29 January, 2019 08:22 PM IST | અમદાવાદ | દીર્ઘ મીડિયા ન્યુઝ એજન્સી
પોલીસના વાહનોમાંથી ડીઝલની ચોરી કરતા 2 પોલીસપુત્રો
શહેરની પોલીસ ભલે કાયદો-વ્યવસ્થા જાળવવાની વાતો કરતી હોય, પરંતુ ખુદ તેના હેડક્વાર્ટરમાં જ જ્યાં તેના ખુદના વાહનો સલામત નથી, ત્યારે શહેરની પ્રજાની સલામતી કેટલી હશે એ ચિંતા ઉપજાવે છે. મંગળવારે માધવપુરા પોલીસે અમદાવાદ શાહીબાગ ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસના જ વાહનોની ચોરી કરતા બે પોલીસપુત્રોની ધપકડ કરી છે. બંને આરોપી પોલીસપુત્રોએ 4-5 ગાડીઓમાંથી 350 લીટરથી વધુ ડીઝલની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
પોલીસના એમટી સેક્શનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સરજીતસિંહ મંગળવારે તેમની નોકરી પર ચડ્યા હતા. એ સમયે તેઓ જ્યારે પોતાની ગાડીમાં બેઠા ત્યારે જોયું કે તેમની ગાડીની ડીઝલની ટાંકીનું ઢાંકણું ખુલ્લું છે. આથી, તેમને ડીઝલ ચોરીની શંકા ગઈ હતી. તેમણે નીચે ઉતરીને જોયું તો ગાડીમાં ડીઝલ ઓછું હતું. સરજીત સિંહે તાત્કાલિક એમટી વિભાગમાં જાણ કરી હતી. વિભાગના અન્ય કર્મચારીઓએ જ્યારે બહાર આવીને તપાસ કરી તો ત્યાં રહેલા અન્ય વાહનોના ડીઝલની ટાંકની ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા હતા. ત્યાર બાદ વધુ તપાસ કરતાં એક ગાડીમાં નુકસાન જોવા મળ્યું હતું. થોડે દૂર તપાસ કરતા એક ગાડી જેમાં સાઈડ લાઈટ તૂટેલી હતી અને તે ગાડીના ટાયરના નિશાન પણ જોવા મળ્યા હતા.
પોલીસ ટાયરના નીશાન સાથે ચાલીને આગળ પહોંચી તો ત્યાં એક કાર પાર્ક કરી હતી, જેની સાઈડ લાઈટ અને મેઈન લાઈટ તૂટેલી હતી. પોલીસે તપાસ કરતાં આ કાર પોલીસ હેડક્વાર્ટરમાં જ રહેતા એક પોલીસકર્મીના પુત્ર દર્પણસિંહ રાઠોડની અને બીજી કાર અન્ય એક પોલીસ કર્મીના પુત્ર સિદ્ધરાજસિંહ સોલંકીની હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: પ્રવીણ રામની આહીર સ્વાભિમાન યાત્રાને બહોળો પ્રતિસાદ
પોલીસે હાલ તો શંકાના આધારે આ બંને પોલીસપુત્રોની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના પુત્રો જ જ્યારે ગેરકાયદે ધંધા કરતા પકડાતા હોય, પોલીસના જ વાહનમાંથી ડીઝલ ચોરી કરતા હોય ત્યારે આ બાબત મોટી ચિંતા ઉપજાવે છે.