ભુજની સ્થાપનાને થયાં 464 વર્ષ

30 November, 2011 07:46 AM IST  | 

ભુજની સ્થાપનાને થયાં 464 વર્ષ



(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૩૦

ભુજ શહેરની સ્થાપનાને ગઈ કાલે ૪૬૪મું વર્ષ બેસતાં ભુજ નગરપાલિકાએ એક દિવસ માટે પોતાના કર્મચારીઓને રજા આપી હતી અને શહેરના-સ્થાપના દિવસની રૅલી દરમ્યાન પ્રતિજ્ઞા લીધી હતી કે શહેરમાં હવેથી કોઈ પ્લાસ્ટિક બૅગનો ઉપયોગ નહીં કરે. ભુજ નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર ઠક્કરે કહ્યું હતું કે સારા દિવસે શહેરને ફાયદો થાય એવું કંઈક કરવાની નેમ લીધી હતી એટલે આ પ્રકારની પ્રતિજ્ઞા લીધી છે અને વેપારીઓ તથા લોકો પાસેથી પણ લેવડાવી છે.

સ્થાપના-દિવસની રૅલી પહેલાં સવારે ભુજ નગરપાલિકા દ્વારા તોપનું પૂજન અને ખીલીપૂજન કરવામાં આવ્યું હતું. ખીલીપૂજનનું મહત્વ સમજાવતાં નરેન્દ્ર ઠક્કરે કહ્યું હતું કે ‘માગશર સુદ પાંચમ અને વિક્રમ સંવત ૧૬૦૫માં મહારાજા ખેંગારસિંહજીએ આ ભૂમિ પર ભુજની સ્થાપના કરવાનું નક્કી કર્યું ત્યારે પહેલી ખીલી ખોડી હતી. આ પ્રથાને અમે કાયમી બનાવવાના હેતુથી ખીલીપૂજન કરીને શહેરના ભુજ નગર સેવા સદનમાં પૂજાવિધિ કરી હતી.’

આ ઉપરાંત ગઈ કાલે ભુજમાં તોપની પૂજાવિધિ પણ કરવામાં આવી હતી.

એક સમયે શહેરના મહારાજા પાસે ૩૨ તોપ હતી, જે શહેરની ફરતે અલગ-અલગ વિસ્તારોમાં મૂકવામાં આવી હતી; પણ આઝાદી પછી કાળક્રમે એ તોપ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કચેરીમાં શોભા વધારવા માટે લઈ લેવામાં આવી હતી. એને કારણે ટૂરિસ્ટો માટે ખુલ્લા મૂકવામાં આવેલા આયના મહલમાં કોઈ તોપ નહોતી રહી. આયના મહલના સંચાલકોએ ટૂરિસ્ટોને જોવા મળે એ માટે એક તોપ આયના મહલમાં મૂકવામાં આવે એવી વિનંતી ભુજ નગરપાલિકાના પ્રમુખને કરી હતી. આ વિનંતીને માન આપીને ભુજ નગરપાલિકા સેવા સદનમાં રહેલી તોપ ગયા અઠવાડિયે આયના મહલમાં આપી દેવામાં આવી હતી. એનું ગઈ કાલે વિધિવત્ સ્થાપન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર ઠક્કરે કહ્યું હતું કે હથિયારને ક્યારેય પૂજા કર્યા વિના ઘરમાં ન લઈ શકાય એવી માન્યતાને કારણે તોપની પૂજા કરવામાં આવી હતી.