કાર્ડ આવ્યું કામમાં

26 September, 2023 07:45 AM IST  |  Mumbai | Shailesh Nayak

અંબાજીના મેળામાં ગુમ થયેલાં ૧૩ બાળકો મળી આવ્યાં: થૅન્ક્સ ટુ તેમને અપાયેલાં આઇ-કાર્ડ: ભાદરવી પૂનમના મહામેળામાં વિખૂટાં પડેલાં બાળકોને શોધી કાઢવા આ યોજના શરૂ કરાઈ છે

અંબાજીના મેળામાં વિખૂટાં પડેલાં બાળકોનું વાલીઓ સાથે મિલન.


અમદાવાદ ઃ ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતાં બાળકોને માટે આઇ-કાર્ડ આશીર્વાદરૂપ બન્યું છે. પોતાના પરિવારથી વિખૂટાં પડેલાં ૧૩ બાળકોને વહીવટી તંત્ર દ્વારા પહેરાવવામાં આવેલું આઇ-કાર્ડના કારણે તેમના વાલીઓ સુધી પહોંચાડવામાં મદદરૂપ બન્યું છે અને એના આધારે પેરન્ટ્સનો સંપર્ક કરીને બાળકોને સુખરૂપ રીતે વાલીઓને સોંપાયાં હતાં. બીજી તરફ ગઈ કાલે સાંજ સુધીમાં ૧૩ લાખથી વધુ માઈભક્તોએ અંબેમાતાજીના મંદિરે માથું ટેકવી, શીશ નમાવીને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. 

ભાદરવી પૂનમના મેળામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે ત્યારે તેમની સાથે બાળકો પણ આવતાં હોય છે. આ બાળકો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા રતનપુર સર્કલ, હડાદ પોલીસ સ્ટેશન પૉઇન્ટ, જી.એમ.ડી.સી. પૉઇન્ટ અને મુખ્ય કન્ટ્રોલ પૉઇન્ટ એમ ચાર જગ્યાએ બાળ સહાયતા કેન્દ્ર શરૂ કર્યાં છે. મેળામાં આવતાં બાળકો માટે આઇ-કાર્ડ બનાવીને તેમને પહેરાવાયું હતું, જેમાં તેમનું નામ, સરનામું, વાલીનું નામ અને ફોન નંબર સહિતની માહિતી લખાઈ હતી, જેના કારણે કોઈ બાળક તેમના પેરન્ટ્સથી છૂટું પડી જાય ત્યારે તેને મુખ્ય કન્ટ્રોલ પૉઇન્ટ ખાતે બાળ સહાયતા કેન્દ્ર પર સલામત રીતે લઈ આવીને અને ત્યાં રાખીને બાળકે પહેરેલું આઇ-કાર્ડ જોઈને તેના વાલીનો સંપર્ક કરાય છે. વાલી આવે ત્યાં સુધી બાળકો માટે ઘોડિયાઘર, રમકડાં, દૂધ, બિસ્કિટ સહિતની વસ્તુઓ તેને ઉપલબ્ધ કરાવાય છે અને તેમને સાચવવામાં આવે છે. અંબાજી મેળામાં ગુમ થયેલાં ૧૩ બાળકોએ પહેરેલા આઇ-કાર્ડની મદદથી તેમના વાલીઓનો સંપર્ક કરીને બાળકો હેમખેમ રીતે આપવામાં આવતાં તેઓ ખુશ થઈ ગયા હતા. બે દિવસ દરમ્યાન મેળામાં આવેલા ૧૮૦૦ જેટલાં બાળકોને આ રીતે આઇ-કાર્ડ પહેરાવાયાં છે.
બીજી તરફ પ્રકૃતિના સાંનિધ્યમાં માઈભક્તો આધ્યાત્મિકતા અને નૈસર્ગિક વાતાવરણનો લહાવો લઈ રહ્યા છે. અંબાજી જતા રસ્તામાં આવતા ડુંગરાઓ વચ્ચેથી પસાર થવાનો રોમાંચ માણી રહ્યા છે. ડુંગરાળ પ્રદેશ પદયાત્રીઓને આકર્ષી રહ્યો છે. માઈભક્તો રસ્તામાં માતાજીના ગરબા ગાતા અને ભજનોની રમઝટ બોલાવતાં-બોલાવતાં અંબાજી જઈ રહ્યા છે. ગઈ કાલે સાંજ સુધીમાં અંબાજીમાં ૫,૮૮,૨૯૬ માઈભક્તોએ માતાજીના મંદિરે દર્શન કર્યાં હતાં. છેલ્લા ત્રણ દિવસમાં ૧૩,૩૨,૦૩૨ માઈભક્તોએ દર્શન કર્યાં છે અને ૯૫૮ ધજા ચડાવી છે. પ્રસાદનાં ૬,૧૮,૬૮૦ પૅકેટનું વિતરણ થયું છે. મંદિરમાં ૨,૧૭,૯૮,૧૩૮ રૂપિયાની દાનની આવક થઈ છે. ૧૬ ગ્રામ સોનું ચડ્યું છે તેમ જ ૧૪૨૪.૭ ગ્રામ ચાંદીના દાગીના ભેટ ચડ્યા છે.
પગપાળા યાત્રા કરીને અંબાજી આવતા પદયાત્રીઓ માટે ખાસ ઊભા કરાયેલા વૉટરપ્રૂફ ડોમ પદયાત્રીઓ માટે થાક ઉતારવાનું  ઠેકાણું બન્યા છે. ૧૨૦૦ બેડના આ ડોમમાં બેડ ઉપરાંત શૌચાલય, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. રોજેરોજ અંબાજી આવતા પદયાત્રીઓ આ વૉટરપ્રૂફ ડોમમાં આરામ કરીને થાક ઉતારી રહ્યા છે.

 

 

gujarat news gujarat gujarati mid-day ambaji