તો બોલો બચ્ચાલોગ, ક્યા બનોગે? પાવરવાલા યા પૈસાવાલા?

31 March, 2024 10:53 AM IST  |  Mumbai | Ruchita Shah

દેશની સૌથી અઘરી અને સૌથી મહત્ત્વની ગણાતી UPSCની પરીક્ષા માટે લાખો વિદ્યાર્થીઓ પોતાનો ટાઇમ ‘વેસ્ટ’ કરી રહ્યા છે એવી મોદીજીના ઇકૉનૉમિક કાઉન્સિલના ઍડ્વાઇઝર સંજીવ સાન્યાલની કમેન્ટથી વિવાદ શરૂ થયો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જો તમે ‘12th ફેલ’ ફિલ્મ જોઈ હશે તો આજે જે વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ એની પાછળની ગંભીરતા અને એની જરૂરિયાત બન્ને સમજાઈ જશે. ગયા અઠવાડિયે ભારત સરકારની ઇકૉનૉમિક ઍડ્વાઇઝરી કાઉન્સિલના મેમ્બર અને અગ્રણી અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલે એક પૉડકાસ્ટ દરમ્યાન કહ્યું કે ‘આપણા દેશના યંગસ્ટર્સની મહત્ત્વાકાંક્ષાઓ દયનીય અવસ્થામાં હોય એવું લાગે છે. એટલે જ તો જુઓને લાખો વિદ્યાર્થીઓ પોતાના જીવનનાં કીમતી વર્ષો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા પાસ કરવામાં ‘વેડફી’ નાખે છે. કોઈ મિનિસ્ટ્રીના સેક્રેટરી બનવાનું સપનું જોવાને બદલે ઇલૉન મસ્ક કે મુકેશ અંબાણી બનવાનું સપનું વિદ્યાર્થીઓ જોતા થઈ જાય તો દેશમાં અબજોપતિઓની સંખ્યા વધી જશે અથવા એટલો જ સમય જો તેઓ કોઈ સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે લગાવી દે તો દેશને વધુ ગોલ્ડ મેડલ મળી શકે.’

ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના ઑફિસર મનોજ કુમાર શર્માની રિયલ સ્ટોરી પર આધારિત ફિલ્મ ‘12th ફેલ’ને જો આંખ સામે લાવો તો તમને આ વાત સાવ કાઢી નાખવા જેવી પણ નહીં લાગે. આંકડાઓ પણ આ વાતની સાક્ષી પૂરે છે, જેમ કે ૨૦૨૩માં લગભગ ૧૩ લાખ વિદ્યાર્થીઓએ UPSCની એક્ઝામ આપી હતી જેમાંથી માત્ર ૧૨૫૫ વિદ્યાર્થીઓ જ પાસ થાય એવી સંભાવનાઓ છે.‍‍‍‍‍ દર વર્ષે ઍવરેજ ૧૦ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ UPSCની પરીક્ષા માટે બેસતા હોય છે, જેમાંથી માત્ર ૦.૦૨ ટકા વિદ્યાર્થીઓ જ પાસ થાય છે.

જો તમે સરકારી નોકરીમાં કોઈ ગુલાબી સપનાં જોઈને જોડાવા માગતા હો તો અટકી જજો. UPSC કરવા પાછળનું નક્કર કારણ શું છે એ સમજણ મહત્ત્વની છે કારણ કે પડકારો પાસ થયા પછીયે આવતા રહેવાના. - સ્મિત પરમાર, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ

