ભુજની કૉલેજમાં વિદ્યાર્થિનીઓનાં કપડાં ઉતારી માસિકધર્મ તપાસતાં હોબાળો

14 February, 2020 04:05 PM IST  |  Mumbai Desk

ભુજની કૉલેજમાં વિદ્યાર્થિનીઓનાં કપડાં ઉતારી માસિકધર્મ તપાસતાં હોબાળો

કચ્છના ભુજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં કૉલેજની વિદ્યાર્થિનીઓનાં કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સંચાલકોએ વિદ્યાર્થિનીઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ વિદ્યાર્થિનીઓની માગણી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. વિદ્યાર્થિનીઓના કહેવા પ્રમાણે તેમને કૉલેજ અને હૉસ્ટેલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી છે. સાથે જ એવી પણ ધમકી આપવામાં આવી હતી કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. જો કોઈને મંજૂર ન હોય તો કૉલેજ કે હૉસ્ટેલ છોડીને જઈ શકે છે.

વિદ્યાર્થિનીઓના આક્ષેપ પ્રમાણે બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પૅસેજમાં બેસાડવામાં આવી હતી. બાદમાં માસિક ધર્મ અંગે પૂછપરછ કરીને એક પછી એક વિદ્યાર્થિનીને વૉશરૂમમાં લઈ જઈને તેમની તપાસ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધવ્યો હતો. બાદમાં તેમને એવી ધમકી આપવામાં આવી હતી કે જો તમારે વિરોધ કરવો હોય તો તમે હૉસ્ટેલ છોડીને જઈ શકો છો. વિદ્યાર્થિનીઓના કહેવા પ્રમાણે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં પણ આ પ્રકારની તપાસ થશે.

bhuj gujarat Crime News