૧૨-૧૨-૧૨ પર થશે ૧૨ બાળકોના જન્મનો રેકૉર્ડ

11 December, 2012 04:50 AM IST  | 

૧૨-૧૨-૧૨ પર થશે ૧૨ બાળકોના જન્મનો રેકૉર્ડ




(સેજલ પટેલ)

મુંબઈ, તા. ૧૧

૨૦૧૧ની ૧૧ નવેમ્બરે સુરતના સ્ટેશન રોડ પર આવેલા ટ્વેન્ટીફસ્ર્ટ સેન્ચુરી હૉસ્પિટલ ઍન્ડ ટેસ્ટટ્યુબ બેબી સેન્ટરમાં ૧૧ બાળકો પેદા કરવાનો રેકૉર્ડ ડૉ. પૂર્ણિમા નાડકર્ણીએ કરેલો. હવે આવતી કાલે એટલે કે ૧૨-૧૨-૧૨ના સ્પેશ્યલ દિવસે ડૉ. પૂર્ણિમા ૧૨ ટેસ્ટટ્યુબ બેબીની ડિલિવરી કરાવીને પોતાનો જ રેકૉર્ડ તોડવા માગે છે. જોકે આ માટે છથી સાત ડૉક્ટરોની ટીમ છેલ્લા કેટલાય મહિનાઓથી તૈયારીઓ કરી રહી છે.

ડૉ. પૂર્ણિમા ઘણા મહિનાથી આ ખાસ દિવસની તૈયારીઓ કરતાં આવ્યાં છે. જોકે આ કામ ધાર્યા જેટલું સરળ નહોતું. તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘સાડાનવ મહિના પહેલાંથી અમે આ દિવસે બાર બાળકોની ડિલિવરી કરાવવાનું આયોજન કરી રહ્યા છીએ. લગભગ નવ મહિના પહેલાં અમે કેટલીક મહિલાઓને એવી રીતે આઇવીએફ ટ્રીટમેન્ટ આપી હતી જેથી ૧૨ ડિસેમ્બરની આસપાસ જ તેમનું સિઝેરિયન પ્લાન કરી શકાય. બધું બરાબર ચાલી રહ્યું હતું અને ૯ ટ્વિન્સ તથા ૮ સિંગલ બાળકો આ દિવસે પેદા થાય એવી ગણતરી હતી. જોકે આ પ્રકારની ટ્રીટમેન્ટ લેનારી કેટલીક મહિલાઓ મોટી ઉંમરની હોવાથી બ્લડ-પ્રેશર અને અન્ય કૉમ્પ્લિકેશન્સ થવાથી નવ બાળકો તો ગયા અઠવાડિયે જ ડિલિવર થઈ ગયાં. બીજા કેટલાક લોકોને ૧૨ તારીખે ચૌદસ હોવાનું નડ્યું. ગુજરાતીઓમાં તિથિનું મહત્વ ઘણું હોય છે એટલે કેટલાંક કપલ એવાં છે જેઓ ચૌદસના દિવસે બને ત્યાં સુધી બાળક ડિલિવર કરવા નથી માગતાં. આખરે બધી ગણતરી કરતાં એક સમયે તો એવું લાગ્યું કે હવે બારમી તારીખે બાર બાળકોના આંકડાને આંબવામાં તકલીફ પડશે. જોકે હવે એ સમસ્યા સૉલ્વ થઈ ગઈ છે.’

પોતાનો રેકૉર્ડ તોડવાની તૈયારી 


૧૧ બાળકોની ડિલિવરી આ સેન્ટરમાં ગયા વર્ષે ૧૧-૧૧-૧૧ના દિવસે થઈ ચૂકી છે. આ વર્ષની તૈયારીઓ વિશે ડૉ. પૂર્ણિમા કહે છે, ‘અમે ૧૨થી ૧૪ બાળકોની એ દિવસે ડિલિવરી થાય એ મુજબ આગળ વધી રહ્યા છીએ. જોકે અમે કોઈની લાગણીને ઠેસ ન પહોંચે એની અથવા તો મેડિકલી બાળક કે માને તકલીફ ન થાય એની પૂરતી તકેદારી રાખી રહ્યા છીએ. રેકૉર્ડ કરતાં પહેલાં અમારે મન બાળક અને માનું સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે. ’

સવારે છથી દસનું મુરત


સિઝેરિયન હોય ત્યારે લોકો એ દિવસનું સારું મુરત જોતા હોય છે. ટ્વેન્ટીફસ્ર્ટ સેન્ચુરી હૉસ્પિટલ ઍન્ડ ટેસ્ટટ્યુબ બેબી સેન્ટરમાં સવારે છથી દસ વાગ્યા દરમ્યાન લાઇનસર સિઝેરિયન્સ થવાની શરૂઆત થશે. ડૉ. પૂર્ણિમા કહે છે, ‘સવારનું મુરત સારું છે એટલે સવારે છથી દસ વાગ્યા દરમ્યાન અમારા છથી સાત ડૉક્ટરોની ટીમ સિઝેરિયન કરશે. ત્રણ ઑપરેશન થિયેટરોમાં એકસાથે કામ થશે. ગયા વર્ષે પણ અને આ વર્ષે પણ તમામ બાળકો આઇવીએફ એટલે કે ટેસ્ટટ્યુબ બેબીની પ્રક્રિયાથી કન્સીવ થયાં છે. ટેસ્ટટ્યુબ બેબીની પ્રક્રિયાથી કોઈ એક જ હૉસ્પિટલમાં એક જ દિવસે એકસાથે આટલાંબધાં ટેસ્ટટ્યુબ બાળકો પેદા થયાં હોય એવું ઍટલીસ્ટ ઇન્ડિયામાં તો નથી જ થયું. અમારે અમારો જ ગયા વર્ષનો રેકૉર્ડ તોડવો છે.’

આઇવીએફ = ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન