અમદાવાદમાં મેઘનાં અમી છાંટણાં વચ્ચે સર્જાયો વિરાટ પુસ્તકનો રેકૉર્ડ

29 July, 2012 04:22 AM IST  | 

અમદાવાદમાં મેઘનાં અમી છાંટણાં વચ્ચે સર્જાયો વિરાટ પુસ્તકનો રેકૉર્ડ

ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે, પણ ગઈ કાલે અમદાવાદમાં જ્યારે જાણીતા દિગમ્બર જૈન મુનિ શ્રી તરુણસાગરજી મહારાજના પુસ્તક ‘કડવે પ્રવચન’ની વિરાટ નકલનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે મેઘરાજાએ અમી છાંટણાં કરતાં લોકોમાં ઉત્સાહ ફેલાયો હતો. મુનિ શ્રી તરુણસાગરજી મહારાજના નામાંકિત પુસ્તક ‘કડવે પ્રવચન’ના ૨૫ ફૂટ ઊંચા, ૧૭ ફૂટ પહોળા તેમજ બે ફૂટ જાડા પુસ્તકે ગઈ કાલે ભારતના સૌથી મોટા પુસ્તકનો રેકૉર્ડ કયોર્ હતો અને એને લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

અમદાવાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં મુનિ શ્રી તરુણસાગરજી મહારાજની નિશ્રામાં ગઈ કાલે હજારો ભાવિકોની હાજરીમાં લિમકા બુક ઑફ રેકૉર્ડ્સના દિલ્હીથી આવેલા અધિકારી વી.વી.આર. મૂર્તિએ  જાહેરાત કરતાં કહ્યું હતું કે અત્યાર સુધી આવો રેકૉર્ડ થયો નથી અને મને પણ આ અદ્ભુત પુસ્તક જોવા મળ્યું એ બદલ ગૌરવ અનુભવું છું. એ પછી મૂર્તિએ મુનિ શ્રી તરુણસાગરજી મહારાજને ભારતના સૌથી મોટા પુસ્તકના રેકૉર્ડનું સર્ટિફિકેટ આપ્યું હતું.

મુનિ શ્રી તરુણસાગરજી મહારાજે આ રેકૉર્ડ બાદ કહ્યું હતું કે ‘કડવે પ્રવચન’ પુસ્તકની રચના અમદાવાદમાં જ થઈ હતી અને સૌથી મોટા પુસ્તક તરીકેનો રેકૉર્ડ પણ અમદાવાદમાં જ નોંધાયો એ બદલ હું પ્રસન્નચિત્ત છું.

ગુજરાતના સંત ગિરિબાપુએ આ મહાકાય પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું. સંખ્યાબંધ ભાવિકોએ મુનિશ્રીના મહાકાય પુસ્તકને નજીકથી જોઈ, અડી, પાનાં ફેરવીને ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ નાનાં બાળકો અને યુવાનો પણ આ પુસ્તકને કુતૂહલવશ જોઈ રહ્યાં હતા અને એનાં પાનાં ફેરવીને પાનાં પર લખાયેલા મુનિશ્રીનાં સૂત્રો વાંચતાં હતાં.

નાશિકના યુવાનની કલ્પના સાકાર થઈ

મુનિ શ્રી તરુણસાગરજી મહારાજના ‘કડવે પ્રવચન’ પુસ્તકની વિરાટ કૉપી બનાવવાનો આઇડિયા નાશિકના પારસ લોહાડેને આવ્યો હતો અને તેણે એ માટે પ્રયાસો હાથ ધર્યા હતા. મુનિ શ્રી તરુણસાગરજી મહારાજના મુનિદીક્ષાનાં ૨૫ વર્ષ પૂરાં થતાં પારસ લોહાડેના મનમાં ૨૫ ફૂટ ઊંચું પુસ્તક બનાવવાની પરિકલ્પના ઊભી થઈ હતી અને પછી તેમના ગ્રુપના ૧૦ યુવાનો જિતેન્દ્ર ગંગવાલ, વિજય પટેલ, અર્પિત જૈન, પ્રવીણ લોહાડે, અજય ઢોલિયા, શોધન શાહ, દેવાંગ જૈન, સતીશ જૂનાગડે અને રિતેશ શાહે રાત-દિવસ મહેનત કરીને, જહેમત ઉઠાવીને ચાર દિવસમાં વિરાટ કૉપી તૈયાર કરી હતી. આ મહાકાય પુસ્તક ૪૦૦૦ સ્ક્વેર ફૂટ લોખંડની પાઇપ, ૮૫૦૦ સ્ક્વેર ફૂટ ફ્લેક્સ અને ૪૦ લિટર કલરના ઉપયોગથી તૈયાર થયું છે. આ વિરાટ પુસ્તકનાં ૨૦ પાનાંમાં ભગવાન મહાવીર સ્વામીનો ફોટો, ‘કડવે પ્રવચન’માં જે સૂત્રો છે એ સૂત્રો અને મુનિશ્રીનું જીવન આલેખાયેલું છે.