રાજકોટઃ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરી આપતા ડૉક્ટરની ધરપકડ

03 April, 2019 08:50 PM IST  |  રાજકોટ

રાજકોટઃ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરી આપતા ડૉક્ટરની ધરપકડ

હોમિયોપેથિક ડૉક્ટર કરતા હતા ગર્ભ પરીક્ષણ

સરકારના પ્રતિબંધ છતા પણ અવારનવાર ગર્ભનું લિંગ પરીક્ષણ કરવાના કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો. રાજકોટના હીના પટેલ નામના ડૉક્ટરની પોલીસે બાતમીના આધારે રેડ પાડી ધરપકડ કરી. ત્યારે સામે આવ્યું કે તેઓ ગાયનેક ન હોવા છતા આ રીતે પ્રેક્ટિસ કરતા હતા.

રાજકોટ પોલીસના જણાવ્યા અનુસાર, તેમના બાતમી મળી હતી કે, રાજકોટનાં કોઠારિયા રોડ પર હુડકો ક્વાટર્સમાં રહેતા હીના પટેલ ગાયનેક ન હોવા છતા ગર્ભ પરીક્ષણ કરે છે. જે બાદ રાજકોટ પોલીસે મનપાના આરોગ્ય વિભાગના સ્ટાફને સાથે રાખીને છટકું ગોઠવ્યું અને એક મહિલાને ગ્રાહક તરીકે ડૉક્ટર પાસે મોકલ્યા.

જ્યારે તેઓ ડૉક્ટર હીના પટેલ પાસે ગયા ત્યારે હીના પટેલે તેમને ગર્ભ પરીક્ષણ કરવાની અને જો ગર્ભમાં રહેલું બાળક દીકરી હોય તો ગર્ભપાત કરવાની તૈયારી પણ બતાવી. આ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે તેમના ક્લિનિક પર દરોડા પાડ્યા. તેમની પાસે રહેલા વાયરલેસ સોનાગ્રાફી મશીન, એપલનું આઈપેડ અને જેલ કબજે કર્યું.

આ પણ વાંચોઃ સુરત: આઈપીએસની પત્નીના બેન્ક અકાઉન્ટમાંથી 1.37 લાખ રૂપિયા ગાયબ

પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ડૉક્ટર હીના પટેલ પાસે BHMS(હોમિયોપેથી)ની ડીગ્રી છે. અને હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તેમણે આ રીતે કેટલા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કર્યા છે.