જાણો સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર રાજકોટની પલક ગાદોયા વિશે

03 February, 2019 03:34 PM IST  |  સુરત

જાણો સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર રાજકોટની પલક ગાદોયા વિશે

પલક ગડોયાને તેમની દશા સોરઠિયા વણિક સમાજ જ્ઞાતિ તરફથી મળ્યો ગૌરવ પુરસ્કાર.

દુનિયામાં આજે કોઈપણ ક્ષેત્ર એવું નથી જ્યાં મહિલાઓએ તેમની ક્ષમતા પુરવાર નથી કરી. સ્ત્રી આજે દરેક ક્ષેત્રે અગ્રેસર છે. સ્ત્રી સશક્તિકરણના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો આજે ગુજરાતી મિડ-ડે તમને જણાવી રહ્યું છે. આજે વાત કરવી છે કોર્પોરેટ વર્લ્ડમાંથી ગ્લેમર ક્ષેત્રે પ્રવેશેલા અને એક ઉત્તમ સમાજસેવિકા પલક ગાદોયા રવેસિયા વિશે. ગુજરાતના રાજકોટ શહેરના રહેવાસી અને હાલ મુંબઈમાં કાર્યરત પલક ગાદોયાને તેમની સામાજિક કામગીરી માટે તેમજ પોતાના ક્ષેત્રે ઉત્તમ પર્ફોર્મન્સ માટે તેમની દશા સોરઠિયા વણિક કોમ્યુનિટીએ જ્ઞાતિ ગૌરવ પુરસ્કાર 2019થી નવાજ્યા છે. 27 જાન્યુઆરીના રોજ સુરતમાં યોજાયેલા જ્ઞાતિના કાર્યક્રમમાં પલકને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મિસિસ ઇન્ટેલેક્ચ્યુઅલ પલક ગાદોયા


સામાજિક સેવાઓમાં પલકનું યોગદાન

પલકે જણાવ્યું કે તેઓ મુંબઈના ગોરેગાંવમાં આવેલા 'ડિઝાયર ઓર્ગેનાઇઝેશન' કે જે HIVથી અસરગ્રસ્ત થયેલા બાળકોને મ્યુનિસિપલ હોસ્પિટલ્સમાંથી દત્તક લઇને તેમની સારવાર માટે કામ કરે છે, તેની સાથે છેલ્લાં પાંચ વર્ષોથી સંકળાયેલા છે. પલક તે બાળકોને વાર્તાઓ કહેવાનું, ડાન્સ અને ગીતો શીખવાડવાનું અને તેમના ચહેરા પર ખુશી લાવવાનું કામ કરે છે. તેઓ 'પ્રયાસ' નામના NGO સાથે પણ જોડાયેલાં છે, જે ગોરેગાંવમાં સ્ટ્રીટ સ્કૂલ ચલાવે છે. ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી આ સ્ટ્રીટ સ્કૂલમાં પલક સ્ટોરી ટેલિંગ માટે જાય છે. આ સાથે જ તેઓ 'અપનાલયા' NGO સાથે પણ જોડાયેલા છે. આ એનજીઓએ કુપોષણના કેસ એવા 30 બાળકોને અડોપ્ટ કર્યા છે અને તેમને સ્વસ્થ-તંદુરસ્ત જીવન આપવાનો તેમનો ઉદ્દેશ છે. આજે આ બાળકો કુપોષણમાંથી બહાર આવી ગયા છે અને ઘણા તંદુરસ્ત પણ છે, જેમાં પલકનું પણ યોગદાન છે. તેઓ પોતાના પગારનો કેટલોક હિસ્સો આ બાળકોના ખોરાક પાછળ ખર્ચ કરે છે. આ ઉપરાંત કોર્પોરેટ ક્ષેત્રે કામ કરવા દરમિયાન જ તેઓ ઘણા NGOs સાથે જોડાયેલા હતા. યુનિલિવરના એમ્પ્લોયી તરીકે 4 વર્ષ કામ કરવા દરમિયાન તેમણે કંપની તરફથી યોજાતા લેબર ફેમિલિ અપગ્રેડેશન પ્રોગ્રામમાં સ્વયંસેવાની ભાવનાથી જોડાયા હતા. આમ છેલ્લાં 8 વર્ષોથી પલક સમાજને મદદરૂપ થવાન ઉત્તમ કામગીરી બજાવતા આવ્યા છે.

