જામનગરમાં ડેન્ગીનો કહેર, સીએ યુવતીનું મોત, જિલ્લામાં કુલ 17નાં મોત

18 November, 2019 09:38 AM IST  |  Jamnagar

જામનગરમાં ડેન્ગીનો કહેર, સીએ યુવતીનું મોત, જિલ્લામાં કુલ 17નાં મોત

પ્રતીકાત્મક તસવીર

જામનગરમાં ડેન્ગીથી ચાર્ટર્ડ અકાઉટન્ટ યુવતીનું મૃત્યુ નીપજ્યું છે. ડેન્ગીના કેસમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ રોગચાળો નાબૂદ થવાનું નામ ન લેતાં વધુ ૨૯ પૉઝિટિવ કેસ નોંધાયા છે. ૩૫ દરદીઓ સ્વસ્થ બનતાં જી. જી. હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગરમાં છેલ્લા સપ્તાહથી ડેન્ગીના કેસમાં ઘટાડો નોંધાતાં તંત્રએ આંશિક રાહત અનુભવી છે. આ સ્થિતિમાં ડેન્ગીના કારણે યુવતીનું મૃત્યુ નીપજતાં આરોગ્ય તંત્ર પુનઃ ધંધે લાગ્યું છે. મરનાર યુવતીનાં એક મહિના બાદ લગ્ન થવાનાં હતાં.

સૌરાષ્ટ્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ડેન્ગીના કેસ નોંધાયા છે. જામનગરની જી. જી. હૉસ્પિટલમાં રોજ પૉઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. શિયાળાની શરૂઆત છતાં ડેન્ગીનો રોગચાળો જવાનું નામ લેતો નથી. સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ ડેન્ગીને કારણે ૧૭ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.

મળતી વિગત અનુસાર ત્રણેક દિવસ પહેલાં શહેરમાં કાલાવડ નાકા બહાર વચલી ફળીમાં મોહમદી મહોલ્લા પાસે રહેતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જૈનબબેન ભારમલ (ઉં.વ.૨૧)ને તાવ આવતાં સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેનો ડેન્ગીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. પરંતુ તબિયત વધુ લથડતાં તેને વધુ સારવાર અર્થે જી. જી. હૉસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બીજી બાજુ શનિવારે જી. જી. હૉસ્પિટલમાં ડેન્ગીના વધુ ૨૯ પૉઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ડેન્ગીની સારવાર લઈ રહેલા ૩૫ દરદી સ્વસ્થ થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

jamnagar dengue gujarat