રાજકોટ ઝૂમાં પહેલી વાર હિમાલયન રીંછ, સાથે નવાં પક્ષીઓ જોવા મળશે

13 November, 2019 09:05 AM IST  |  Rajkot

રાજકોટ ઝૂમાં પહેલી વાર હિમાલયન રીંછ, સાથે નવાં પક્ષીઓ જોવા મળશે

રાજકોટ ઝૂ

રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુન‌િક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્ય પ્રાણી વિન‌િમય હેઠળ ભારતનાં અન્ય ઝૂ પાસેથી નવાં-નવાં વન્ય પ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન અને એમ.સી. ઝૂલૉજિકલ પાર્ક, છત્તબીર વચ્ચે નીચેની વિગતે વન્ય પ્રાણી-પક્ષીઓ વિનિમય કરવા મંજૂરી મળતાં પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવ્યાં છે.

આ વિન‌િમય પછી રાજકોટ ઝૂમાં હવે હિમાલયન રીંછ, વિદેશી વાનર હમદ્રયાસ બબૂન, જંગલ કૅટ અને કેટલાંક નવાં વિદેશી પક્ષીઓ જોવા મળશે. બદલામાં રાજકોટ ઝૂ દ્વારા એશિયાઈ સિંહની એક જોડી, એક સફેદ વાઘ અને એક જંગલ કૅટ આપવામાં આવી છે.

હમદ્રયાસ બબૂન ૧ઃ૧ (નર-૧, માદા-૧) પૈકી હાલ માદા વાનર ૧ લાવવામાં આવી છે. બબૂન નર હાલ છતબીર ઝૂ ખાતે ઉપલબ્ધ ન હોઈ ટૂંક સમયમાં તેઓ દ્વારા (છતબીર ઝૂ) બબૂન નર અન્ય ઝૂ પાસેથી મેળવી રાજકોટ ઝૂને સોંપવામાં આવશે. હાલ આ તમામ પ્રાણી-પક્ષીઓને ત્રણ અઠવાડિયાં સુધી ક્વોરેન્ટાઇનમાં અવલોકન હેઠળ રાખવામાં આવ્યાં છે. ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ થતાં મુલાકાતીઓ માટે પ્રદર્શ‌િત કરવામાં આવશે.

આ પણ વાંચો : સુરતની 440 હેક્ટર જમીનો રિઝર્વેશનમાંથી મુક્ત કરાશે: CM રૂપાણી

હાલ ગુજરાતના એક પણ ઝૂમાં વિદેશી વાનર હમદ્રયાસ બબૂન રાખવામાં આવ્યા નથી. આથી રાજકોટ ઝૂ બબૂન વાનરોને પ્રદર્શ‌િત કરનાર ગુજરાતનું પ્રથમ ઝૂ બન્યું છે. ચાલુ વર્ષે રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડતાં ઝૂની બન્ને બાજુનાં બન્ને તળાવો લાલપરી તથા રાંદરડા સંપૂર્ણ ભરાઈ જતાં તથા ઝૂનું કુદરતી સૌંદર્ય વાતાવરણ જોઈ મુલાકાતીઓ ખૂબ જ પ્રભાવ‌િત થાય છે.

rajkot gujarat