દ્વારકામાં મોદી સાથે ૧૦ હજાર લોકો કરશે ઉપવાસ

12 October, 2011 08:29 PM IST  | 

દ્વારકામાં મોદી સાથે ૧૦ હજાર લોકો કરશે ઉપવાસ

 

હવે મુખ્ય પ્રધાનનું કાર્યાલય એવી ધારણા રાખી  રહ્યું છે કે રવિવારે દ્વારકામાં થનારા સદ્ભાવના ઉપવાસમાં જામનગર જિલ્લાના દસ હજારથી વધુ લોકો મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉપવાસ કરશે.  સહઉપવાસીઓનો આંકડો આવડો મોટો હશે એવી ધારણાથી જ મુખ્ય પ્રધાનનો કાર્યક્રમ એ પ્રકારનો બનાવવામાં આવ્યો છે કે તેઓ પહોંચે એ પહેલાં તમામ ઉપવાસીઓ  હાજર થઈ જાય. જામનગરના કલેક્ટર સંદીપકુમારે કહ્યું હતું કે ‘સવારે આઠથી દસ વાગ્યા વચ્ચે છાવણી માત્ર ઉપવાસીઓ માટે ખોલવામાં આવશે. એ પછી મુખ્ય  પ્રધાન આવશે અને ત્યાર પછી અન્ય લોકો માટે સદ્ભાવના છાવણી ખોલવામાં આવશે.’

સદ્ભાવના ઉપવાસમાં ઉપવાસીઓ સિવાય પચીસ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે એવી ધારણા મૂકવામાં આવી છે. ઉપવાસની રાતે મુખ્ય પ્રધાન દ્વારકામાં જ  રોકાશે અને સવારે દ્વારકાધીશનાં દર્શન કરીને પારણાં કરશે. ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે ‘દ્વારકા જેવડા નાના શહેરમાં જો આવો  માહોલ હોય તો સુરત જેવા મોટા શહેરમાં પહોંચ્યા પછી તો સદ્ભાવના ઉપવાસીઓનો આંકડો લાખને પણ વટાવી જશે. જો આવું થશે તો ગિનેસ વર્લ્ડ રેકૉડ્ર્સે પણ  એકવીસમી સદીના આ સૌથી મોટા ઉપવાસ આંદોલનની નોંધ લેવી પડશે.’

નરેન્દ્ર મોદી દ્વારકાના સર્કિટ હાઉસની પાછળ આવેલા સનસેટ પૉઇન્ટ વિસ્તારમાં દરિયાકાંઠે ઉપવાસ કરવાના છે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે જામનગર જિલ્લાના  કૉન્ગ્રેસના સંસદસભ્ય વિક્રમ માડમ સત્કર્મ-ઉપવાસ કરવાના છે. સત્કર્મ-ઉપવાસનો હેતુ સમજાવતાં વિક્રમ માડમે કહ્યું હતું કે ‘ખોટી વ્યક્તિ સામે વિરોધ નોંધાવવો  એ પણ સત્કર્મ જ છે અને એટલે જ અમે અમારા આ ઉપવાસને સત્કર્મ-ઉપવાસ નામ આપ્યું છે. હવે જ્યાં-જ્યાં નરેન્દ્ર મોદી ઉપવાસ કરશે ત્યાં-ત્યાં કૉન્ગ્રેસ વતી  સત્કર્મ-ઉપવાસ થશે.’
મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને વિક્રમ માડમની ઉપવાસ-છાવણી વચ્ચે ફક્ત એક કિલોમીટરનું અંતર છે. જોકે બન્ને ઉપવાસ-છાવણીની એન્ટ્રી અલગ-અલગ  દિશાએથી અપાયેલી હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન ઊભો નહીં થાય.