નવા વર્ષની ઉજવણી માટે રાજકોટમાં દૂધના કેનમાં બિયર ભરાયા

19 December, 2011 10:30 AM IST  | 

નવા વર્ષની ઉજવણી માટે રાજકોટમાં દૂધના કેનમાં બિયર ભરાયા



રાજકોટ : રાજકોટના આજી ડૅમ પાસેથી રાજકોટ પોલીસે ગઈ કાલે બિયરનાં ૪૦૦ કૅન પકડ્યાં હતાં. આ કૅનનો આંકડો સહેજ પણ મોટો નથી, પણ બિયર જે રીતે સિટીમાં લઈ આવવામાં આવ્યો એ રીત જોઈને રાજકોટ પોલીસ રીતસર સ્તબ્ધ બની ગઈ હતી. દૂધ ભરવાના કૅનમાં બિયરનાં ટિન ભરી દેવામાં આવ્યાં હતાં અને આ બિયરનાં કૅન ન દેખાય એ માટે એના પર દૂધ ભરી દેવામાં આવ્યું હતું. થોરાળા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર બી. એમ. પરમારે કહ્યું હતું કે ‘છેલ્લા એક અઠવાડિયાથી આ રીતે દારૂ શહેરમાં લાવવામાં આવતો હતો. દારૂની ડિલિવરી થઈ જાય ત્યાર પછી એ દૂધ ઝૂંપડપટ્ટીમાં સસ્તા ભાવે વેચી દેવામાં આવતું હતું.’

બિયરનાં કૅનની ડિલિવરી કરવા આવેલા મેરામણ નામના ડ્રાઇવરે કહ્યું હતું કે દૂધના કૅનમાં બિયરનાં કૅન ભરવામાં આવ્યાં હતાં એ વિશે તેને કોઈ જાણકારી નહોતી.