ઉત્તરાયણઃમુસ્લિમ કારીગરો દ્વારા બનાવેલા પતંગથી ઉજવાય છે હિન્દુ તહેવાર

12 January, 2019 08:28 AM IST  |  અમદાવાદ | Dhruva Jetly

ઉત્તરાયણઃમુસ્લિમ કારીગરો દ્વારા બનાવેલા પતંગથી ઉજવાય છે હિન્દુ તહેવાર

પતંગની દુકાનમાં બેઠેલા ઈર્શાદ ખાન


હિંદુ શાસ્ત્રો પ્રમાણે 14 જાન્યુઆરીના રોજ સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. દિવસ લાંબો ને રાત ટૂંકી થતી જાય છે. કમૂરતા પણ ત્યારે ઉતરે છે અને શુભ પ્રસંગો માટેનો સમય શરૂ થાય છે, જે માનમાં આપણે ઉત્તરાયણનો તહેવાર ઊજવીએ છીએ. તેની ઉજવણી આપણે પતંગો ચગાવીને કરીએ છીએ. ગુજરાતભરમાં 14 જાન્યુઆરીના રોજ ચગતાં આ અસંખ્ય પતંગો મુસ્લિમ સમાજની દેન છે. આજે કેટલીય પેઢીઓથી અનેક મુસ્લિમ પરિવારો પતંગ બનાવવાનો અને વેચવાનો બિઝનેસ કરે છે. આ વિશે ગુજરાતી મિડ-ડેએ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં 3 પેઢીથી પતંગ બનાવવાનો ધંધો કરતા પઠાણ ઇર્શાદખાન મુનવ્વરખાન સાથે વાતચીત કરી હતી.

ઇર્શાદખાને જણાવ્યું કે તેમનો પરિવાર 3 પેઢીથી પતંગો બનાવીને વેચવાનો બિઝનેસ કરે છે. ખાન ટ્રેડર્સના નામે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં તેમની પતંગની દુકાન છે. આ બિઝનેસ તેમના પિતા મુનવ્વરખાન બિસ્મિલ્લાખાનના નામ પર ચાલે છે. તેમના પરદાદાના સમયથી આખો પરિવાર આ જ બિઝનેસમાં છે. આખું વર્ષ, ઓફ સીઝનમાં પણ તેઓ પતંગો જ બનાવે છે ને પછી તેનો સ્ટોક તેઓ રાખતા હોય છે. દિવાળીમાં ફટાકડાના વેચાણનું કામ પતે તે પછી પતંગોના રિટેલિંગનું કામ શરૂ થાય છે. તે પછી જે છૂટક પતંગો વેચતા હોય એ લોકો પણ તેમની પાસેથી આવીને પતંગનો માલ લઈ જાય છે.

પતંગના બિઝનેસમાં વાર્ષિક કમાણી કેટલી થઈ જાય તે અંગે જવાબ આપતા ઇર્શાદખાન કહે છે કે ઓફ સીઝનમાં આમ તો કોઈ કમાણી થતી નથી અને તે ઉપરાંત પણ એટલી બધી કમાણી તો ન થાય પણ આશરે આંકડો માંડીએ તો પંદરથી વીસ હજાર જેટલી મહિનાની આવક કહી શકાય. બાકી આમ જુઓ તો આઠ મહિના જેવા તો અમારે સાવ ખાલી જ જતા હોય છે. પરંતુ, સીઝન દરમિયાન અને સૌથી વધારે ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીમાં અમે રળી લેતા હોઈએ છીએ. એટલે આમ જુઓ તો 4 મહિના દરમિયાનની જે કમાણી હોય તેના પર અમારે આખું વર્ષ કાઢવાનું હોય છે.

આખો પરિવાર ઓફ સીઝનમાં પતંગો બનાવવાનું કામ કરે અને છેલ્લે તેને વેચવાનું કામ કરે છે. ઘરની મહિલાઓ પણ આ બિઝનેસમાં જોડાયેલી છે. ઇર્શાદખાન જણાવે છે કે પતંગ બનાવવા માટે કાગળો, લાકડાની સળીઓ, લઈ, સોલ્યુશન, સેલોટેપ વગેરે મટિરિયલનો ઉપયોગ થાય છે. અમારા હાથ નીચે ઘણા કારીગરો કામ કરે છે, જેમાં મોટાભાગની ગૃહિણીઓ જોડાયેલી છે. આ ગૃહિણીઓ પોતાના ઘરે જ પતંગો બનાવવાનું કામ કરે છે અને તૈયાર થાય એટલે અમને આપી જાય. ત્યારબાદ તેના પર ફિનિશિંગનું કામ થાય. દરેક કામ માટેના કારીગરો અલગ હોય છે. જેમકે, વચ્ચેની સળી લગાવનારા કારીગરો અલગ હોય છે, રાઉન્ડ કમાન લગાવનારા કારીગરો જુદા હોય છે. આજુબાજુની સેલોટેપ લગાવવી અને સિલ્વરનું ટોપકામ એ પણ અલગ કારીગરો કરે છે. એક પતંગ 4-5 કારીગરો વચ્ચે ફરે છે, ત્યારે ફાઈનલ પ્રોડક્ટ તૈયાર થાય છે. દરેક કારીગરની પોતાની એક લાયકાત હોય છે. આ પતંગો માટેનું રૉ મટિરિયલ ગુજરાતથી જ ખરીદવામાં આવે છે.

આ પણ વાંચોઃ માણેકચોક: અમદાવાદનું નાસ્તાનું નેટવર્ક, જાણો અજાણી વાતો

આ એ જ અમદાવાદ છે જ્યાં એક સમયે હિંદુ અને મુસલમાનો વચ્ચે કોમી રમખાણો થયા હતા. એ જ અમદાવાદમાં વર્ષોથી આવા ઘણાય મુસ્લિમ પરિવારો પતંગ બનાવવાનો બિઝનેસ કરે છે અને અમદાવાદીઓ હોંશભેર એ પતંગો ઉડાડીને ઉત્તરાયણમાં મોજ કરે છે.

 

gujarat news