આણંદમાં તારાપુર હાઈવે પર ગંભીર રોડ અક્સ્માત, 10 લોકોના મોત

16 June, 2021 10:41 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આણંદમાં તારાપુર હાઈવે પર વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે.

પ્રતિકાત્મક ફોટો

આણંદમાં તારાપુર હાઈવે પર વહેલી સવારે  કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. ઈકો કારમાં સવાર લોકો સુરતથી ભાવનગર જઈ રહ્યાં હતાં. 

અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર અને કંડકટર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.  ઘટના અંગે પોલીસને તુરંત જાણ કરવામાં આવી હતી. સુરતથી ભાવનગર જઈ રહેલા પરિવારને કાળ નડ્યો હતો, જેમાં એક નાની બાળકી સહિત 10 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો.    

 છેલ્લા કેટલાક સમયથી કોરોના કાળમાં અવર-જવર પર પ્રતિબંધ હોવાને કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હતો. જોકે રાજ્યમાં મોટા ભાગે અકસ્માતની ઘટનાઓ બનતી જ રહેતી હોય છે.  ત્યારે આજે ફરીવાર વહેલી સવારે તારાપુર હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. 

આ દુર્ઘટનાને લઈ મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગોઝારા રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.  આ સાથે જ તેમણે અકસ્માતનો ભોગ બનેલા લોકોને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેકટરને સૂચનાઓ આપી છે.  તેમજ મૃતકોના પરિવારને રાજ્ય સરકાર દ્વારા પણ સહાય કરવામાં આવશે તેવું મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું. 

gujarati mid-day gujarat news accident