રાજકોટમાં ટ્રાફિક નિયમના વિરોધમાં સોની બજારે બંધ પાળ્યો

17 September, 2019 12:22 PM IST  |  રાજકોટ

રાજકોટમાં ટ્રાફિક નિયમના વિરોધમાં સોની બજારે બંધ પાળ્યો

ટ્રાફિક નિયમ

ગુજરાતભરમાં સોમવારે નવા મોટર વેહિકલ ઍક્ટનો અમલ શરૂ થયો. રાજકોટમાં વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દીધું છે. આ સાથે જ ફોર-વ્હીલર ચાલકોએ પણ સીટબેલ્ટ પહેરવાનું શરૂ કરી દીધું છે તો બીજી તરફ જે લોકો હેલ્મેટ નથી ખરીદી શક્યા તેઓ સોમવારે હેલ્મેટ ખરીદવા જતાં પહેલાં કરતાં વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા છે. જ્યારે સોની બજારમાં વેપારીઓએ આજે બંધ પાળીને આકરી દંડસહિતાનો વિરોધ કર્યો છે.

ટ્રાફિકના નવા નિયમના વિરોધમાં શહેરના સોની બજાર, પૅલેસ રોડ સહિતના વેપારીઓએ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓએ એકઠા થઈને સરકાર સામે સૂત્રોચાર કરીને વિરોધ કર્યો.

આ ઉપરાત પોલીસ-અધિકારીઓએ ટ્રાફિક સ્ટાફને પ્રજા સાથે ઘર્ષણ ન થાય એ પ્રકારે કામ કરવાની સૂચના આપી છે. આ સાથે જ જણાવ્યું હતું કે લોકોને માત્ર દંડ જ નહીં ફટકારાય, તેમને ટ્રાફિક નિયમનનું પાલન કરવા સમજાવવામાં પણ આવશે. ટ્રાફિકના નવા નિયમના કારણે હેલ્મેટના ધંધામાં ભારે તેજી આવી ગઈ છે. ટ્રાફિક નિયમની અમલવારી શરૂ થતાં જ હેલ્મેટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ કાળા બજારમાં મળતી હેલ્મેટના ભાવ બેથી ત્રણગણા થઈ ગયા છે. જે હેલ્મેટ ગઈ કાલ સુધી ૮૫૦-૯૦૦ રૂપિયામાં મળી રહી હતી એ આજે ૧૧૦૦માં અને જે હેલ્મેટ ૧૧૦૦માં મળી રહી હતી એ આજે ૧૩૦૦માં વેચી વેપારીઓ કાયદાનો ફાયદો ઉઠાવી લોકોને લૂંટી રહ્યા છે.

ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં પોલીસોને ડબલ દંડ ફટકારાયો

સોમવારથી આરટીઓના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટબેલ્ટ ન પહેરવો, હેલ્મેટ ન પહેરી હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે; જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. આ દંડમાં પોલીસ-અધિકારીઓને પણ સામેલ કરાયા છે.

આ પણ વાંચો : PM મોદીએ નર્મદા મૈયાની મહાઆરતી કરી, 100 પંડિતોએ વેદોક્ત મંત્રોચ્ચાર કર્યા

રાજ્યમાં નવો મોટર વેહિકલ ઍક્ટ લાગુ થતાં જ વડોદરા ટ્રાફિક પોલીસે સામાન્ય લોકોની સાથે-સાથે પોલીસ જવાનો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં ટ્રાફિક એસીપી અધિકારી સહિતના કર્મચારીઓને ડબલ દંડ ફટકાર્યો છે.

rajkot gujarat vadodara