બીજેપીની ધૂંઆધાર બૅટિંગઃ કૉન્ગ્રેસની પાંચ વિકેટ પડી!?

16 March, 2020 11:26 AM IST  |  Gandhinagar

બીજેપીની ધૂંઆધાર બૅટિંગઃ કૉન્ગ્રેસની પાંચ વિકેટ પડી!?

પ્રવિણ મારૂ : ગઢડા ધારાસભ્ય, સોમા પટેલ : લીંબડી ધારાસભ્ય, જે. વી. કાકડિયા : ધારી ધારાસભ્ય, પ્રદ્યુમનસિંહ જાડેજા : અબડાસા ધારાસભ્ય, મંગળ ગાવિત : ડાંગ ધારાસભ્ય

કૉન્ગ્રેસમાં પણ અસંતોષરૂપી કોરોના વાઇરસ: પાંચ ધારાસભ્યોને અસર, આજે વિધાનસભામાં અધ્યક્ષના નામની જાહેરાત કરે એવી શક્યતા, હંગામાના આસાર, કૉન્ગ્રેસનું સંખ્યાબળ ૭૩થી ઘટીને ૬૮ થયું

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો ઉપર ૨૬ માર્ચના રોજ મતદાન થવાનું છે તે અગાઉ જ કૉન્ગ્રેસે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રિસોર્ટ પોલિટિક્સનો સહારો લેવો પડ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપીના ત્રણ ઉમેદવાર અને કૉન્ગ્રેસના બે ઉમેદવાર જાહેર થયા છે. બીજેપી દ્વારા ક્રોસ વોટિંગ કરાવાની પ્રબળ શક્યતા વચ્ચે કૉન્ગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવાની વેતરણમાં લાગી ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત કૉન્ગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતાં કૉન્ગ્રેસ માટે મુશ્કેલી સર્જાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ બે ધારાસભ્યો શનિવારે રાત્રે વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતા. સુરેન્દ્રનગર લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા જેઓ કોળી પટેલ છે તેમ જ ધારીના ધારાસભ્ય જે. વી. કાકડિયાએ અધ્યક્ષને પોતાના રાજીનામાં ધરી દીધા હોવાની વાત છે. આ ઉપરાંત અબડાસાના એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજા પણ જયપુર ગયા નથી અને તેમણે રાજીનામું આપી દીધું છે. ડાંગના એમએલએ મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દીધું છે. ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂએ પણ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પાંચેય ધારાસભ્યોનાં રાજીનામાં અંગે વિધાનસભામાં સોમવારે સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે. આ ધારાસભ્યો બીજેપીમાં જોડાશે તેવી સંભાવના રહેલી છે.
૨૦૧૭માં રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણી વખતે કૉન્ગ્રેસના ૧૪ ધારાસભ્યોનાં રાજીનામાંની સીઝન જોવા મળી હતી અને ૨ વર્ષ પછી પણ એવી જ રાજકીય સીઝન જોવા મળી છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ૨૬મી માર્ચે થવાની છે. બીજેપીના બે અને કૉન્ગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. બીજેપીએ ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા હોવાથી કૉન્ગ્રેસના મતોમાં ગાબડું પડવાની સંભાવના સાથે આઠથી દસ ધારાસભ્યો રાજીનામાં આપીને બીજેપીમાં જોડાય તેવી ચર્ચા છે. કૉન્ગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી તેમ જ બીજેપીમાંથી અભય ભારદ્વાજ અને રમિલા બારા સત્તાવાર ઉમેદવાર છે. બીજેપીને ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતાડવા માટે સાત ધારાસભ્યોની જરૂર છે જે પૈકી બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્યનો ટેકો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં બીજેપીને કૉન્ગ્રેસના ચાર ધારાસભ્યોના મતોની જરૂર પડે તેમ છે તેથી કૉન્ગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાઈ રહ્યું છે. કૉન્ગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરમાં શિફ્ટ કર્યા પછી બાકીના હાર્ડકોર ધારાસભ્યો જ્યારે સોમવારે વિધાનસભામાં આવશે ત્યારે બેઠક તોફાની બનવા સંભવ છે. બીજેપીનો પ્લાન છે કે કૉન્ગ્રેસના પાંચથી સાત ધારાસભ્યો ક્રોસવોટિંગ ન કરે, પરંતુ ચૂંટણીના દિવસે વિધાનસભામાં ગેરહાજર રહે તો પણ બીજેપીના ત્રીજા ઉમેદવાર આસાનીથી ચૂંટણી જીતી જાય તેમ છે. કૉન્ગ્રેસના ધારાસભ્યોમાં ખળભળાટ મચ્યો છે ત્યારે શક્તિસિંહ કે ભરતસિંહ એ બન્નેમાંથી એક ઉમેદવારને લીલાતોરણે પાછા આવવું પડે તેવો માહોલ બીજેપીઅે સર્જી દીધો છે.
બીજેપી ત્રણ બેઠક જીતવાથી માત્ર ૧ મત દૂર છે. જો કૉન્ગ્રેસના ૫ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હોય તો રાજ્યસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને જીતવા માટે ૩૫ મતની જરૂર પડશે. જેમાં બીજેપીના ૩ ઉમેદવારને જીતવા કુલ ૩૫૩=૧૦૫ મતની જરૂર પડે. હાલ બીજેપી પાસે ૧૦૩ ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જેમાં કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને ૧૦૪એ પહોંચે અને બીજેપીને જીતવા માટે માત્ર ૧ મતનો ખેલ પાડવો પડે. કૉન્ગ્રેસ પાસે હાલ ૭૩ ધારાસભ્યો છે. જો ૭૩માંથી ૫ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હોય તો તેનું સંખ્યાબળ ઘટીને ૬૮ થઈ જાય અને કૉન્ગ્રેસના ૨ ઉમેદવારને જીતવા માટે ૩૫૨ એટલે કે ૭૦ મત જોઈએ, પરંતુ ૬૮ જ મત હોવાથી કૉન્ગ્રેસના એક ઉમેદવારને ઘેર જવાનો વારો આવી શકે.
કૉન્ગ્રેસના ૧૪ ધારાસભ્યોને અમદાવાદથી વિમાન માર્ગે જયપુર લઈ જવામાં આવ્યા છે. આ સિવાય પાંચથી છ ધારાસભ્યો જમીન માર્ગે રાજસ્થાન જવા રવાના થતા ગુજરાતમાંથી બહાર જનારા ધારાસભ્યોની સંખ્યા ૨૦થી ૨૨ની હોવાનું મનાય છે.
જોકે આ અહેવાલને પગલે કૉન્ગ્રેસના નેતાઓએ આ સભ્યોનો સંપર્ક કરવાના પ્રયાસ આદર્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપીની તોડફોડની રાજનીતિનો ભૂતકાળમાં અનુભવ કરી ચૂકેલાં કૉન્ગ્રેસના નેતાઓની આશંકા સાવ ખોટી પણ નથી. કૉન્ગ્રેસના જ કેટલાક ધારાસભ્યો બીજેપીના સતત સંપર્કમાં છે અને બીજેપી સાથે ક્રોસવોટિંગથી માંડીને રાજીનામાં ધરી દેવા સુધીની તૈયારી દર્શાવી હોવાનું કૉન્ગ્રેસના જ આંતરિક સૂત્રોએ જણાવ્યું છે. ૧૮૨ ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં બીજેપી પાસે ૧૦૩, કૉન્ગ્રેસ પાસે ૭૩ વિધાયક છે. રાજ્યસભાના ઉમેદવારને જીતવા માટે ૩૭ મતની જરૂર છે. બન્ને પાર્ટી પાસે બે બેઠકો જીતવા માટે પૂરતું સંખ્યાબળ છે. હાલમાં બીજેપી પાસે ૩ અને કૉન્ગ્રેસ પાસે એક બેઠક છે.

madhya pradesh gujarat Gujarat Congress bharatiya janata party gandhinagar