ભારે મતદાનથી ત્રણેય પાર્ટી અવઢવમાં, બધાના દાવાઓ હજી પણ અકબંધ

14 December, 2012 06:09 AM IST  | 

ભારે મતદાનથી ત્રણેય પાર્ટી અવઢવમાં, બધાના દાવાઓ હજી પણ અકબંધ

કોઈ કળી શક્યું નથી કે ૬૮ ટકા જેટલું ભારે માત્રાનું મતદાન કયાં કારણોસર થયું છે. જોકે ભારે માત્રાના મતદાનથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જે કોઈ પાર્ટીની સરકાર આવશે એ ક્લીન મૅજોરિટી સાથે આવશે. જીપીપીના ચૅરમૅન કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘મોદીના પોકળ દાવાઓથી કંટાળીને લોકોએ સ્વયંભૂ રીતે બહાર આવીને મતદાન કર્યું છે. વીસમી તારીખે મશીન ખૂલશે એટલે બધો ભેદ ખૂલી જશે અને મોદીએ ગુજરાત છોડીને દિલ્હી જવાની તૈયારી કરી લેવી પડશે.’

સામા પક્ષે બીજેપીના રાષ્ટ્રીય વાઇસ પ્રેસિડન્ટ પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે ‘મોદીનો મૅજિક ચાલ્યો છે એનો આ મોટો પુરાવો છે. નરેન્દ્ર મોદીને સત્તા ફરીથી સોંપવા માટે આ વખતે યંગસ્ટર્સ પણ બહાર નીકળ્યાં છે.’

કૉન્ગ્રેસ ગુજરાતમાં પોતાની સત્તા આવી રહી છે એ માટે દાવો કરે છે. કૉન્ગ્રેસના શંકરસિંહ વાઘેલાએ ગઈ કાલે ભુજથી ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફેવિકૉલની જેમ ગુજરાતની ગાદીને ચોંટી ગયો છે તે માણસને કાઢવા માટે હવે લોકો સામે ચાલીને ઘરની બહાર નીકળ્યાં છે. લોકોની લાંબી કતાર એ ખરેખર તો ગુજરાતમાં બીજેપીના પગ નીચે આવી રહેલો રેલો છે.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી, જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી