નવસારીમાં પાણી ભારવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ

08 May, 2019 08:06 AM IST  |  નવસારી | (જી.એન.એસ.)

નવસારીમાં પાણી ભારવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ

ફાઈલ ફોટો

પાણી ભરવા બાબતે નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં આવેલા વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસે ટિયરગૅસના ૩૦થી વધુ સેલ છોડવા પડ્યા હતા.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે પાણી ભરવા બાબતે બે યુવાનોને માર મારવામાં આવ્યો હતો, બાદમાં મામલો વધુ ગરમાયો હતો. જેમાં મહારાણા પ્રતાપનાં પાૅસ્ટરો ફાડી નાખતાં મામલો વધુ વણસ્યો હતો અને ૧ હજારથી વધુ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. જેમાં બંને સમાજ વચ્ચે સામસામો પથ્થરમારો પણ થયો હતો. આ ઘટનામાં પોલીસચોકીને પણ નિશાન બનાવાઇ હતી અને પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે સામસામી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : પાટણ: પીવાના પાણીના પ્રશ્ને પાટણના અછતગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર

આ ઘટનાની જાણ થતાં મોડી રાત્રે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઅોએ ઘટનાસ્થળે પહોંચી મામલા પર કાબૂ મેળવ્યો છે. જેમાં સમગ્ર વિજલપોર શહેરમાં પોલીસ ખડકી દેવામાં આવી છે. નવસારી, જલાલપોર અને વિજલપોર, બીલીમોરા, ગણદેવી પોલીસ તથા એલસીબી અને એસઅોજીની ટીમ પણ શહેરમાં તહેનાત કરી દેવામાં આવી છે. સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

navsari gujarat