કચ્છ એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને લૂંટ કરી લૂંટારા ફરાર

21 November, 2019 10:28 AM IST  |  Navsari | Ronak Jani

કચ્છ એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને લૂંટ કરી લૂંટારા ફરાર

ઈજાગ્રસ્ત આંગડિયા પેઢીનો કર્મચારી.

વલસાડથી સુરત જતા આંગડિયા પેઢીના કર્મચારીને પાંચ શખસોએ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં માર મારી તેની પાસે રહેલા સોનાચાંદીના દાગીના અને રોકડ ભરેલી બૅગની લૂંટ ચલાવી હતી. બૅગને લૂંટારાઓના હાથમાં જતી રોકવાના પ્રયાસમાં કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આથી તે હાલ નવસારીની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

વલસાડ ખાતે આવેલી અમરત કાંતિલાલ આંગડિયા પેઢીમાં કામ કરતો ૪૨ વર્ષનો કર્મચારી પ્રવીણસિંહ પ્રતાપસિંહ રાજપૂત ઑફિસના કામે પાર્સલ ભરેલી બૅગ લઈ કચ્છ એક્સપ્રેસમાં બેસી સુરત જતો હતો ત્યારે એ જ બોગીમાં દરવાજા પાસે બેસેલા ૨૫થી ૩૦ વર્ષની ઉંમરના પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ તમંચા જેવું હથિયાર બતાવીને કર્મચારી પાસેથી બૅગ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રવીણસિંહે બૅગ બચાવવાનો પ્રયાસ કરવા લૂંટારાઓનો સામનો કરતાં લૂંટારાઓએ હાથમાં રાખેલા હથિયારનો પાછળનો ભાગ તેના માથાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ડુંગરી સ્ટેશન નજીક ફાટક પાસે ચેઇન-પુલિંગ કરી તમામ ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત આંગડિયા પેઢીના કર્મચારી પ્રવીણસિંહ પ્રતાપસિંહ રાજપૂતને નવસારી રેલવે-સ્ટેશને ઉતારી સૌપ્રથમ નવસારી સિવિલ હૉસ્પિટલમાં અને ત્યાર બાદ ખાનગી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વેસ્ટર્ન રેલવે પોલીસની ટીમ એલ.એ.બી., એસ.ઓ.જી.ને ડિસ્ટાફના માણસો આરોપીને પકડવા કામે લાગ્યા છે.

આ પણ વાંચો : રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થતાં વાહનચાલકો અટવાયા

મોડી રાતે રેલવે પોલીસના ડીવાયએસપી ડી. જી. કંથારિયા નવસારી આવી પહોંચ્યા હતા અને ઘાયલ કર્મચારીનું નિવેદન લઈ તપાસ હાથ ધરી છે. પોલીસ-અધિકારીએ આ ઘટનામાં કુલ કેટલી રકમની લૂંટ થઈ છે એ અંગે સ્પષ્ટતા કરી નહોતી. જોકે આંગડિયા પેઢીની ઑફિસથી ફરિયાદ અપાય ત્યાર બાદ માહિતી આપવામાં આવશે એવું જણાવ્યું હતું.

kutch navsari gujarat indian railways Crime News