ગુજરાતમાં વિકાસ શબ્દનું માત્ર માર્કેટિંગ થયું છે : રાહુલ ગાંધી

12 December, 2012 03:25 AM IST  | 

ગુજરાતમાં વિકાસ શબ્દનું માત્ર માર્કેટિંગ થયું છે : રાહુલ ગાંધી



ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં છેલ્લે સુધી રાહુલ ગાંધીને દૂર રાખ્યા પછી રાહુલ ગાંધીને કૉન્ગ્રેસ પ્રથમ તબક્કાનું પ્રચારકાર્ય પૂરું થાય એની ગણતરીની કલાકો પહેલાં ગુજરાતના જામનગર, અમરેલી અને સાણંદ શહેરમાં જાહેર સભા માટે મોકલ્યા હતા. કૉન્ગ્રેસનાં ચૅરપર્સન સોનિયા ગાંધી કરતાં બિલકુલ વિપરીત અને આક્રમક થઈને ગુજરાત સરકાર પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ જામનગરમાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં કોઈ વિકાસ થયો નથી, ખાલી વિકાસ શબ્દનું માર્કેટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત નંબર વન છે એવો દાવો કરવામાં આવે છે, પણ હકીકત કંઈક જુદી છે. જે રાજ્યના મહત્વનાં ગામોને ત્રણ-ત્રણ દિવસ સુધી પાણી ન મળતું હોય, જે રાજ્યના ખેડૂતો પાણીના વાંકે આત્મહત્યા કરતા હોય, જે રાજ્યમાં ભ્રષ્ટાચાર રોકવા માટે લોકાયુક્તની નિમણૂક કરવામાં ન આવતી હોય એ રાજ્યને કઈ રીતે નંબર વન સ્ટેટ કહી શકાય.’

પરદાદાઓને યાદ કર્યા

ગઈ કાલે ગુજરાતમાં કરવામાં આવેલી ત્રણ જાહેર સભામાં રાહુલ ગાંધીએ પોતાના દાદા મોતીલાલ નેહરુ, મહાત્મા ગાંધી, રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીને યાદ કયાર઼્ હતાં. દરેક સભામાં આ મહાનુભાવોને યાદ કર્યા હોવા છતાં રાહુલે દરેક સભામાં તેમના જુદા-જુદા કિસ્સા વર્ણવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે ‘આજે અમે જ્યારે મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ અને જ્યાં-જ્યાં કૉન્ગ્રેસની સરકાર છે ત્યાં-ત્યાં ગાંધીજીના સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે એવો આગ્રહ રાખીએ છીએ ત્યારે ગુજરાતમાં એક જ વ્યક્તિ દ્વારા શાસાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ગરીબનું સાંભળનારું કોઈ નથી, દલિતના પ્રશ્નો સાંભળનારું કોઈ નથી, મહિલાઓ પર ઘરેલુ અત્યાચારો વધ્યા છે અને મહિલાઓ સાથે હિંસા કરવામાં આવે છે. એક સ્વસ્થ રાજનેતાના રાજમાં આવું ન બને એ મારે કહેવાની જરૂર નથી.’

મોબાઇલ રાજીવ ગાંધીની દેન

રાજીવ ગાંધીએ કરેલી ટેલિકૉમ્યુનિકેશન ફીલ્ડની ક્રાન્તિ યાદ કરાવીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ગુજરાતના યુવાનોના હાથમાં જે મોબાઇલ છે એ મોબાઇલ રાજીવ ગાંધીની મહેનત અને તેમણે કરેલા વિકાસનું પરિણામ છે. કૉન્ગ્રેસે એક આખો યુગ ચેન્જ થઈ જાય એ સ્તરની ક્રાન્તિ લાવ્યા પછી પણ વિકાસની વાતોનું માર્કેટિંગ કરવામાં નથી માનતી. આ સિદ્ધાંતો અમને ગાંધીજીની કાર્યપદ્ધતિમાંથી શીખવા મળ્યાં છે.’

મહાત્મા ગાંધીને પોતાના આદર્શ અને ગુરુ ગણાવતાં રાહુલ ગાંધીએ પોતાના પપ્પા રાજીવ ગાંધી પાસેથી સાંભળવા મળેલો એક પ્રસંગ પોતાની કચ્છની જાહેર સભા દરમ્યાન વર્ણવ્યો હતો અને કહ્યું હતું કે ‘આઝાદીની લડાઈ સમયે એક વખત જવાહરલાલ નેહરુ જેલમાં ગયા ત્યારે મોતીલાલ નેહરુ અને ગાંધીજી રાત્રે સૂતા હતા. મોડી રાત્રે મોતીલાલ નેહરુ જાગી ગયા ત્યારે તેમણે ગાંધીજીની પથારી ખાલી જોઈ એટલે તે પલંગ પરથી ઊઠuા અને બાપુને જોવા માટે ગયા. એ સમયે બાપુ જમીન પર નીચે, કશું પાથર્યા વિના સૂતા હતા. મોતીલાલ નેહરુએ કારણ પૂછયું ત્યારે બાપુએ જવાબ આપ્યો કે નેહરુ જેલમાં આવી અગવડ વચ્ચે સૂતા હોય તો મારાથી થોડું પલંગ પર સુવાય. બાપુના આ સિદ્ધાંતને કૉન્ગ્રેસ ક્યારેય ભૂલી ન શકે.’

