જૂનાગઢમાં સાધુની હત્યાના આરોપીને પકડવા માટે સંત સમાજનાં અનશન

25 December, 2012 06:44 AM IST  | 

જૂનાગઢમાં સાધુની હત્યાના આરોપીને પકડવા માટે સંત સમાજનાં અનશન

શુક્રવારે બનેલી આ ઘટના માટે શનિવારે જૂનાગઢ બંધ રાખવામાં આવ્યું હતું જ્યારે રવિવારે સાધુ સમાજના અગ્રણી સાધુઓએ આરોપીઓની ધરપકડ માટે શહેરમાં મૌન રૅલી કાઢી હતી. આ પછી પણ આરોપીઓની ધરપકડ હજી સુધી થઈ નહીં હોવાથી ગઈ કાલે સવારે અગિયાર વાગ્યા ભારતીય સાધુ સમાજ મંડળના પ્રમુખ ભારતીબાપુએ આમરણાંત અનશન શરૂ કર્યા હતા. ભારતીબાપુએ કહ્યું હતું કે ‘સાધુની હત્યાએ સમગ્ર સમાજના સંસ્કાર અને ધર્મની હત્યા છે. જમીન ખાલી કરાવવા માટે છેલ્લા કેટલાય વખતથી ધમકી મળતી હતી. અમે પોલીસને ધમકી આપનારાઓનાં નામ આપ્યાં છે. હત્યા કરનારાઓને ઓળખી બતાવવાનું કામ પણ કેટલાક ભાવિકોએ કર્યું છે એ પછી પણ કોઈ ધરપકડ થઈ નથી, એ અન્યાય છે.’

ભારતીબાપુ સાથે સાધુ સમાજના અન્ય દસ સાધુઓ પણ અનશનમાં જોડાયા હતા તો ગઈ કાલે જૂનાગઢના બીજેપીના વિધાનસભ્ય મહેન્દ્ર મશરૂએ પણ પ્રતીક ઉપવાસ કર્યો હતો. મહેન્દ્ર મશરૂએ કહ્યું હતું કે ‘જો પોલીસ અડતાલીસ કલાકમાં આરોપીઓને પકડશે નહીં તો ગુરુવારે આખું જૂનાગઢ પ્રતીક ઉપવાસ કરશે, જેનું પાપ પોલીસ-ડિપાર્ટમેન્ટને શિરે ગણાશે.’