લાંબા ચોમાસાએ બદલી કેસર કેરીની ક્રૉપ-પૅટર્ન...કેસર દોઢ મહિનો મોડી પડશે

13 February, 2020 08:19 AM IST  |  Rajkot | Rashmin Shah

લાંબા ચોમાસાએ બદલી કેસર કેરીની ક્રૉપ-પૅટર્ન...કેસર દોઢ મહિનો મોડી પડશે

કેસરના શોખીનો માટે દુખદ સમાચાર છે. આ વર્ષે કેસર કેરી એના રેગ્યુલર ટાઇમ કરતાં ઑલમોસ્ટ ૪પ દિવસ મોડી આવે એવી શક્યતા છે. આવું થવા પાછળનું કારણ ગુજરાતનું લંબાઈ ગયેલું ચોમાસું છે.

ગયા વર્ષે ચોમાસું ૧૫ દિવસ લાંબું રહ્યું હતું તો આ વર્ષે છેક દિવાળી પછી પણ વરસાદ ચાલુ રહ્યો જેને લીધે કેસરની પૅટર્નને અસર થઈ છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં આંબા પર મોર આવી જતા હોય છે. મોરને તૈયાર થઈને કેરી બનવામાં ૪૫ દિવસ જેટલો સમય લાગે જે માર્ચ મહિનાના અંત ભાગમાં તૈયાર થઈ પાકીને ખાવાલાયક થઈ જાય, પણ આ વખતે હજી તો આંબા પર મોર આવવાના શરૂ થયા છે જેને કાચી કેરીના સ્વરૂપમાં ફેરવાતાં અને એ પછી પાકી કેરી થતાં એપ્રિલ મહિનો આવી જશે. સામાન્ય રીતે આ સમયે જૂનાગઢ અને ગિરની આસપાસના વિસ્તારમાં કાચી કેરી દેખાવા લાગતી હોય છે અને લોકો કચુંબરમાં એનો ઉપયોગ પણ કરતા થઈ જાય છે, પણ આ વખતે કાચી કેરીનાં દર્શન દૂર-દૂર સુધી થઈ નથી રહ્યાં.

જો કેરી મોડી આવશે તો પોષણક્ષમ ભાવ પણ ખેડૂતોને મળે નહીં એવી સંભાવના છે. આ પાછળનું કારણ જૈનોના આદ્રા ગણાય છે. આદ્રા બેસી ગયા પછી જૈનો કેરી ખાતા નથી. મોડી આવતી કેરીને આદ્રા પણ નડી શકે એમ છે. એવું થયું તો આંબાના માલિકો આ વર્ષે રાતા પાણીએ રડે તો નવાઈ નહીં લાગે.

rajkot Rashmin Shah