રાહુલને મોદીનો જવાબ


નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એક જ દિવસમાં નવ જાહેર સભા સંબોધી હતી, પણ આ નવમાંથી છેલ્લી ચાર જાહેર સભામાં તેમણે રાહુલ ગાંધીની જાહેર સભાઓના જવાબ આપ્યા હતા. રાહુલ ગાંધીએ મોબાઇલ ફોનની ક્રાન્તિની વાત કહી હતી. જેના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે મોબાઇલ ફોન ભલે આપ્યા પણ આ મોબાઇલનાં બિલ ભરવા માટે રોજગારી જોઈએ.’

ગાંધીજીને પોતાના આદર્શ ગણાવનારા અને કૉન્ગ્રેસ ગાંધી ચીંધ્યા રાહે ચાલે છે એવું કહેનારા રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીએ સવાલ કર્યો હતો કે ‘જો ગાંધીજીના સિદ્ધાંતો પર ચાલતા હો તો શું કામ બાપુની અંતિમ ઇચ્છા પૂરી કરવામાં નથી આવી. બાપુની ઇચ્છા હતી કે આઝાદી પછી કૉન્ગ્રેસ પાર્ટીને વિખેરી નાખવી, જેથી સત્તાની કોઈ લડાઈ થાય નહીં. ગાંધીજીના સિદ્ધાંતોની વાતો કરનારાઓએ આ પાર્ટી હજી સુધી કેમ ચાલુ રહેવા દીધી છે.’

મોતીલાલ નેહરુ અને ગાંધીજીના કિસ્સાને ટાંકનારા રાહુલ ગાંધીને આ પ્રસંગનો પણ જવાબ નરેન્દ્ર મોદીએ આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે ‘જરા વિચાર કરો કે જ્યારે દીકરો જેલમાં હતો ત્યારે મોતીલાલ નેહરુ રૂવાળા ગાદલામાં રજાઈ ઓઢીને સૂતા હતા. બાપુના વિચારો કોઈના દુખેદુખી થવાના હતા જ, પણ નેહરુની વિચારધારા કેવી હતી એ આજે ખબર પડી ગઈ.’

કાલે ફર્સ્ટ ફેઝ માટે વોટિંગ

કુલ સીટો

૮૭

સૌરાષ્ટ્રની સીટો

૪૮

મધ્ય ગુજરાતની સીટો



દક્ષિણ ગુજરાતની સીટો

૩૫

કુલ ઉમેદવારો

૮૪૬

પુરુષ ઉમેદવારો

૮૦૦

મહિલા ઉમેદવારો

૪૬

કરોડપતિ ઉમેદવારો

૧૨૪

અબજપતિ ઉમેદવાર



ગુજરાતમાં કુલ મતદારો

૩,૮૦,૭૭,૪૫૪

પુરુષ મતદારો

૧,૯૯,૩૩,૫૪૩

મહિલા મતદારો

૧,૮૧,૪૩,૭૧૪

વ્યંડળ મતદારો

૧૯૭

ઈવીએમની સંખ્યા

૧૯,૭૫૮

કુલ મતદાનમથક

૨૧,૨૬૧

બીજેપીના ઉમેદવારો

૮૭

કૉન્ગ્રેસના ઉમેદવારો

૮૪

જીપીપીના ઉમેદવારો

૮૩

બીએસપીના ઉમેદવારો

૭૯

સમાજવાદી પાર્ટીના ઉમેદવારો

૧૩

સૌથી મોટી બેઠક

સુરત જિલ્લાની કામરેજ

(૩,૦૪,૬૨૧ મતદારો)

સૌથી નાની બેઠક

જૂનાગઢ જિલ્લાની માણાવદર

(૧,૦૦૩,૯૧૭ મતદારો)

સૌથી વધુ ઉમેદવારો

સુરત જિલ્લાની લિંબાયત બેઠક

(૨૦ ઉમેદવારો)

સૌથી ઓછા ઉમેદવારો

ગણદેવી અને ધરમપુર

(બન્ને બેઠક પર ૪ ઉમેદવાર)

ઇવીએમ = ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન

કેટલા જિલ્લાઓમાં વોટિંગ?

૧૫-અમદાવાદ (ચાર તાલુકા), સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી