સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલે છે માનવમળ સફાઈની પ્રથા

21 November, 2014 03:46 AM IST  | 

સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલે છે માનવમળ સફાઈની પ્રથા




વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતા મિશન શરૂ કર્યું છે ત્યારે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રતિબંધિત માનવમળની સફાઈની પ્રથા ચાલુ હોવાની ફરિયાદ અમદાવાદના નવસર્જન ટ્રસ્ટે ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને કરીને આ પ્રથા અટકાવવાની માગણી કરી છે.

અમદાવાદના નવસર્જન ટ્રસ્ટના ક્ષેત્રીય સંચાલક કિરીટ રાઠોડે ‘મિડ-ડે’ સમક્ષ દાવો કરતાં કહ્યું હતું કે ‘જે કામ કાયદાથી પ્રતિબંધિત જાહેર થયેલું છે એ માનવમળની સફાઈનું કામ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં વિના રોકટોક ચાલે છે. આ કામ કાયદાથી પ્રતિબંધિત જાહેર થયેલું છે એમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ નગરપાલિકા અને દુધરેજ નગરપાલિકા તેમ જ સાયલામાં આ પ્રથા ચાલુ છે. દલિત સમાજના પરિવારો ગુજરાત સરકારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પ્રતિબંધિત માનવમળની સફાઈનું કામ કરી રહ્યા છે.’

ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને ફોટો સાથે ફરિયાદ કરતા લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગાંધીજીના ગુજરાતમાં આજે પણ સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ નગરપાલિકામાં અને સાયલામાં વાડા-જાજરૂ આવેલાં છે ત્યાં અને દુધરેજ નગરપાલિકામાં ખુલ્લામાં માનવમળની સફાઈનું કામ સફાઈકામદારો કરી રહ્યા છે.

આનંદીબહેન પટેલને ફરિયાદ કરીને માનવમળની સફાઈ પર પ્રતિબંધિત કાયદો-૨૦૧૩ની જોગવાઈ મુજબ જવાબદાર તમામ અધિકારી પર તાત્કાલિક પોલીસ-ફરિયાદ દાખલ કરવા, સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નગરપાલિકા, તમામ ગ્રામપંચાયત વિસ્તારમાં માનવમળની સફાઈનું કામ તાત્કાલિક અસરથી બંધ કરાવવા અને આ કામમાં રોકાયેલા કામદારોનું પુનર્વસન કરવાની કાર્યવાહી હાથ ધરવાની માગણી કરવામાં આવી છે.