હવે મુદ્દો એ છે કે આટલી ટફ કૉમ્પિટિશન વચ્ચે પણ એવું શું છે જે વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં ફેલ થયા પછીયે વારંવાર પ્રયાસ કરવા અને ટકી રહેવા માટે પ્રેરે છે? એ જાણવા માટે અમે ત્રીજા, ચોથા અટેમ્પ્ટની નિષ્ફળતા બાદ પણ અત્યારે UPSCની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી તો સાથે જ પોતાના ક્ષેત્રમાં સફળ બિઝનેસમૅન બનીને કરોડોનું અમ્પાયર ઊભું કરનારા વેપારીઓનો પણ આ વિશે અભિપ્રાય પૂછી જોયો. બીજી બાજુ UPSC પાસ કરીને એમાં ઠરીઠામ થઈને પોતાની ફરજ અદા કરી રહેલા લોકો સાથે પણ આ મુદ્દે વાત કરી. એક તરફ પૈસાનું જોર છે જે વેપારીઓ પાસે છે, તો બીજી બાજુ પાવરનું જોર છે
જે ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)ના અધિકારીઓને તેમની આવડતના પરિણામરૂપે મળે છે. શું મહત્ત્વનું છે, પૈસો કે પાવર? કઈ રીતે આ આખી પરિસ્થિતિને જોવામાં આવી રહી છે અને એને મૂલવવાની સાચી રીત શું હોવી જોઈએ જેવા તમામ સવાલના જવાબ આજે મેળવીએ.

વાય નૉટ?
૨૦૧૨માં UPSCની એક્ઝામ આપનારો અને પહેલા જ અટેમ્પ્ટમાં આ એક્ઝામિનેશન પાસ કરનાર બોરીવલીનો સ્મિત પરમાર અત્યારે ઓડિશામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) પાસઆઉટ અને એક સ્ટાર્ટઅપ કંપનીમાં સારામાં સારા પગાર સાથે કામ કરતા આ યુવાનને કંઈક પડકારજનક કરવું હતું અને એમાં જ તેણે UPSCની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. એ સમયગાળાની વાત કરતાં સ્મિત કહે છે, ‘સાચું કહું તો મારી કરીઅર સેટ હતી અને બૅન્ગલોરની એક કંપનીમાં મારી જૉબ પણ લાગી ગઈ હતી. જોકે મારે UPSC કરવું જ હતું, પણ એને માટે મેં મારા મનમાં એક ટાઇમલાઇન સેટ કરી હતી. એનો પાસિંગ રેશિયો મને ખબર હતો અને મારી ફૅમિલીની મારા પર જવાબદારીઓ પણ હતી. એની વચ્ચે હું બે અટેમ્પ્ટ સુધી ટ્રાય કરીશ, એમાં જો પાસ ન થાઉં તો એન્જિનિયર તરીકે ફરી સક્રિય થઈ જઈશ એવું મેં વિચારેલું. મારાં નસીબ સારાં અને મહેનત પણ રંગ લાવી કે પહેલા જ અટેમ્પ્ટમાં એક્ઝામ ક્લિયર કરી શક્યો. કૉર્પોરેટ કલ્ચર અને સરકારી તંત્રમાં આ કૅડરમાં કામ કરવાના બન્ને અનુભવોના આધારે કહું છું કે UPSC માટે આ જે સ્પર્ધા છે અને એને માટે જે મહેનત કરવી પડતી હોય છે એ તમે પાસ થઈ જાઓ પછી ખરેખર વર્થ લાગશે. હું ૨૦૧૦-’૧૧માં જેટલું કમાતો હતો એના કરતાં મારી આવક કંઈકગણી ઓછી છે અને એ પછીયે કહીશ કે વર્ક-સૅટિસ્ફૅક્શન જુદા સ્તરનું છે. સ્ટ્રેસનું પૂછો તો અકલ્પનીય લેવલનું છે. રજા નથી મળતી અને એ પછીયે કહીશ કે મારા કામને હું ખૂબ એન્જૉય કરું છું. UPSC ખરાખરીનો ખેલ લાગે તો પણ એ ખેલ રમવો વર્થ છે; કારણ કે તમે ખૂબ કામ કરી શકો, તમે મજબૂત બદલાવ લાવવામાં ઇન્સ્ટ્રુમેન્ટલ ભૂમિકા ભજવી શકો. એક કંપનીમાં હું મોટી પોઝિશન પર હોત તો કદાચ ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ માણસ સાથે કામ કરતો હોત અને ગ્રોથ માટે લક્ષ્ય હોત તમારી કંપની. જ્યારે અત્યારે મારું ફોકસ હોય છે મારા ડિસ્ટ્રિક્ટ પર.’

