કચ્છ: લૂંટારાઓ-પોલીસનું સામસામે ફાયરિંગ, હરિયાણાના 2 આરોપીઓ ઝબ્બે

11 February, 2019 07:32 PM IST  |  આદિપુર, કચ્છ | દીર્ઘ મીડિયા ન્યુઝ એજન્સી

કચ્છ: લૂંટારાઓ-પોલીસનું સામસામે ફાયરિંગ, હરિયાણાના 2 આરોપીઓ ઝબ્બે

પ્રતીકાત્મક તસવીર

કચ્છના આદિપુરમાં ત્રણ મહિના અગાઉ એટીએમ બહાર 3 અજાણ્યા વ્યક્તિઓએ કેશવાનમાં બેઠેલા બે કર્મચારીઓ પર ફાયરિંગ કરીને 34 લાખની લૂંટ ચલાવી હતી. તે આરોપીઓને આજે બાતમીના આધારે પોલીસ અંજારના શાંતિધામમાં પકડવા માટે પહોંચી હતી. પોલીસ પર તે લોકોએ ફાયરિંગ કર્યું હતું. જવાબમાં પોલીસે પણ બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જોકે ઘટનામાં કોઇને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું નથી. આ એન્કાઉન્ટર પછી બે લોકો પકડાઈ ગયા હતા, જ્યારે એક નાસી છૂટ્યો હતો.

અંજાર તાલુકાના વરસામેડી ગામ નજીક આવેલી શાંતિધામ સોસાયટીના મકાન નં. 450માં આદિપુરમાં એક્સીસ બેંકલૂંટના આરોપીઓ હોવાની બાતમી પોલીસને મળી હતી. તેના આધારે રવિવારની સવારે પૂર્વ કચ્છ પોલીસની એલસીબી, એસઓજી સહિતના 30 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટુકડી સ્થળ પર પહોંચી હતી અને ઈનપુટ અનુસારના ઘરને ચારેબાજુથી કોર્ડન કરી લીધું હતું. આગળથી દરવાજો બંધ હતો. પાછળના દરવાજે જવા માટે જ્યારે દરવાજો ખખડાવીને ખોલવામાં આવ્યો ત્યારે અંદર રહેલા આરોપીઓએ સામે ફાયરિંગ કર્યું.

અચાનક થયેલા હુમલા સામે પોલીસ પ્રતિકાર કરે તે દરમિયાન અંદરથી ત્રણ આરોપીઓ નીકળીને બાવળની ઝાડી તરફ ભાગવા લાગ્યા હતા. પોલીસે તેમનો પીછો કર્યો હતો. બાવળો અને પથ્થરોને ટપાવતા આરોપીમાંથી એક જણે પાછળ આવતી પોલીસને રોકવા ફિલ્મી ઢબે પાછળ વળીને સીધું પોલીસ પર ફાયર કર્યું. સદભાગ્યે બુલૅટ કોઇને ન વાગી પરંતુ જવાબી કાર્યવાહીમાં એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજાએ પોતાની લાયસન્સ્ડ રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. બે માઈલ સુધી દોડ્યા બાદ બે આરોપીઓ ધર્મેન્દ્ર જાટ અને રાહુલ વીજને પોલીસે પકડી પાડ્યા હતા. આ બંન્ને હરિયાણાના રહેવાસી છે અને હિસ્ટ્રીશીટર હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી જાણવા મળે છે. જોકે ત્રીજો આરોપી રવીન્દ્ર દયાનંદ જાટ બાવળની ઝાડીઓમાં થઇને ભાગી‌ ગયો હતો.

આ પણ વાંચો: કચ્છઃમુંદ્રામાંથી ચોરાયું બાબાસાહેબ આંબેડકરનું પૂતળું

ત્યારબાદ પોલીસ સ્ટાફે ત્રીસેક કિલોમીટર જેટલો વિસ્તાર તપાસ્યો હતો પરંતુ તે મળ્યો ન હતો. પકડાયેલા આરોપીઓ પાસેથી બે તમંચા મળી આવ્યા છે. પૂર્વ કચ્છ પોલીસ કમિશ્નર પરીક્ષિતા રાઠોડની સૂચના પ્રમાણે 30 કિમી ડ્રોન ઉડાડીને પણ શોધ કરવામાં આવી હતી પરંતુ ત્રીજો આરોપી ન પકડાયો. પોલીસ પર થયેલ હુમલા બાબતે અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી.

kutch gujarat