જખૌના દરિયામાંથી 175 કરોડના ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાની માફિયાની ધરપકડ

07 January, 2020 08:34 AM IST  |  Kutch

જખૌના દરિયામાંથી 175 કરોડના ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાની માફિયાની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ઊડતા ગુજરાત બનાવવાના પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જખૌના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. બોટમાંથી ૩૫ જેટલાં ડ્રગ્સનાં પૅકેટ ઝડપાયાં છે. આ જથ્થાની કિંમત અંદાજે ૧૭૫ કરોડની આંકવામાં આવી રહી છે. આ ડ્રગ્સ હેરોઇનનો જથ્થો હોવાનું મનાઈ રહ્યું છે.

આ ડ્રગ્સનો જથ્થો કરાચીથી દિલ્હી પહોંચાડવાનો હતો. પાકિસ્તાની બોટ સાથે પાંચ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ઝડપાયા છે. ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ડ્રગ્સના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાની બોટ દ્વારા નશાકારક દ્રવ્યોની ડિલિવરી કરવામાં આવશે એવી બાતમીના આધારે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત પોલીસને આ વિશે બાતમી મળી હતી કે પાકિસ્તાનના પાંચ જણ કરાચીથી માછીમારીની બોટમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈ જવાના છે. આ બાતમીના આધારે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજીએ સાથે મળી આ ઑપરેશન પાર પાડ્યું હતુ અને વૉચ ગોઠવીને જખૌના મધદરિયેથી આ પાકિસ્તાની બોટ સાથે કરોડોના ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો.

kutch gujarat