ક્રિશા ઝોટા, UPSC સ્ટુડન્ટ

આ ભૂલ ન ચાલે
સરકારી નોકરી એટલે શાંતિની જિંદગી એવું વિચારીને તમે જો UPSCની તૈયારી કરતા હો તો એવું જરાય નથી એવી સ્પષ્ટતા કરતાં સ્મિત પરમાર કહે છે, ‘આજના સમયમાં બધું જ ડિજિટલ થઈ રહ્યું છે અને એને કારણે ખૂબ પારદર્શિતા સાથે કામ કરવું અનિવાર્ય છે. આજે સરકારી અધિકારીઓની અકાઉન્ટેબિલિટી વધી છે અને એ અકાઉન્ટેબિલિટી સાથે જવાબ આપવા પડે. અહીં દરરોજ કટોકટી જેવી જ સ્થિતિ હોય છે. કૉર્પોરેટમાં તમે ૧૫ દિવસની રજા લીધી હોય તો આરામથી ૧૫ દિવસ માણી શકો. અહીં તો તમારી રજાઓ છેલ્લી ઘડીએ કૅન્સલ પણ થઈ શકે અને અધવચ્ચે તમારે રજા પડતી મૂકીને પાછું ડ્યુટી પર આવવું પડે. પ્લસ તમારી બદલી મુજબ તમારે સતત નવા એન્વાયર્નમેન્ટ માટે અને નવા વર્ક-પ્રોફાઇલ માટે સજ્જ રહેવાનું હોય છે. મને યાદ છે કે આ વખતે ફેબ્રુઆરીમાં જ મારી બહેનનાં લગ્ન હતાં. મેં રજા મૂકેલી, પણ એક જ દિવસમાં લગ્ન પતાવીને મારે પાછા ઓડિશા આવવું પડ્યું, કારણ કે ઇલેક્શન જાહેર થયાં. મારી દોઢ વર્ષની દીકરી છે અને મારી વાઇફ પણ UPSC પાસ થયેલી છે અને રેલવેમાં જૉબ કરે છે. લાંબા સમય સુધી અમે લગ્ન પછી પણ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનમાં રહ્યાં છીએ. પડકારો તો છે જ અહીં. તમે સરકારી નોકરીમાં કોઈ ગુલાબી સપનાં જોઈને જોડાવા માગતા હો તો અટકી જજો. પ્લસ તમારો ફૅમિલી સપોર્ટ, તમારા પરની જવાબદારી અને તમારી અંદર UPSC કરવા પાછળનું નક્કર કારણ શું છે એ સમજણ પણ મહત્ત્વની છે. એ ક્લૅરિટી પછી જ તમે UPSCની તૈયારીમાં સમય ખર્ચો તો વધુ બુદ્ધિપૂર્વક લીધેલો નિર્ણય ગણાશે. કરવા ખાતર ચાલો UPSC પણ કરી જ લઈએ એવા અપ્રોચ સાથે કમસે કમ આ એક્ઝામ માટે તો આગળ ન જ આવવું જોઈએ એવું હું માનું છું. પ્લસ તમારી પાસે કમ્પલ્સરી પ્લાન ‘બી’ હોવો જ જોઈએ. ધારો કે ખૂબ પ્રામાણિક મહેનત કરી અને બધી જ રીતે તમે નિષ્ઠા સાથે તૈયારીઓ કરી, પણ પછીયે પરિણામ તમારા પક્ષમાં ન આવ્યું હોય તો તમારી ગાડી અટકવી ન જોઈએ.’

