ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૩૭ હજારથી વધારેનું સુસાઇડ

17 October, 2012 02:53 AM IST  | 

ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૩૭ હજારથી વધારેનું સુસાઇડ



ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૩૭,૨૪૮ વ્યક્તિઓએ આપઘાત કર્યા છે, જેમાં ૭૦૬૨ ખેડૂતોએ અને ૨૧થી ૩૦ વર્ષના ૧૩ હજારથી વધુ યુવાનોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના રાજમાં આપઘાતનું પ્રમાણ ચિંતાજનક બન્યું હોવાનું તારણ ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ લખેલા પુસ્તક ‘ઓલવાયેલા જીવનદીપ’માં રજૂ કરવામાં આવ્યું છે.

મોઢવાડિયાએ આરટીઆઇ હેઠળ ગુજરાતના શહેર-જિલ્લાના પોલીસતંત્ર પાસેથી માહિતી એકત્ર કરીને એનું વિશ્લેષણ કરીને ‘ઓલવાયેલા જીવનદીપ’ પુસ્તક લખ્યું છે, જેનું ગઈ કાલે અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આપઘાતનાં મુખ્ય કારણોમાં તેમણે બીમારી, ઘરકંકાસ, આર્થિક સંકડામણ, ચેતવણી અથવા ઠપકો, પ્રેમપ્રકરણમાં નાસીપાસ, હતાશા, ખેતીપાકની નિષ્ફળતા ગણાવ્યાં છે. મોઢવાડિયાએ આક્ષેપ કરતાં કહ્યું કે બીજેપી શાસનમાં સામાન્ય વ્યક્તિઓ અને નાના સમૂહોના પ્રશ્નો સાંભળવાની વહીવટી તંત્રની ઉપેક્ષા અને ભારે આર્થિક દબાણ હેઠળ છેલ્લાં દસ વર્ષમાં આપઘાતનું પ્રમાણ ગંભીર અને ચિંતાજનક રીતે વધી ગયું છે. ગુજરાતમાં રોજ દસ વ્યક્તિ આત્મહત્યા કરી જીવન ટૂંકાવે છે. રાજ્યમાં ૭૦૬૨ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

આરટીઆઇ = રાઇટ ટુ ઇન્ફર્મેશન