અમદાવાદમાં 50 ફૂટ ઉંડા બોરવેલમાંથી 3 વર્ષની બાળકીને બચાવી લેવાઈ

23 November, 2014 05:01 AM IST  | 

અમદાવાદમાં 50 ફૂટ ઉંડા બોરવેલમાંથી 3 વર્ષની બાળકીને બચાવી લેવાઈ






શૈલેશ નાયક

ગઈ કાલે સવારે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં અંદાજે ૫૦ ફૂટ જેટલા ઊંડા બોરવેલમાં પડી ગયેલી ત્રણ વર્ષની બાળકી જાહ્નવી હીરેન પરમાર સતત અઢી–ત્રણ કલાક સુધી મોત સામે ઝઝૂમીને, મોતને હાથતાળી આપીને અમદાવાદ ફાયર-બ્રિગેડે હાથ ધરેલા જીવસટોસટના રેસ્ક્યુ ઑપરેશનમાં અંતે સલામત રીતે બહાર નીકળી આવી હતી. હાલમાં તેને એલ. જી. હૉસ્પિટલમાં ૪૮ કલાક ડૉક્ટરોની દેખરેખમાં રાખવામાં આવી છે.

બોરવેલમાં પડી ગયેલી ત્રણ વર્ષની બાળકી ગજબની હિંમત દાખવીને ફાયર-બ્રિગેડની સૂચનાઓનું પાલન કરીને મોતને દૂર હડસેલીને બહાર નીકળી આવતાં ઘટનાસ્થળે ઉપસ્થિત સૌકોઈના જીવમાં જીવ આવ્યો હતો.

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવકાર હૉલ પાસે આવેલી ન્યુ આરતી સોસાયટી નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગઈ કાલે સવારે નવ વાગ્યાના સુમારે રમતાં-રમતાં ત્રણ વર્ષની જાહ્નવી બોરવેલમાં ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ બાળકીની મમ્મી તેમ જ આસપાસના નાગરિકોને થતાં તમામ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. આ ઘટનાથી સૌકોઈના જીવ તાળવે ચોંટી ગયા હતા અને આ નાનકડી બાળકી બચી જાય એ માટે લોકો ઈશ્વર-અલ્લાહને દુઆ-પ્રાર્થના કરવા લાગી ગયા હતા.

આ ઘટના વિશે ફાયર-બ્રિગેડ અને ૧૦૮ને જાણ કરવામાં આવતાં ઘટનાસ્થળે ઉચ્ચ ફાયર-ઑફિસરો સાથે ફાયર-બ્રિગેડનો કાફલો આવી પહોંચ્યો હતો અને ૧૦૮ની મેડિકલ વૅન પણ આવી ગઈ હતી.

અમદાવાદ ફાયર-બ્રિગેડના ઍડિશનલ ચીફ ફાયર-ઑફિસર રાજેશ ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને અમે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતું. અન્ડર સર્ચ કૅમેરા, ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન કૅમેરા, માઇક્રોફોન ઉતારીને સર્ચ કરવામાં આવતાં ખબર પડી કે બાળકી હજી જીવે છે એટલે બોરવેલમાં ઑક્સિજનની પાઇપ ઉતારવામાં આવી હતી અને ત્યાર બાદ દોરડાનો ગાળિયો બનાવીને નીચે ઉતાર્યો હતો, પરંતુ એ પ્રયાસ સફળ ન થયો. એટલે PVC પાઇપ મગાવીને એ પાઇપની અંદર દોરડું પસાર કરીને રિંગ બનાવી એમાં ગાળિયો બનાવી નીચે નાખવામાં આવી હતી. દરમ્યાન અંદર રહેલી બાળકીને માઇકથી સૂચના આપવામાં આવી હતી એનું આ બાળકીએ બરાબર પાલન કર્યું હતું, જેના કારણે અમે દોરડાનો ગાળિયો તેની છાતીના ભાગે પહેરાવી શક્યા હતા અને ધીરે-ધીરે દોરડું ખેંચીને તેને હેમખેમ બહાર કાઢી હતી.’

ફાયર-બ્રિગેડે પોણાબે કલાક સુધી સફળતાપૂર્વક ઑપરેશન હાથ ધરીને બાળકીને જીવતી બહાર કાઢતાં તેનાં માતા - પિતા સહિત સ્થાનિક નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો અને ફાયર-બ્રિગેડને અભિનંદન આપ્યાં હતાં.