વર્ષો વેડફવા યોગ્ય?
વર્ષે ૧૦ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસે છે એ આંકડો નાનો તો ન જ ગણાય. નિષ્ફળતા પછી પણ આ પરીક્ષા ન છોડવાનું શું કારણ હશે? એનો જવાબ મુંબઈમાં રહેતી અને આ વર્ષે UPSCની પાંચમી વાર પરીક્ષા આપનારી ઉષ્મા સરૈયા પાસેથી મળી જશે. માસ્ટર્સ કર્યા પછી બૅચલર ઑફ એજ્યુકેશન (BEd)ની એક્ઝામ આપનારી અને અત્યારે સ્કૂલમાં ટીચર તરીકે કામ કરી રહેલી ઉષ્મા કહે છે, ‘અનાયાસ જ આવી કોઈક એક્ઝામિનેશન હોય છે એની તરફ મારું ધ્યાન ગયેલું. દાદરમાં રહું છું અને શિવાજી પાર્ક પાસે આના ક્લાસનાં હોર્ડિંગ્સ જોયેલાં. જેમ-જેમ રિસર્ચ કર્યું એમ રસ વધતો ગયો. બુક્સ લાવીને સેલ્ફ-સ્ટડી શરૂ કરી અને મનોમન નક્કી કર્યું કે આ એક્ઝામ મારે આપવી જ છે. ૨૦૧૫થી તૈયારીઓ શરૂ કરી અને ૨૦૧૭માં પહેલી વાર UPSCની એક્ઝામ આપી. પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ એમ ત્રણ સ્ટેજની આ એક્ઝામમાં એક વાર પ્રિલિમ્સ અને મેઇન બન્ને ક્લિયર કર્યાં હતાં, પરંતુ ઇન્ટરવ્યુમાં ફેલ થઈ. એક વાર માત્ર પ્રિલિમ્સ ક્રૅક કરી, પણ મેઇનમાં ફેલ થઈ. ત્રીજી વાર કંઈ જ ક્લિયર ન થયું. આવા લગભગ ચાર અટેમ્પ્ટ થયા. દરેક વખતે કંઈક શીખી અને વધુ બહેતર બની છું. એ દરમ્યાન મારાં લગ્ન થયાં અને લગ્ન પછી મારા હસબન્ડનો પણ પૂરો સપોર્ટ મળ્યો. ગયા વર્ષે પાંચમા અટેમ્પ્ટમાં ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગઈ છું. ઇન્ટરવ્યુનું રિઝલ્ટ હવે જૂનમાં આવશે. મને ઘણા લોકો એવું કહેનારા મળ્યા કે નથી થતું તો છોડી દેને. જોકે હું મારા પ્રયાસ પડતા નથી મૂકવા માગતી. મારામાં અત્યારે જે કૉન્ફિડન્સ અને હિંમત છે એમાં જેટલો રોલ મારી ફૅમિલીનો, હસબન્ડનો છે એટલો જ ઉપકાર મારી મીઠીબાઈ કૉલેજનાં પ્રોફેસર ખેવના દેસાઈનો છે. સોશ્યોલૉજીમાં મેં માસ્ટર્સ કર્યું છે અને સમાજમાં એક IAS કે IPS કૅડરની વ્યક્તિ જો જેન્યુઇનલી પોતાની ડ્યુટી નિભાવે તો કેવા પૉઝિટિવ બદલાવ લાવી શકે છે એની સમજણ મને છે અને એટલે જ હું એને અધવચ્ચે છોડવા નથી માગતી. આ વખતનું પરિણામ પણ જો મેં ધાર્યું છે એવું નહીં આવે તો છઠ્ઠી વાર પણ હું તૈયારી કરીને પરીક્ષા આપીશ. અત્યારે ઘર-પરિવારની જવાબદારી અને મારા ટીચિંગ પ્રોફેશનની જવાબદારી સાથે ભણું છું. ૧૮થી ૨૦ કલાક કામ કરવાનું ઝનૂન મને મળે છે માત્ર આ એક ધૂનથી કે હું છેક સુધી મારા ટાર્ગેટને અચીવ કરવાની કોશિશ કરીશ.’

