જય જવાન,જય કિસાનના નારા સાથે રજૂ કરવામાં આવેલું દેવામાફીનું બિલ નામંજૂર

12 July, 2019 07:36 AM IST  |  ગાંધીનગર

જય જવાન,જય કિસાનના નારા સાથે રજૂ કરવામાં આવેલું દેવામાફીનું બિલ નામંજૂર

ખેડૂતો

ગુજરાત વિધાનસભા ગૃહમાં હર્ષદ રિબડિયાએ ખેડૂત દેવામાફીનું બિલ રજૂ કર્યું હતું. આ સમયે જય જવાન, જય કિસાનના નારા સાથે ગૃહ ગુંજી ઊઠ્યું હતું ત્યારે દેવામાફીનું બિલ નામંજૂર થયું છે.

હર્ષદ રિબડિયાએ જણાવ્યું હતું કે ‘સરકાર તરીકે ખેડૂતોના દેવા વિશે આપણે જવાબદાર છીએ. આપણો કૃષિ વિકાસદર ૪.૨ ટકા જ છે. આપણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી જ આપી શક્યાં નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શક્યા નથી. ટેકાના ભાવે ખરીદીમાં ૭૫ ટકા ખેતપેદાશો લેવામાં આવતી નથી. મોટા ભાગના ખેડૂતો ખુલ્લાં બજારોમાં પોતાની ખેતપેદાશો વેચી રહ્યા છે. ખેત ઓજારો પર પણ જીએસટી લગાવી દેવામાં આવ્યો છે.

પરંતુ ખેડૂત દેવામાફી વિશેનું ખાનગી બિલ ગૃહમાં નામંજૂર થયું છે. ખેડૂત દેવામાફી વિશેના ખાનગી બિલ પર મતદાન કરવામાં આવ્યું હતું, પરંતુ બીજેપીના ધારાસભ્યોએ ખેડૂત દેવામાફી ‌બિલના સમર્થનમાં મત આપ્યા ન હતા. બહુમતીના જોરે ગૃહમાં ખેડૂત દેવામાફી બિલ નામંજૂર થયું છે.

ત્યારે કૉન્ગ્રેસના સભ્યોએ ખેડૂત દેવામાફી વિશે નારા લગાવ્યા હતા. વિધાનસભા બહાર કૉન્ગ્રેસના ધારાસભ્યોએ બેનરો દર્શાવ્યાં હતાં. આ પહેલાં વિધાનસભામાં ખેડૂત દેવામાફી ખાનગી બિલ પર ચર્ચા કરવામાં આવી છે.

ખેડૂત દેવામાફી મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ નિવેદન કર્યું હતું એમાં તેમણે જણાવ્યું હતું કે ‘યુપીએ સરકારે દેવું માફ કર્યું હતું. કૉન્ગ્રેસે આનુસંગિક કામગીરી ન કરતાં ફરી ખેડૂતો દેવાદાર બન્યા છે. દેવામાફી વિશે કેટલાક લોકોની પીન ચોટી ગઈ છે.’

વધુમાં નીતિન પટેલે કહ્યું કે ‘કૉન્ગ્રેસના મિત્રો ગુજરાતના ખેડૂતોને બદનામ જ કરે છે. ૨૦૧૪-૧૫માં ખેડૂતોએ જે લોન લીધી એમાંથી ૮૯ ટકા પરત કરી હતી. ૨૦૧૬-૧૭માં લોનની ૯૫ ટકા રકમ પરત થઈ. ૨૦૧૭-૧૮માં પણ લોનની ૯૫ ટકા રકમ પરત થઈ જ્યારે ચાલુ વર્ષે પણ ખેડૂતોએ મહદ અંશે લોન પરત કરી છે.’

આ પણ વાંચો : જૈન સાધુ-સાધ્વીઓ માટે 250 કિમીની પગદંડી બનાવવાની સીએમની જાહેરાત

જ્યારે કૉન્ગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ખેડૂત દેવામાફી વિશે નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ૨૦ વર્ષમાં ગુજરાતમાં એક પણ સારો ડૅમ બન્યો નથી. અમે દેવામાફી કરી તો ફરી ખેડૂતો દેવાદાર કેવી રીતે બન્યા? જવાબદારી બીજેપી સરકારની છે. ડુપ્લીકેટ બિયારણ આપતા લોકો સામે સરકાર પગલાં ભરે. આજે ખેડૂતોનો ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે. ખેડૂતો પહેલી વાર ધારાસભ્યો પાસે માગણી કરી રહ્યા છે.’

gandhinagar gujarat