પુલવામા હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ, સીએમ નિવાસસ્થાને મળી ઉચ્ચસ્તરીય બેઠક

18 February, 2019 04:40 PM IST  |  ગાંધીનગર

પુલવામા હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ, સીએમ નિવાસસ્થાને મળી ઉચ્ચસ્તરીય બેઠક

વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) પાસેથી મળેલા ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ, મુખ્ય સચિવ જે એન સીંગ, ATS ચીફ હિમાંશુ શુક્લા, પોલીસ વડા શિવાનંદ ઝા, IB ચીફ એ.બી. બ્રહ્મભટ્ટ, સીએમના સલાહકાર કે કૈલાસનાથ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્યની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી.

આજની આ બેઠકમાં ગુજરાત એટીએસના ઇનપુટ પ્રમાણે રાજ્યના મંદિરો, રેલવેસ્ટેશન, મોલ, મલ્ટીપ્લેક્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે જેવા સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ ના થઈ શકે છે એ અંગે મહત્વની તકેદારી રાખી કાવતરું નિષ્ફળ બનાવવા અંગે ચર્ચા થઈ. IBના ઈનપુટને પગલે વલસાડમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. મોલ, મલ્ટીપ્લેક્સ અને રેલવે સ્ટેશન પર ચેકિંગ થઈ રહ્યું છે. તીથલના દરિયાકિનારે ડોગ સ્ક્વૉડની તપાસ ચાલુ છે. જાહેર સ્થળો પર પોલીસનું ચેકિંગ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ ઇન્ટેલિન્સ એજન્સીઓ પાસેથી પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરી અંગે માહિતી મળ્યા પછી ગુજરાતના દરિયાકાંઠે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો પાકિસ્તાનની નજીક છે. આતંકવાદીઓ 1993 અને 2008માં ગુજરાતના આ કિનારાનો ઉપયોગ કરીને ભારતમાં ઘૂસ્યા હતા અને પછી મુંબઈ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: પુલવામા આતંકી હુમલા પછી ગુજરાતના દરિયાકાંઠે હાઇ એલર્ટ જાહેર

IGP એસ.એસ. ત્રિવેદીએ જણાવ્યું કે પુલવામામાં CRPF જવાનોની બસ પર તાજેતરમાં થયેલા હુમલા પછી દરિયાકિનારો ધરાવતા 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, "22 દરિયાઇ પોલીસ સ્ટેશન્સ અને 71 દરિયાકિનારાની ચેકપોસ્ટ્સ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે."

Vijay Rupani gujarat gandhinagar