કોણે કહ્યું વેડફાટ છે?
કરેલું ક્યારેય ફેલ જતું નથી. મૂળ સુરતની ક્રિશા કમલેશ ઝોટા છેલ્લાં ૬ વર્ષથી UPSCની તૈયારી કરી રહી છે. મહેનત સાથે નસીબ પણ UPSCમાં મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. અત્યાર સુધીમાં ચાર અટેમ્પ્ટ આપી ચૂકેલી ક્રિશાનું ક્લાસ વન ઑફિસર બનવાનું સપનું છે. તે કહે છે, ‘જ્યારે UPSC વિશે ખબર નહોતી ત્યારથી જ મનમાં માસ લેવલ પર બદલાવ લાવવો હોય તો હેલ્થ કે એજ્યુકેશનમાં સારી પૉલિસી બનાવીને બદલાવ લાવી શકાય એટલી સમજણ હતી. ૧૧મા ધોરણમાં હતી ત્યારે મારી સ્કૂલના એક શિક્ષકે મને UPSC વિશે સમજાવીને ‘તું આ કરી શકે’ એવી સમજણ આપી હતી. ત્યારથી તૈયારી ચાલુ કરી દીધી છે. આ ટફ છે અને કૉમ્પિટિશન પણ છે તો મારે પૂછવું છે કે કૉમ્પિટિશન તો બધે જ છે. ટફ કહીને છોડી દઈએ તો પછી દરેક ફીલ્ડ થોડા સમયમાં છોડવાનો જ વારો આવે. મારો ગોલ ક્લિયર છે કે શક્ય હોય એટલા પ્રયાસ કરીને પછી પણ પરિણામ ન મળે તો એને ભગવાનની મરજી માનીને સ્વીકારીને આગળ વધવાનું. તમે ધીરજ રાખો, તમે નિષ્ફળતા વચ્ચે પણ તમારું ભણવાનું સાતત્ય બરકરાર રાખો, ગ્રૂમિંગ UPSCની તૈયારીઓમાં આપોઆપ થઈ જાય છે. એજ્યુકેશન અને હેલ્થ એ મારા ફેવરિટ સબ્જેક્ટ છે અને ક્લાસ વન ઑફિસર બની તો એ જ ફીલ્ડમાં કામ કરવાનું મારું સપનું છે જેને હું હર હાલમાં પૂરું કરીશ.’

મૂર્ખામી નથી તો શું છે?
એક તરફ વિદ્યાર્થીઓ સતત મળતી નિષ્ફળતા વચ્ચે પણ બમણા જોરથી પાછી તૈયારીઓમાં લાગવાની હિંમત રાખે છે તો બીજી બાજુ આ રીતે તૈયારીઓમાં વેડફાતાં વર્ષોને ગેરવાજબી માનતા લોકો પણ છે. બોરીવલીમાં રહેતા દેવેન રઘાણી માર્બલના બિઝનેસમાં એક અગ્રણી નામ ગણાય છે. પાસે કંઈ જ નહોતું એવી સ્થિતિમાં ધંધો શરૂ કરનારા દેવેનભાઈની દૃષ્ટિએ પાંચ-સાત વર્ષ આવી ટફ કમ્પેટિટિવ એક્ઝામમાં હોમી દેવાં એ જરાય બુદ્ધિનું કામ નથી. બહુ સ્પષ્ટતા સાથે તેઓ કહે છે, ‘ઉંમરનો જે તબક્કો કંઈક કરી દેખાડવાનો હોય અને જીવનને સફળતાઓથી સભર કરવાનો હોય એ ઉંમરમાં તમે પરીક્ષા આપવામાં જ સમય વેડફો એના કરતાં તમે એ જ સમયમાં બીજી કોઈ સ્કિલ ડેવલપ કરવામાં કે તમારી કરીઅર આગળ વધારવામાં વિતાવો તો એ લેખે લાગે એવું મને લાગે છે. હું એવા ૫૦ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને ઓળખું છું જેઓ છેલ્લાં ૧૦ વર્ષથી ફાઇનલ પાસ નથી કરી શક્યા. એ પાસ કરવાની હોડમાં તેઓ પોતાનું બીજું પણ કોઈ કામ શરૂ ન કરી શક્યા અને ત્યાં સુધીમાં તો ઉંમર નીકળી ગઈ. એક વાત યાદ રાખજો કે જીવનની પ્રગતિમાં ૨૦થી ૩૦નો દસકો ખૂબ મૂલ્યવાન હોય છે અને એ સમયને જેમાં પરિણામ આવવાના ચાન્સ બહુ ઓછા છે એમાં લગાવી દેવો એને હું બુદ્ધિપૂર્વકનો નિર્ણય નથી ગણતો. અફકોર્સ, તમે સમયમર્યાદા નક્કી કરીને એમાં આગળ વધો અને સાથે કારકિર્દીને બીજી દિશામાં પણ સક્રિય રાખો તો એક વાર હજીયે આ નિર્ણય લો તો ચાલે.’

