પૈકીના એકના સંબંધીઓ સામે પાર હોવાથી અવારનવાર વાત થતી હોય છે. પરંતુ દેશ વિરુદ્ધની પ્રવૃત્તિમાં આ વ્યક્તિની સંડોવણી નકારી શકાય કે કેમ એ કહેવું મુશ્કેલ છે.

kutch gujarat