અમદાવાદમાં રહેતા ISIના બે નવયુવાન એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

15 October, 2012 05:35 AM IST  | 

અમદાવાદમાં રહેતા ISIના બે નવયુવાન એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા



અમદાવાદ : અમદાવાદ અને ભુજસ્થિત ઇન્ડિયન આર્મીની મૂવમેન્ટ અને ઇન્ફર્મેશન અમદાવાદમાંથી ઈ-મેઇલ દ્વારા પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇને મોકલવાના નાપાક કૌભાંડનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરીને અમદાવાદમાં જમાલપુરમાં રહેતા આઇએસઆઇના બે નવયુવાન એજન્ટ સિરાઝુદ્દીન અને મોહમ્મદ અય્યુબને ગઈ કાલે ઝડપી લીધા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ એ. કે. શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું કે અમદાવાદના જમાલપુરમાં રહેતા  સિરાઝુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર (ઉ. ૨૨) અને તેના મિત્ર મોહમ્મદ અય્યુબ ઉર્ફે શાકીર મોહમ્મદ અબ્દુલ કરીમ શેખ (ઉં. ૨૩) પાકિસ્તાની ગુપ્તચર આઇએએસને અમદાવાદ અને ભુજસ્થિત ઇન્ડિયન આર્મીની મૂવમેન્ટ અને ઇન્ફર્મેશન અમદાવાદમાંથી ઈ-મેઇલ દ્વારા મોકલતા હતા. સિરાઝુદ્દીનના સગા પાકિસ્તાનમાં રહેતા હોવાથી ચાર વર્ષ પહેલાં તે પાકિસ્તાન ગયો ત્યાં બૉર્ડર પર તેની આઇએસઆઇના ઑફિસર સાથે મુલાકાત થઈ હતી અને આર્મીની વિગતો મોકલવા જણાવ્યું હતું અને આ કામ માટે સિરાઝુદ્દીન તૈયાર થઈ ગયો હતો અને અમદાવાદ આવીને તેણે તેના મિત્ર મોહમ્મદ સાથે મળીને અમદાવાદ અને ભુજ આર્મીની વિગતો ઈ-મેઇલ દ્વારા આઇએસઆઇને મોકલી હતી. આ બન્ને આરોપીઓની માહિતી મળતાં તેમની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી નકશા સહિતનું સાહિત્ય મળી આવ્યું છે.

આરોપી મોહમ્મદ અમદાવાદની ભવન્સ કૉલેજમાં કરી રહ્યો છે જર્નલિઝમનો અભ્યાસ


ભારતને તબાહ કરવા માટે સતત કાર્યરત રહેતી પાકિસ્તાનની કુખ્યાત સંસ્થા આઇએસઆઇને ઇન્ડિયન આર્મીની વિગતો ઈ-મેઇલ દ્વારા મોકલવાનું કામ કરતો અમદાવાદનો ૨૩ વર્ષનો કૉલેજિયન યુવાન મોહમ્મદ અય્યુબ અમદાવાદની ભવન્સ કૉલેજમાં જર્નલિઝમનો અભ્યાસ કરી રહ્યો છે.

સિરાઝુદ્દીન અને મોહમ્મદ મિત્રો છે. સિરાઝુદ્દીન સાત ધોરણ સુધી ભણ્યો હોવાથી તેણે મોહમ્મદની મદદ લીધી હતી. મોહમ્મદે બીકૉમ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે સિરાઝુદ્દીને લાવેલી વિગતો ઈ-મેઇલ દ્વારા આઇએસઆઇને મોકલતો હતો. તે પકડાઈ ન જાય એ માટે ખાસ ધ્યાન રાખતો હતો. ઉલ્લેખનીય છે કે આ નાપાક કામ માટે તેમને અઢી લાખ રૂપિયા ચૂકવાયા છે.

આઇએસઆઇ = ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