જોકે આ જ વાત માટે બીજો એક મત પણ છે જે વિદ્યાર્થીઓની મહેનતની તરફેણમાં છે. ફાઇનૅન્સના ફીલ્ડમાંથી પ્લાસ્ટિકની બૉટલ બનાવવાનો બિઝનેસ શરૂ કરનારા અને આજે એમાં એક મોભાનું નામ બની ગયેલા વિજય વોરા કહે છે, ‘એવું કોણે કહ્યું કે આજના સમયમાં બિઝનેસમાં સ્પર્ધા નથી. તમે એક વેપાર શરૂ કરો ત્યારે પણ તમારે દુનિયાભરની મહેનત કરવી પડતી હોય છે અને મુસીબતો પણ સહેવી પડતી હોય છે. એમાં તો સમય સાથે તમારી મૂડી પણ રોકાય છે અને એ પછીયે સફળતાની ગૅરન્ટી નથી. હું તો એમ માનું છું કે તમે પાંચ-છ વર્ષ મહેનત કરીને ૬ પ્રયાસમાં પણ જો આ પરીક્ષા કે બીજી શિક્ષણની કોઈ પણ અઘરી પરીક્ષા પાસ કરી લીધી તો એ પછી તો તમે થોડી નિરાંતની જિંદગી જીવી શકશો. બિઝનેસમૅન એ રીતે ક્યારેય શાંતિથી રહી નથી શકવાનો, કારણ કે પોતાનું જ કામ છે એટલે એમાં આવતા દરેક પડકારનો સામનો તેણે જ કરવાનો છે. અહીં કદાચ પાંચ વર્ષમાં સ્ટ્રગલ કરીને તમને તમારી પાયાની જરૂરિયાત પૂરી થઈ જશે એટલું સરકાર દ્વારા અશ્યૉરન્સ મળી જાય. ઘર, ગાડી અને ફિક્સ આવકની ચિંતા તો નથી કરવાની. વેપાર કરનારે તો દરેક તબક્કે દરેક બાબતની સતત ચિંતા કરતા રહેવાની છે. કોઈ IAS ઑફિસરની સામે જે પડકાર હશે એનાથી અનેકગણા વધારે પડકાર મુકેશ અંબાણી કે ઇલૉન મસ્કે દરરોજ સહેવા પડતા હોય એવું હોવાની સંભાવના ખૂબ વધારે છે.’

