ડબિંગ આર્ટિસ્ટ:  વોઈસ ઓવર કરી અવાજથી બનો આફ્રિન અને કમાઓ હજારો રૂપિયા 

06 May, 2022 01:59 PM IST  |  Mumbai | Nirali Kalani

ડબિંગ આર્ટિસ્ટને વોઈસ ઓવર આર્ટિસ્ટ પણ કહેવામાં આવે છે. આજના સમયમાં જે રીતે અન્ય ભાષાની ફિલ્મો, એનિમેશન અને કાર્ટૂન હિન્દી કે અન્ય સ્થાનિક ભાષામાં રિલીઝ થઈ રહ્યા છે, તેનાથી વોઈસ ઓવરનો વ્યાપ વધ્યો છે અને ડબિંગ આર્ટિસ્ટની ડિમાન્ડ પણ છે.

ડબિંગ સ્ટુડિયો (તસવીર: સૌ.વિકિપીડિયા)

બાળ અવસ્થામાંથી જેવા યુવા અવસ્થામાં પ્રવેશ કરીએ એટલે તરત મગજમાં એક ઘંટડી વાગે જે જે આપણે કરિયર વિશે જગાડે છે અને અનેક સવાલો મનમાં ઉભા કરે છે, જેવા કે ભવિષ્યમાં શું કરવું, શેમાં કાર્રકિર્દી બનાવવી અને કયા ક્ષેત્રમાં વધારે તકો છે..? જેવા અસંખ્ય પ્રશ્નોના જવાબ આપશે ગુજરાતી મિડ-ડે. જી હા, ગુજરાતી મિડ-ડે તમારા માટે લાવી રહ્યું છે કરિયર માટેના અનેક વિકલ્પો, જેમાં તમને જાણવા મળશે વિવિધ કરિયર વિશે. આ સાથે જ તમને એ પણ જાણવા મળશે વિવિક્ષ ક્ષેત્રોમાં કેવી રીતે કરિયર બનાવી શકાય.  

જો તમારા અવાજમાં છે કંઈક ખાસ, તમને લાગે છે કે તમારો અવાજ અન્ય લોકો કરતા અલગ છે તો તમે ધ્વની એટલે કે અવાજની દુનિયામાં ઉત્તમ કરિયર બનાવી શકો છો. આજે આપણે જાણીશું વોઈસ એક્ટિંગ એટલે કે ડબિંગ આર્ટિસ્ટ વિશે. ડબિંગ આર્ટિસ્ટને લઈને તમારા મનમાં જેટલા પણ સવાલો થતાં હોય, જેવા કે, કેવી રીતે કરિયર બનાવવું, લાયકાત શું હોવી જોઈએ, ક્યાંથી શીખવું, શું સેલેરી હોય.. આવાં અનેક સવાલોના જવાબ તમને મળશે અહીં ગુજરાતી મિડ-ડેના કરિયર સંબંધિત વિશેષ અહેવાલમાં.

ડબિંગ આર્ટિસ્ટને વોઈસ ઓવર આર્ટિસ્ટ પણ કહેવામાં આવે છે. આજના સમયમાં જે રીતે અન્ય ભાષાની ફિલ્મો, એનિમેશન અને કાર્ટૂન હિન્દી કે અન્ય સ્થાનિક ભાષામાં રિલીઝ થઈ રહ્યા છે, તેનાથી વોઈસ ઓવરનો વ્યાપ વધ્યો છે અને ડબિંગ આર્ટિસ્ટની ડિમાન્ડ પણ છે. સોપ્રથમ આપણે જાણીએ કે ડબિંગ આર્ટિસ્ટ એટલે શું..?

આજના સમયમાં રેડિયો, ટેલિવિઝન પ્રોડક્શન, ફિલ્મ પ્રોડક્શન, થિયેટર અને પ્રેઝન્ટેશન જેવી દરેક જગ્યાએ વોઈસ ઓવરનો ઉપયોગ થઈ રહ્યો છે.  તેનો ઉપયોગ વ્યાવસાયિક ઑડિયોના ભાગ રૂપે વૉઇસ પ્રદાન કરવા માટે થાય છે. તેનો ઉપયોગ ગેમિંગ, વીડિયો, કાર્ટૂન, કમર્શિયલ વિજ્ઞાપન વગેરે માટે થાય છે.વૉઇસ ઓવર આર્ટિસ્ટની મુખ્ય જવાબદારી લેખિત શબ્દને ઑડિયો એટલે વૉઇસમાં કન્વર્ટ કરવાની છે. જેના માટે બોલવાની અને વાતચીત કરવાની કળા ખુબ જ અગત્યની છે. આપણે આખા દિવસ દરમિયાન ઘણા અવાજો સાંભળીએ છીએ, પછી તે મેટ્રો રેલની જાહેરાતો હોય, જાહેરાત ઝુંબેશ હોય અથવા ફોન પર દિશા-નિર્દેશ આપતો અવાજ હોય, આ તમામ અવાજ પાછળ છે વૉઇસ ઓવર આર્ટિસ્ટ.

