વડોદરા સામૂહિક કેસઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી દબોચ્યા

09 December, 2019 08:43 AM IST  |  Vadodara

વડોદરા સામૂહિક કેસઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી દબોચ્યા

પ્રતિકાત્મક તસવીર

વડોદરાના નવલખી મેદાનમાં બનેલી બળાત્કારની ઘટનાના આરોપીઓને આખરે પોલીસે ઝડપી લીધા છે. વડોદરા પોલીસની સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ આરોપીઓને શોધવામાં જોડાયેલી હતી જેમાં વડોદરાના તરસાલી વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું કે આરોપીઓની કઈ રીતે તપાસ કરવામાં આવી અને તેમને કઈ રીતે ઝડપી લેવામાં આવ્યા.
ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે સીસીટીવી, મોબાઈલ ડેટા, હ્યુમન ઇન્ટેલિજન્સ સહિતની મદદથી મળેલી વિગતોને એકઠી કરીને બન્ને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓમાં એક આરોપીનું નામ કિશોર કાળુભાઈ માથાસુરિયા (૨૧) છે જે તરસાલીમાં રહેતો હતો જ્યારે તે મૂળ આણંદ જિલ્લાનો છે, અન્ય આરોપી જશો સોલંકી (૨૧) જે પણ તરસાલીનો રહેવાસી છે અને મૂળ રાજકોટનો છે. આ બન્ને આરોપીઓ લગ્નપ્રસંગમાં અને તરસાલીની આસપાસ ફુગ્ગા વેચવા સહિતનું છૂટક કામ કરતા હતા. આરોપીઓની પોલીસ પ્રાથમિક તપાસ કરી જેમાં તેમણે મારા-મારી, ચોરી, ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હોવાનું કબૂલ્યું છે. આરોપીઓની વધુ તપાસમાં અન્ય ગુના તેઓ કબૂલે તેવી શક્યતા છે.
૨૮મીની રાત્રે જ્યારે સગીરા તેના મિત્ર સાથે નવલખી મેદાનના અંધારામાં બેઠી હતી ત્યારે આ બે શખસોએ યુવકને માર માર્યો અને પછી સગીરાને ઝાડીઓમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ કિશોર અને જશો બન્ને જણા યુવકને માર માર્યા પછી સગીરાને ગોલ્ફકોર્સની દીવાલ પાસે આવેલી ઝાડીમાં લઈ ગયા હતા અને ત્યાં તેમના પર દુષ્કર્મ આચર્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં પોલીસે કરેલી કામગીરીની પ્રશંસા કરીને આરોપીઓને સખતમાં સખત સજા થાય તેવી ઈચ્છા વ્યક્ત કરીને તેમણે આ કેસને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવામાં આવશે તેમ જણાવ્યું છે.

vadodara gujarat Vijay Rupani