કાંદિવલીના ગુજરાતી પરિવારે દુરૉન્તો એક્સપ્રેસમાં લાખોની મતા ગુમાવી

02 November, 2019 02:29 PM IST  |  મુંબઈ ડેસ્ક

કાંદિવલીના ગુજરાતી પરિવારે દુરૉન્તો એક્સપ્રેસમાં લાખોની મતા ગુમાવી

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) રેલવે દ્વારા મુસાફરોની સલામતી માટે કરાતા દાવા વચ્ચે ચાલતી ગાડીએ પ્રવાસીઓને લૂંટવાનો કે તેમનો સામાન ચોરાવાનો સિલસિલો રોકાતો નથી. તાજેતરમાં કેરળની ટ્રિપ દરમ્યાન બહારગામની ટ્રેનના ફર્સ્ટ ક્લાસના કોચના કૂપેમાં કાંદિવલીના ગુજરાતી પરિવારને કડવો અનુભવ થયો હતો. બહારથી દરવાજો ખોલીને કૂપેમાં ઘૂસી આવેલા ચોર પર્સમાંથી રોકડ રૂપિયા અને સોનાનાં ઘરેણાં મળીને ૨,૧૫,૦૦૦ રૂપિયાની માલમતા તફડાવી ગયો હોવાની ફરિયાદ આ પરિવારે રેલવેમાં કરી છે. તેમણે રેલવેપ્રધાન પીયૂષ ગોયલને ટ્વીટ પણ કર્યું હતું. ઘટનાના ૧૦ દિવસ બાદ ગઈ કાલે તેમને કોંકણ રેલવે અને પલક્કડ ડિવિઝનમાંથી બે ઈ-મેઇલ મળી હતી.

કાંદિવલીની દહાણુકરવાડીમાં રહેતા હિતેશ વેદ તેમના પરિવાજનો સાથે કેરળના પ્રવાસે જવા માટે ૧૯ ઑક્ટોબરે લોકમાન્ય ટિળક ટર્મિનસથી એર્નાકુલમ જવા માટે દુરૉન્તો એક્સપ્રેસમાં ફર્સ્ટ એસી ક્લાસ કોચ એચ૧માં એ, બી, એફ અને જીમાં રવાના થયા હતા.
મોડી રાતે સૂઈ ગયા બાદ ૨.૫૦ વાગ્યે રત્નાગિરિ સ્ટેશન અને કોચી રેલવે સ્ટેશન દરમ્યાન અજાણ્યો ચોર કૂપેનો દરવાજો બહારથી ખોલીને અંદર પ્રવેશ્યો હતો. હિતેશ વેદનાં પત્નીના પર્સમાંથી ૯૦,૦૦૦ રૂપિયા કૅશ અને ૧,૨૫,૦૦૦ રૂપિયાનાં સોના-હીરાનાં ઘરેણાં લઈને ચોર પલાયન થઈ ગયો હોવાની જાણ તેઓ સવારે ૭ વાગ્યે જાગ્યા ત્યારે થઈ હતી.
કોચિંગ ક્લાસિસ ચલાવતા પ્રોફેસર હિતેશ વેદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રત્નાગિરિ સ્ટેશને ટ્રેન પહોંચી ત્યારે અમારી ઊંઘ ઊડી હતી. અમે અંદરથી કૂપેનો દરવાજો બંધ કર્યો હોવા છતાં કોઈક વ્યક્તિ કેવી રીતે અંદર ઘૂસી શકે? ચોરે અમારી કૂપેમાં કોઈક કેમિકલ સ્પ્રે છાંટ્યો હોવો જોઈએ, નહીં તો દરવાજો ખોલવાની સાથે મારી વાઇફના હાથમાં પહેરેલી સોનાની બંગડી અને ડાયમન્ડની બે વીંટી ઉતારતી વખતે તે જાગી જાત. ચોરીની જાણ થયા બાદ મેં રેલવેના હેલ્પલાઇન-નંબર ૧૮૨ પર ફોન કર્યો હતો, પરંતુ સંપર્ક નહોતો થઈ શક્યો. સાંજે કોચિન પહોંચ્યા બાદ અહીંના રેલવે-સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.’
હિતેશ વેદે વધુમાં જણાવ્યું હતું કે ‘ઘટનાના ૧૦ દિવસ બાદ ગઈ કાલે મને કોંકણ રેલવે અને પલક્કડ ડિવિઝનમાંથી અમારી સાથે બનેલી ઘટનાની વિગતો આપવા માટેની બે ઈ-મેઇલ મળી હતી. મેં એફઆઇઆર નોંધવાનો ઘણો આગ્રહ કર્યો હોવા છતાં રેલવે પોલીસે માત્ર લેટર દ્વારા જ ફરિયાદ નોંધી હતી. આખી ટ્રેનમાં એક પણ પોલીસ ન હોવાથી આ ઘટના બની હતી.’
સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચોરીની આ ઘટના કોંકણ રેલવેમાં થઈ હોવાથી તેઓ આની તપાસ કરશે. તેમણે ઘટનાની ગંભીરતા જોઈને તપાસ હાથ ધરી છે.

kandivli