સ્મશાનમાં બુફે ને બુફેમાં કકળાટનાં વડાં!

14 November, 2012 05:12 AM IST  | 

સ્મશાનમાં બુફે ને બુફેમાં કકળાટનાં વડાં!



કાળી ચૌદશની રાતને શાસ્ત્રોક્ત રીતે ભારે માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે એ રાત્રે આસુરી શક્તિ સ્મશાનમાંથી બહાર આવે છે, પણ આ માન્યતાને તોડવા માટે અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાના હેતુથી ગઈ કાલે ભારતીય વિજ્ઞાન જાથાની રાજકોટ શાખાએ રાજકોટ શહેરના મવડી રોડ પર આવેલા સ્મશાનમાં રાત્રે બાર વાગ્યે બુફે પાર્ટી રાખી હતી અને એ પાર્ટી પછી ભૂત-પિશાચ ડાન્સનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. ભારતીય વિજ્ઞાન જાથાએ બુફેમાં જે નાસ્તો મૂક્યો હતો અને એ નાસ્તો પણ વડાંનો હતો. કાળી ચૌદશની રાત્રે ઘરમાંથી કકળાટ કાઢવા માટે વપરાતાં વડાં જાથાના કાર્યકર્તાઓ રસ્તા પરથી ભેગાં કયાર઼્ હતાં અને એ જ વડાં બધાએ સ્મશાનમાં ખાધાં હતાં. ભારતીય વિજ્ઞાન જાથાના રાજકોટ ચેપ્ટરના ચૅરમૅન જયંતભાઈ પંડ્યાએ કહ્યું હતું કે ‘સવાસોથી દોઢસો વર્ષથી કાળી ચૌદશને લગતી માન્યતાઓ ઘર કરી ગઈ છે. આ માન્યતા તોડવા માટે અમે સ્મશાનમાં પાર્ટી રાખી હતી.’

રાત્રે અગિયાર વાગ્યે શરૂ થયેલી આ પાર્ટી સવારના છ વાગ્યા સુધી ચાલી હતી.