જામનગરમાં ઠંડીનો ચમકારો: 35 કિમીની ઝડપે પવન ફૂંકાતાં લોકો થરથર કાંપ્યા

04 January, 2020 09:43 AM IST  |  Jamnagar

જામનગરમાં ઠંડીનો ચમકારો: 35 કિમીની ઝડપે પવન ફૂંકાતાં લોકો થરથર કાંપ્યા

પ્રતીકાત્મક તસવીર

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કાતિલ ઠંડી પડી રહે છે. એમાંય ખાસ કરીને પ્રતિ કલાકના ૩૫થી ૪૦ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે અને શહેરી જનો તેમ જ પશુ-પક્ષીઓ ઠૂંઠવાઈ રહ્યાં છે. ઠંડીમાં હજી વધારો થાય એવી શક્યતાઓ દર્શાવાઈ છે.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના જણાવાયા અનુસાર જામનગર શહેરમાં સવારે આઠ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧૧.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું, જેના કારણે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઉપરાંત પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩૦ કિલોમીટરની ઝડપે રહી હતી જે વધીને ૩૫ કિલોમીટર સુધી પહોંચી હતી.

આ પણ વાંચો : નીતિન પટેલે અસિત વોરા પર કરી કમેન્ટ : ગૌણસેવા પરીક્ષા વિવાદ મામલે મૌન તોડ્યું

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી ૧૧ ડિગ્રીની વચ્ચે રહ્યો છે, જેના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સાથોસાથ પ્રતિ કલાકના ૩૫થી ૪૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે ધ્રુજારી અનુભવાઈ રહી છે.

jamnagar gujarat