ફરી આવશેઃ 14-15 ઓગસ્ટે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

13 August, 2019 05:56 PM IST  |  અમદાવાદ

ફરી આવશેઃ 14-15 ઓગસ્ટે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. વરસાદ બંધ થતા કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે, માંડ જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. પરંતુ હજીય રાહતની શક્યતાઓ ઓછી છે. કારણ કે આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ઓડિશા ને બંગાળના દરિયામાં બનેલું લૉ પ્રેશર હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે રાજ્યમાં 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ એમ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં પડેલા વરસાદને કારણે નદી-નાળા છલકાયેલા છે. ત્યારે હજી જો ભારે વરસાદ ખાબકશે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરનું સંકટ સર્જાી શકે છે.

વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવા માછીમારોને કહેવાયું છે. આગાહી પર્માણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે.

અત્યાર સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યના જુદા જુદા 47 તાલુકાઓમાં કુલ 40 ઈંચ, 93 તાલુકાઓમાં 20થી 40 ઈંચ, 100 તાલુકાઓમાં 10થી 20 ઈંચ અને 11 તાલુકાઓમાં 5થી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા ચોમાસાની સરખામણીએ 48 ટકા વધુ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ ... અને જોત જોતામાં તણાઈ ચાર ગાય, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદે બઘડાટી બોલાવી, બાદમાં સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં આજના દિવસ સુધીમાં સરેરાશ 84 ટકા વરસાદ પડતા રાજ્યના 8 જેટલા ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.

Gujarat Rains ahmedabad rajkot vadodara surat