સમાજનું ગૌરવ છે પલક ગાદોયા

 

આ સાથે જ વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ઝૂંપડપટ્ટીમાં રહેતી સ્ત્રીઓને સ્વચ્છતા અને સેનિટાઇઝેશનનું મહત્વ સમજાવવા માટે પલકે ઘાટકોપરથી લઈને મુંબઈના ઘણા સ્લમ એરિયામાં જઈને પણ કામ કર્યું છે. તેમણે 2 મહિના સુધી દરેક વીકેન્ડમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને આ કામ કર્યું હતું. આ કામગીરી તેમણે યુનિલિવર કંપનીના કર્મચારી હોવાને નાતે નિભાવી હતી.

શું છે પલકની ઉપલબ્ધિઓ

ગુજરાતી મિડ-ડે સાથે વાત કરતા પલકે જણાવ્યું કે, તેમને 4 ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળ્યા છે. મિસિસ ઇન્ટેલેક્ચુઅલ 2017, મિસિસ ઇન્ટેલેક્ચ્યુઅલ 2018, મિસિસ એશિયા પેસિફિક 2018 (સ્પેશિયલ ક્વીન), મિસિસ ટેલેન્ટેડ 2019 (બેસ્ટ ડાન્સ). આ ઉપરાંત તેમને મિસિસ ફ્રેન્ડશિપનું સબ-ટાઇટલ પણ મળ્યું હતું. મિસિસ ફ્રેન્ડશિપનું સબ-ટાઇટલ તેમને તેમના મિલનસાર સ્વ ભાવ અને લોકોને મદદ કરવાની ભાવના માટે આપવામાં આવ્યું હતું. સાથેના આ મદદરૂપ થવાના સ્વભાવને ત્યાંની જ્યુરીએ એ દિવસો દરમિયાન નોટિસ કર્યો અને એને રેકગનાઈઝ કરીને પલકને આ સ્પેશિયલ મિસિસ ફ્રેન્ડશિપનું ટાઇટલ આપવામાં આવ્યું હતું. પલકની આ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને તેમની જ્ઞાતિએ તેમનું સન્માન કર્યું અને તેમને જ્ઞાતિ ગૌરવ પુરસ્કારથી નવાજ્યા.

આ પણ વાંચો: US: આ ગુજરાતી યુવતીએ અનેક યુવાનોને બતાવી 'દિશા', મેળવ્યો લીડરશીપ એવોર્ડ

કેવી છે પલકની પર્સનલ લાઇફ

પલકન લગ્ન પહેલા ગાદોયા હતા અને લગ્ન પછી રવેસિયા થયા છે. પલકના લગ્નને 8 વર્ષ થઈ ચૂક્યાં છે. તેમને એક દીકરી પણ છે. દીકરીના ઉછેર, ઘરનું ધ્યાન અને પોતાની નોકરીની સાથે-સાથે પલક આટલી બધી સામાજિક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવે છે. પલક જણાવે છે કે આ તમામ માટે પતિનો તેમને ખૂબ જ સપોર્ટ હંમેશાં રહ્યો છે. સમાજસેવાની પ્રેરણા તેમને પોતાના પિતા પાસેથી મળી છે. તેમના પિતાજી હંમેશાં કહેતા કે 'દીકરી, ધર્મ અને દાન માટે પૈસા બચાવો.' પલકના માતા પણ તેમના માટે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત છે. પરિવારના લોકોના પોઝિટિવ સપોર્ટ અને જીવનમાં કંઇક કરી બતાવવાની ઝંખના તેમજ સમાજને શક્ય હોય તે રીતે ઉપયોગી થવાની ભાવનાએ પલકને આજે આ મુકામે પહોંચાડી છે. દેશની દીકરીઓ માટે પલક એક ઉદાહરણ પૂરું પાડે છે.

gujarati mid-day