રાજ્ય ડેન્ગીના ભરડામાં: સૌથી વધુ કેસ જામનગરમાં, સૌથી ઓછા ડાંગમાં

23 October, 2019 09:54 AM IST  |  જામનગર

રાજ્ય ડેન્ગીના ભરડામાં: સૌથી વધુ કેસ જામનગરમાં, સૌથી ઓછા ડાંગમાં

પ્રતીકાત્મક તસવીર

રાજ્યભરમાં ડેન્ગીનો કહેર વધી રહ્યો છે. જેમાં સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્રમાં છે. અહીંની સરકારી હૉસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે એટલા દરદી વધી રહ્યા છે. તો સામે રોજ ઢગલાબંધ કેસ પોઝિટિવ થાય છે. રાજ્યમાં ડેન્ગીના કેસમાં થઈ રહેલા સતત વધારાને લઈ સરકાર ચિંતિત બની છે. મુખ્ય સચિવ જે. એન. સિંહે રાજ્યના જિલ્લા કલેકટર જિલ્લા આરોગ્ય અધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કૉન્ફરન્સ કરીને આ મામલે માહિતી મેળવી હતી.

મુખ્ય સચિવે તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ડેન્ગી પ્રભાવિત જિલ્લાઓ અને શહેરોમાં વીકલી અભિયાન ચલાવવા સૂચના આપી છે. તો આ અભિયાન અંતર્ગત ઘરના તમામ પાણીના કન્ટેનર ખાલી કરાવવા આદેશ આપ્યો છે. તેમ જ દવાઓનો છંટકાવ કરાવવા પણ સલાહ સૂચનો કર્યાં છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યનાં તળાવોમાં ૭૯,૩૪૮ પોરાનાશક માછલીઓ નાખવામાં આવી છે. તો બીજી તરફ ૪,૩૧,૪૨૫ ગર્ભવતી મહિલાઓને મચ્છરદાનીનું વિતરણ કરાયું છે.

આ પણ વાંચો : અમરેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો

રાજ્યમાં ડેન્ગીના આંકડા પર નજર કરીએ તો હાલ રાજ્યમાં ડેન્ગીના ૭૩૧૯ કેસ નોંધાયા છે. તો ૨૧ ઑક્ટોબરના રોજ ૧૪૫ કેસ નોંધાયા છે. ડેન્ગીનો સૌથી વધુ આતંક જામનગર જિલ્લામાં છે. જ્યાં રોજેરોજ ડેન્ગીથી મોતનો સિલસિલો વધી રહ્યો છે. આ સીઝનમાં ડેન્ગીથી કુલ મૃત્યુઆંક ૧૭ પર પહોંચ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ૩૦૦થી વધુ ડેન્ગી પોઝિટિવ કેસ નોંધાયા છે.

jamnagar gujarat dengue