ઉષ્મા સરૈયા,  UPSC સ્ટુડન્ટ

પૈસો કે પાવર?
ધારો કે તમે IAS કે IPS બની ગયા તો તમને અમુક હદની સત્તા મળશે અને ઘણી વાર એવું બનતું હોય છે કે સત્તાધારીઓ સામે ભલભલા ધનવાનોએ પણ નાછૂટકે પાણી ભરવું પડતું હોય છે, એવા સમયે પસંદગીનો કળશ કઈ બાબત પર ઢોળાવો જોઈએ એ સવાલનો જવાબ સાયન્સના પ્રોફેસરમાંથી લાઇફ કૅર લૅબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાની કંપની શરૂ કરીને આંતરરાષ્ટ્રીય નામના મેળવનાર નવીન મહેતા આપે છે. સ્ટ્રીટલાઇટના સહારે ભણીને સફળતાની ટોચ પર પહોંચેલા નવીનભાઈ ઉમેરે છે, ‘પાવર હોય કે પૈસો, એ બન્ને સાથે-સાથે ચાલે છે. ક્યારેક પૈસાવાળો લાચાર હોય છે એવું બને તો ક્યારેક પાવર હોવા છતાં કંઈ જ ન કરી શકે એવું પણ બને. આમાં બ્લૅક ઍન્ડ વાઇટ જેવું કંઈ જ નથી. IAS કે IPS બનવાનું અઘરું છે, એમ વેપારી બનવું કે એક સફળ બિઝનેસ રન કરવો પણ અઘરો જ છે. પૈસા સાથે પાવર આવી જાય છે અથવા પાવર સાથે પૈસો આવી જાય છે એવું પણ ઘણી વાર બને. અહીં હું એક જ વાત માનું છું કે તમારું ડેડિકેશન લેવલ ક્યાં વધારે છે એ કામ કરો. હું પ્રોફેસર હતો. એમાંથી જો મેં UPSCની એક્ઝામ આપવાનું વિચાર્યું હોત તો કદાચ એને માટે જે ડેડિકેશન દેખાડવું પડે એ ન દેખાડી શક્યો હોત, પણ બિઝનેસ શરૂ કર્યા પછી એને બેસ્ટ બનાવવા માટે જે ઉજાગરા કરવા પડ્યા કે જે કલાકો સુધી કામ કરવું પડ્યું એ મારાથી થઈ શક્યું, કારણ કે મારું એ ગમતું કામ હતું. દેખાદેખીમાં નહીં, પણ તમારી જરૂરિયાત અને તમારી આવડત સાથે તમારું મન શેમાં વધુ જોડાય છે એ કામ કરો તો સફળતા મળે.’

જો વેપારી બનવું હોય તો...
મુંબઈ આવ્યા ત્યારે રહેવા માટે ઘર નહોતું અને આજે રબર, કેમિકલ અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટ એમ ત્રણ ઇન્ડસ્ટ્રીમાં લીડ કરી રહેલા પંકજ ગઠાણી પણ દૃઢતાપૂર્વક માને છે કે સમાજના તમામ ઘટકો પરસ્પરના સામંજસ્યથી ચાલે છે અને દરેક જગ્યાએ જુદી-જુદી જરૂર પડતી હોય છે. ‘પૈસો કે પાવર’ એ વાત બહુ મહત્ત્વની નથી. જરૂર બન્નેની છે અને દરેક જગ્યાએ તમારાથી ઉપર કોઈક હોવાનું જ, એમ જણાવીને પંકજભાઈ કહે છે, ‘એક પણ રૂપિયો આપ્યા વિના પોતાનું કામ કરાવનારા લોકો પણ છે અને રૂપિયાનો ઢગલો કરી નાખે તો પણ એક પરમિશન ન લાવી શકનારા લોકો પણ છે. બીજી બાજુ, બધી જ સત્તા હોવા છતાં પોતાના ઉપરી અધિકારી અથવા તો નેતાઓના નિર્ણયોને લીધે લાચારી ભોગવતા ઑફિસરો પણ છે. મારી દૃષ્ટિએ ક્યાંક પૈસો જરૂરી છે અને ક્યાંક પાવર. જોકે તમારે વેપારી બનવું કે નહીં એવો પ્રશ્ન તમે મને પૂછો તો એક જ જવાબ છે કે રાઇટ ટાઇમે રાઇટ ડિસિઝન અને રાઇટ ટાઇમે રાઇટ ઍક્શન લેવાના ગટ્સ હોય તેમણે જ વેપારી બનવા વિશે વિચારવાનું. UPSCની પરીક્ષા સરળ છે, પણ જીવનની પરીક્ષા અઘરી છે અને વેપારીએ સતત જીવન દ્વારા લેવાતી, બહારના સંજોગો દ્વારા લેવાતી પરીક્ષાઓ આપવાની છે અને એમાં મહત્ત્વની છે હિંમત, તમારી દૃઢ ઇચ્છાશક્તિ અને તમારી નિર્ણયાત્મકતા. બીજી તો મને ખબર નથી, પણ બિઝનેસમૅન બનવાની દિશામાં વિચારતા હો તો આ ક્વૉલિટી તમારામાં છે કે નહીં એ જાતને પૂછી લેજો.’ 

columnists gujarati mid-day