વોઈસ આર્ટિસ્ટ માટે જરૂરી લાયકાત

વૉઇસ-ઓવર આર્ટિસ્ટ બનવાનો એકમાત્ર મુખ્ય માપદંડ છે સારો અવાજ. જો કે, તે તમને ખૂબ જ સરળ લાગે છે, પરંતુ જ્યારે કોઈ વિડિઓ અથવા પાત્ર માટે વૉઇસ-ઓવર કરવાની વાત આવે છે, ત્યારે વસ્તુઓ મુશ્કેલ લાગવા લાગે છે. આથી વૉઇસ-ઓવર આર્ટિસ્ટ બનવા માટે વિવિધ પ્રકારના વૉઇસ મોડ્યુલેશન પર નિયંત્રણ સાથે સારો અવાજ એ પ્રાથમિક જરૂરિયાત છે. ઉપરાંત તમારી પાસે ભાષા અને વ્યાકરણનું સારું જ્ઞાન હોવું જોઈએ અને ઉચ્ચાર પર યોગ્ય નિયંત્રણ હોવું જોઈએ. તેને કોઈ વિશેષ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. આ માટે તમે કેટલાક અભિનય અભ્યાસક્રમો પસંદ કરી શકો છો જ્યાંથી તમે અભિનયની ડિગ્રી મેળવી શકો છો, કારણ કે વૉઇસ-ઓવર વર્કનો મોટો ભાગ આવશ્યકપણે અભિનય કાર્ય છે.

વોઈસ ઓવર માટે કોર્સ અને કોલેજ

નવા યુગમાં વોઈસ ઓવર એ કારકિર્દીનો વધતો વિકલ્પ છે. આ માટે હજુ સુધી કોઈ સ્થાપિત કોલેજો નથી કે જે વોઈસ-ઓવર-આર્ટિસ્ટને તાલીમ આપે. પરંતુ, વર્ષોથી ઘણી ખાનગી સંસ્થાઓએ વૉઇસ-કોચિંગ કોર્સ ઓફર કરવાનું શરૂ કર્યું છે, જે વિદ્યાર્થીઓને મૂળભૂત બાબતો શીખવામાં મદદ કરે છે. ઈન્ડિયન વોઈસ ઓવર, મુંબઈ, ફિલ્મીટ એકેડમી, મુંબઈ અને વોઈસ બજાર, મુંબઈ આમાં અગ્રણી છે. તે જ સમયે આજકાલ ઘણી ફિલ્મ નિર્માણ સંસ્થાઓ અને મીડિયા સંસ્થાઓ વૉઇસ ઓવર આર્ટિસ્ટ અથવા ડબિંગ આર્ટિસ્ટ જેવા કોર્સ ઓફર કરે છે. આ કોર્સનો સમયગાળો 3 થી 6 મહિનાનો છે. કોર્સ દરમિયાન વૉઇસ મોડ્યુલેશન, લિપિંગ, વૉઇસ ઉચ્ચારણ, વૉઇસ એક્સપ્રેશન વગેરે શીખવવામાં આવે છે.

વોઈસ ઓવરમાં કરિયર માટે વિકલ્પો

આજે, મનોરંજન, જાહેરાત, કોર્પોરેટ, ઇ-લર્નિંગ, એનિમેશન, તાલીમ, માર્કેટિંગ, શિક્ષણ, રેડિયો અને અન્ય ક્ષેત્રોમાં વૉઇસ-ઓવર કલાકારોની માંગ વધી રહી છે. આ સિવાય વિડીયોગેમ્સ, એપ્સ, જીપીએસ, ટેક્સ્ટ ટુ સ્પીચ, ઈન્ટરનેટ જેવા અનેક ક્ષેત્રોમાં એડવાન્સ ટેક્નોલોજીએ તેમની માંગમાં વધુ વધારો કર્યો છે. અહીં તમે ઉત્તમ કારકિર્દી બનાવી શકો છો. આ ક્ષેત્રમાં કારકિર્દી મૂળભૂત વૉઇસ-ઓવર પ્રવૃત્તિઓ અથવા રેડિયો જિંગલ્સ માટે તમારો વૉઇસ ઑફર કરવાથી શરૂ થાય છે. એકવાર સફળ અને સ્થાપિત થયા પછી તમે મૂવીઝ અને ટીવી શો અથવા કાર્ટૂન શો માટે ડબિંગ જેવા  પ્રોજેક્ટ પણ કરી શકો છે. 

સેલેરી

જો આપણે વોઈસ ઓવર આર્ટિસ્ટની કમાણી વિશે વાત કરીએ, તો અહીં તમને શરૂઆતના તબક્કામાં 12000 થી 15000 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર મળી શકે છે. અનુભવ પછી તમે દર મહિને 50 હજારથી 70 હજાર રૂપિયા કમાઈ શકો છો. બીજી બાજુ જો તમે અન્ય દેશોની કંપનીઓ સાથે કામ કરો છો, તો તમને કલાકદીઠ ચૂકવણી કરવામાં આવશે.

આમ, જો તમારી પાસે સારો અવાજ હોય અને તેમાં તમે કરિયર બનાવવા ઈચ્છતા હોય તો બનાવી શકો છો. 
 

entertainment news