૨૧ વર્ષ પહેલાંના સિતમનો પ્રોટેસ્ટ હજી યથાવત્

01 November, 2011 07:42 PM IST  | 

૨૧ વર્ષ પહેલાંના સિતમનો પ્રોટેસ્ટ હજી યથાવત્



જામનગર જિલ્લાનું જામજોધપુર ગામ ૧૯૯૦થી દર વર્ષની ૩૧ ઑક્ટોબરના દિવસે ગામ બંધ રાખીને પોલીસદમનની વરસી ઊજવે છે. આ વરસીના ભાગરૂપે ગઈ કાલે જામજોધપુર બંધ રાખવામાં આવ્યું હતું અને પહેલી વખત ગામમાં ન્યુઝપેપરનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં પોલીસે મચાવેલા આતંકની વિગતો છપાઈ હતી. જામજોધપુર પોલીસ દમન પગલાં સમિતિના ઉપપ્રમુખ જયરામ મહેતાએ કહ્યું હતું કે ‘આ ઘટનાને એકવીસ વર્ષ થઈ ગયાં છે એટલે એ સમયે જે બાળકો હતાં એ બધાં હવે યુવાન થઈ ગયાં છે. આજના આ યુવાનોને પણ ભૂતકાળના પોલીસના આતંકની ખબર પડે એ માટે અમે ત્રણ દિવસ માટે ન્યુઝપેપરનાં કટિંગ્સનું પ્રદર્શન રાખ્યું છે.’ ગઈ કાલે ગામવાસીઓએ સ્વૈચ્છિક ઉપવાસ પણ કર્યો હતો.

સંજીવ ભટ્ટની ભૂમિકા

૩૧ ઑક્ટોબર ૧૯૯૦ની સવારે જામજોધપુરમાંથી ત્રણ બૉમ્બ અને એક બૉક્સ-કારતૂસ પકડાતાં જામનગર પોલીસે જામજોધપુરમાં સર્ચ શરૂ કરી હતી, જે દરમ્યાન ૧૯૦ લોકોની ટાડા હેઠળ અરેસ્ટ કરી હતી. પકડાયેલા આ ૧૯૦માંથી ૪૨ મહિલા હતી, જેમાંથી બે પ્રેગ્નટ હતી. જે-તે સમયે જામનગર જિલ્લાના અસિસ્ટન્ટ પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ સંજીવ ભટ્ટ હતા. ચોવીસ કલાક પોલીસ જામજોધપુરમાં રહી હતી અને ૨૦૦થી વધુ લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે કરેલા આ દમનના વળતર માટે અત્યારે ગુજરાત હાઈ ર્કોટમાં કેસ ચાલી રહ્યો છે. ગુજરાત હાઈ ર્કોટે આ ઘટના વિશે સંજીવ ભટ્ટ સામે તપાસનો આદેશ પણ આપ્યો છે.