દશેરા સ્પેશિયલ: કેમ આજના દિવસે ફાફડા-જલેબી ખવાય છે ? જાણો કારણ

18 October, 2018 08:32 AM IST  | 

દશેરા સ્પેશિયલ: કેમ આજના દિવસે ફાફડા-જલેબી ખવાય છે ? જાણો કારણ




દશેરા એટલે બુરાઈ પર સારપની જીતનો પર્વ. રામની જીતનો પર્વ. પણ સ્વાદના શોખીનો માટે દશેરા એટલે ફાફડા અને જલેબી ઝાપટવાનો પર્વ. તમે પણ અત્યાર સુધીમાં ફાફડા જલેબી પેટમાં પધરાવી ચૂક્યા હશો. આમ તો ફાફડા અને જલેબી આખું વર્ષ લોકો ખાય છે. પરંતુ દશેરાના દિવસે આ બંને વાનગી આરોગવાનો આનંદ જ અનેરો છે. છેલ્લા નોરતે આખી રાત ગરબા અને પછી સીધ્ધા ફરસાણની દુકાને, તાજા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ, સાથે લીલા મરચાં અને ઘીથી લથબથ જલેબી ખાવા. અરે ભાઈ, ભાવતી વાનગી લેવા લાઈનમાં ઉભા રહેવું પડે તે પહેલા જ ખાઈ લેવાના. જો કે દશેરાએ ફાફડા જલેબી ખાવાનો આટલો ક્રેઝ કેમ છે ? નથી ખબરને ચાલો તમને જણાવી દઈએ કે કેમ દશેરાએ લોકો ફાફડા જલેબી ઝાપટી જાય છે.


શું છે પૌરાણિક કારણ ?


દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. કેટલાક લોકો માટે પૌરાણિક કારણ છે, તો કેટલાક માટે પોષણનું કારણ છે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાલમાં જલેબી શાશકૌલી તરીકે ઓળખાતી હતી. ભગવાન શ્રીરામે દશેરાને દિવસે રાવણનો વધ કર્યો એની ખુશીમાં નગરજનોએ પણ રામને ભાવતી શાશકૌલી એટલે કે જલેબી ખાઈને ઉજવણી કરી હતી. આ તો થઈ જલેબીની વાત, પણ સાથે ફાફડા કેમ ? એકલી ગળી જલેબી વધુ ખાવી શક્ય નથી. એમાંય મીઠાઈ સાથે ફરસાણ તો આપણી પરંપરા છે. એટલે જલેબીની સાથે આવ્યા ફાફડા. અને બસ દર વર્ષે દશેરા એટલે ફાફડા જલેબીનો નિયમ શરૂ થઈ ગયો.



આ પણ છે માન્યતા


જો કે જલેબી સાથે ફાફડાની હાજરીના પણ જુદા જુદા કારણ છે. કહેવાય છે કે હનુમાનજીને ચણાના લોટની વાનગી ખૂબ ભાવતી. એટલે જ્યારે જલેબી સાથે ફરસાણ ખાવાનું નક્કી થયું, ત્યારે હનુમાનજીના પ્રિય ચણાના લોટના ફાફડાનું અવતરણ થયું. તો બીજી માન્યતા એવી છે કે નવરાત્રિમાં મોટા ભાગના લોકો ઉપવાસ કરતા હોય છે, અને ઉપવાસ બાદ હંમેશા ચણાના લોટથી જ પારણા કરવા જોઈએ. એટલે પણ જલેબીની સાથે ફાફડાને સ્થાન મળ્યું.


આ રહ્યું વૈજ્ઞાનિક કારણ


જો કે આ તો માન્યતા છે, પરંતુ હેલ્થ એક્સપર્ટ્સ વાચિની ભટ્ટના કહેવા મુજબ  સપ્ટેમ્બર-ઓક્ટોબરનો સમયગાળો એ બે ઋતુ મિક્સ થવાનો ગાળો છે. આ સમયે હવામાનમાં ફેરફાર થતા હોય છે, એટલે લોકોને માઈગ્રેન જેવી સમસ્યા રહે છે. ડબલ સિઝનના કારણે શરીરમાં સિરોટોરિન નામનું તત્વ ઘટી જાય છે. એટલે માઈગ્રેન થાય છે. પરંતુ ગરમાગરમ જલેબીમાં ટિરામાઈન નામનું તત્વ હોય છે, જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કાબુમાં રાખે છે. પરિણામે માઈગ્રેન થતું નથી. એટલે દશેરામાં જલેબી ખાવામાં આવે છે.


આ પણ વાંચોઃ અમદાવાદઃસિંગર કિંજલ દવેનો થયો વિરોધ


નવરાત્રિમાં જો તમે ઉપવાસ કર્યા હોય તો શરીરમાં સુગર લેવલ ઘટી જાય છે. પરંતુ જલેબી ઈન્સટન્ટ એનર્જી આપે છે. દૂધ અને જલેબી સાથે ખાવાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે. તો જરા જુદી રીતે પણ હેલ્થ એક્સપર્ટ ડૉ.વાચિની ભટ્ટ ફાફડા જલેબી ખાવા યોગ્ય ગણાવી રહ્યા છે. વાચિની ભટ્ટના મતે હેલ્થ ફક્ત શારિરીક નહીં માનસિક પણ હોય છે. એટલે વર્ષમાં દશેરાના પર્વની જેમ એકાદ બે વખત ફાફડા જલેબી જેવું ભાવતી વાનગી ખાવી યોગ્ય છે. તેનાથી મેન્ટલ હેપ્પીનેસ મળે છે. જે પણ સારી છે. એમાં પણ તમને એવું લાગતું હોય કે વધારે ખાઈ લીધું છે. તો બીજા દિવસે ઓછી કેલરીવાળો ખોરાક ખાવ, કે પછી થોડી કસરત વધુ કરો. એટલે બોડીમાં કેલરી જળવાઈ રહેશે.