વડોદરામાં એક જ દિવસમાં ડેન્ગીના ૧૨ કેસ પૉઝિટિવ આવતાં ખળભળાટ

22 September, 2019 09:21 AM IST  |  વડોદરા

વડોદરામાં એક જ દિવસમાં ડેન્ગીના ૧૨ કેસ પૉઝિટિવ આવતાં ખળભળાટ

પ્રતીકાત્મક તસવીર

વડોદરા : (જી.એન.એસ.) શહેરીજનોને શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગયેલી પાલિકા શહેરમાં સાફસફાઈ કરવામાં નિષ્ફળ જતાં ડેન્ગી જેવા રોગચાળાએ માથું ઊંચક્યું છે. એક દિવસમાં ડેન્ગીના ૧૨ કેસ પૉઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ચોમાસામાં દૂષિત પાણી આપવામાં આવતાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું હતું. પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવ્યો નથી ત્યાં શહેરમાં ઠેર-ઠેર ગંદકી હોવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં ડેન્ગી તાવે માથું ઊંચક્યું હતું. ૧૭ સપ્ટેમ્બરે પાલિકાનાં આરોગ્ય-કેન્દ્રોમાં શંકાસ્પદ ડેન્ગી તાવના ૪૫ નમૂના મોકલવામાં આવ્યા હતા, જે પૈકી ૨૨ કેસ પૉઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ બીજા શંકાસ્પદ ડેન્ગી તાવના નમૂના મોકલવામાં આવ્યા હતા, જૈ પૈકી ૧૨ દરદીઓના નમૂના પૉઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે.
શહેરમાં સ્વચ્છતાનો દાવો કરનાર કૉર્પોરેશન શહેરીજનોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગોની સફાઈને બાદ કરતાં શહેરના સોસાયટી વિસ્તારો તેમ જ સ્લમ વિસ્તારોમાં ગંદકીએ માઝા મૂકી છે. ઠેર-ઠેર વરસાદનું હજી પણ પાણી ભરાયેલું છે. આ સાથે ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ઠેર-ઠેર ગંદકી અને પાણી ભરાયેલાં હોવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.

vadodara gujarat