માધવપુરમાં પુણ્ય કમાવા ૫૦,૦૦૦થી વધુ લોકોએ ગઈ કાલે બીજ-સ્નાન કર્યું

29 October, 2011 09:28 PM IST  | 

માધવપુરમાં પુણ્ય કમાવા ૫૦,૦૦૦થી વધુ લોકોએ ગઈ કાલે બીજ-સ્નાન કર્યું

 

 

માધવપુરમાં આવેલા માધવરાય-રુક્મિણી મંદિરના પૂજારી દિલીપ સેવક માધવપુરના સ્નાનને સમજાવતાં કહે છે, ‘ભગવાનશ્રી માધવરાય અને રુક્મિણીના વિવાહ માધવપુરમાં થયા હતા. એ વખતે માધવપુરના દરિયામાંથી ૩૩ કરોડ દેવી-દેવતા પ્રગટ થયાં હતાં અને માધવરાયના વિવાહમાં ભાગ લીધો હતો. એ દેવી-દેવતાઓમાં યમુનાજી પણ એક હતાં. યમુનાજીએ ત્યારે એવું વરદાન આપ્યું હતું કે ભાઈબીજના દિવસે કોઈ મથુરા સુધી આવી ન શકે તો અહીં આ સમુદ્રમાં સ્નાન કરનારાને એટલું જ પુણ્ય મળશે.’


ભાઈબીજના દિવસે બપોરે બાર વાગ્યે માધવરાય-રુક્મિણી મંદિરમાં છપ્પનભોગ ધરવામાં આવે છે. આ છપ્પનભોગમાં યમુનાજી માટે જળ-પ્રસાદ પણ ધરવામાં આવે છે. બાર વાગ્યે આ પ્રસાદનું વિતરણ થયા પછી સમુદ્રસ્નાન શરૂ થાય છે. ગઈ કાલે બપોરે બાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં માધવપુરમાં પ૦,૦૦૦થી વધુ લોકોએ સ્નાન કર્યું હતું. માધવરાય-રુક્મિણી મંદિરના પૂજારી દિલીપ સેવક કહે છે, ‘માધવપુરનો દરિયો પ્રમાણમાં જોખમી છે. અહીં ઝેરી માછલી પણ થાય છે. આવા સંજોગોમાં સામાન્ય રીતે અહીં કોઈ સ્નાન નથી કરતું, પણ ભાઈબીજના દિવસે બધા આવે છે અને સ્નાન કરે છે.’

માધવપુરમાં પુણ્ય કમાવા ૫૦,૦૦૦થી વધુ લોકોએ ગઈ કાલે બીજ-સ્નાન કર્યું

ભાઈબીજ નિમિત્તે ગઈ કાલે લાખો લોકોએ જીવનના અંતિમ સમયે યમયાતનાથી બચવા મથુરાની યમુના નદીમાં સ્નાન કર્યું હતું. વિશ્રામઘાટ પર સવારે-સાંજે ભવ્ય આરતી થઈ હતી અને એ જોવા લાખો લોકો મથુરા આવ્યા હતા. ભાઈબીજના દિવસે પવિત્ર યમુનાસ્નાન કરવા માનવમહેરામણ ઊમટી આવ્યો એની પાછળ એક પૌરાણિક કથા છે. યમુનાજી મૃત્યુના દેવ યમનાં નાનાં બહેન છે. યમ ભાઈબીજના દિવસે યમુનાના ઘરે જમવા ગયા હતા. યમુનાના આતિથ્યથી ખુશ થયેલા યમરાજાએ યમુનાને વરદાન માગવાનું કહ્યું હતું અને યમુનાએ વરદાન માગ્યું હતું કે આ દિવસે યમુનામાં પવિત્ર ડૂબકી મારનારને તમે અંતિમ સમયે યાતના ન આપતા. યમરાજાએ ત્યારે તથાસ્તુ કહ્યું હતું. આમ પણ વૈષ્ણવોમાં તો યમુનાના સ્નાન અને પાનનું અતિશય મહાત્મ્ય છે. વૈષ્ણવો માને છે કે યમુનાજી તેમને ભગવાન શ્રીકૃષ્ણ સાથે મેળાપ કરાવે છે.