પકડવો હતો દારૂ અને પકડાઈ 16 કરોડની ચાંદી

25 October, 2012 05:19 AM IST  | 

પકડવો હતો દારૂ અને પકડાઈ 16 કરોડની ચાંદી



રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા કુવાડવા ચેકપોસ્ટ પર મંગળવારે પોલીસને મળેલી આગોતરી ઇન્ફર્મેશનના આધારે એક પેટીપૅક આઇશર કંપનીનો મૅટાડોર ચેક કરતાં એ મૅટાડોરમાંથી ૨૦૬૨ કિલો ચાંદીની પાટ મળી આવી હતી. પોલીસને એવી ઇન્ફર્મેશન મળી હતી કે મૅટાડોરમાં દારૂ ભરાઈને આવી રહ્યો છે, પણ દારૂને બદલે ૧૬ કરોડની માર્કેટ-વૅલ્યુ ધરાવતી ચાંદી મળી આવતાં પોલીસ પણ હેબતાઈ ગઈ હતી. રાજકોટના પોલીસ-કમિશનર એચ. પી. સિંહે કહ્યું હતું કે ‘ઈશ્વરલાલ બેચરદાસ આંગડિયાનો આ માલ છે. આંગડિયા સર્વિસનું કહેવું છે કે આ માલ રાજકોટના સોનીબજારનો છે. આંગડિયા કંપની જે કોઈ જથ્થાનું બિલ રજૂ કરશે એ માલ છૂટો કરવામાં આવશે.’

અડધોઅડધ માલ બેનંબરી


રાજકોટ પોલીસનું માનવું છે કે આ માલમાંથી અડધોઅડધ માલ બેનંબરી છે, જેનું કોઈ બિલ રજૂ કરવામાં નહીં આવે. આવડી મોટી માત્રામાં મળેલા ચાંદીના જથ્થા માટે રાજકોટ પોલીસે રાજકોટ સર્કલના ઇન્કમ-ટૅક્સ વિભાગને પણ ઇન્કવાયરીમાં સાથે જોડ્યો છે. જે કોઈ બેનંબરી ચાંદી બાકી વધશે એ ચાંદી માટે સાચા વેપારીઓનાં નામ આપવામાં નહીં આવે તો ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ અને રાજકોટ પોલીસ આંગડિયા સર્વિસની સામે ગુનો દાખલ કરશે.

વેપારીઓએ પાડી હડતાળ

મંગળવારે વહેલી સવારે રાજકોટના પોલીસ-ડિપાર્ટમેન્ટે ચાંદી પકડી પાડતાં રાજકોટના સોનીબજારના વેપારીઓએ પોલીસ અને પછી ઇન્કમ-ટૅક્સ વિભાગની સામે હડતાળ શરૂ કરી દીધી હતી અને સોનીબજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટના સોનીબજારના ગોલ્ડ ડીલર્સ અસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ કહ્યું હતું કે ‘વેપારીઓ સાથે ત્રાસવાદીઓ જેવું વર્તન કરવામાં આવે છે, આ ખોટું છે. જો ગુજરાત સરકાર આ વર્તનમાં સુધારો નહીં કરે તો ગુજરાતભરના સોનીઓ ઇલેક્શનનો બહિષ્કાર કરશે.’