ટ્રાવેલ-ગાઇડ: હિમાલય બેલ્ટનો ચળકતો ડાયમંડ નૈનિતાલ

05 May, 2019 01:19 PM IST  |  મુંબઈ | ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

ટ્રાવેલ-ગાઇડ: હિમાલય બેલ્ટનો ચળકતો ડાયમંડ નૈનિતાલ

નૈનિતાલ

આજે વિદેશમાં ફરવા જવું સામાન્ય બની ગયું છે, પણ જો થોડા ફ્લૅશબૅકમાં જઈએ તો આજથી ૧૦-૧૫ વર્ષ પહેલાં ભારતીયો માટે કાશ્મીર એ જ સ્વિટ્ઝર્લેન્ડ અને ગોવા એટલે હવાઈ. વાત સાચી છે. ત્યારે નૈનિતાલ, મનાલી અને કાશ્મીર જવા મળે તો પણ ભયોભયો. આજે ખિસ્સામાં વજન વધતાં લોકો વિદેશ ભણી ખેંચાયા છે. ફરવા જવાના વિકલ્પો વધ્યા છે તેમ છતાં હજી નૈનિતાલ જેવાં સ્થળોએ ફરવા જવા માટેનો રોમાંચ ઘટ્યો નથી. નૈનિતાલની આધ્યાત્મિકતાની સાથેની પ્રાકૃતિક સુંદરતા તેને એવરગ્રીન ડેસ્ટિનેશનમાં સ્થાન અપાવે છે.

દેશના ઉત્તર ભાગમાં આવેલું ઉત્તરાખંડ રાજ્ય અનેક પ્રાકૃતિક સુંદરતાનું સાક્ષી છે. આ સુંદરતાના ઉપવનમાં નૈનિતાલનું નામ પણ આવે છે, જે આધ્યાત્મિક બાબતે તો વિશિક્ટતા ધરાવે જ છે, સાથે તેની નર્મિળ સુંદરતા પ્રવાસના આનંદને બે ગણો વધારી દે છે. ધાર્મિક દૃક્ટિએ આ સ્થળ સાથેનો આપણો સબંધ ઘણો જૂનો છે, પરંતુ તેને દુનિયાની સામે બ્રિટિશરો લાવ્યા હતા. મનમોહક તળાવ, પવિત્ર વાતાવરણ અને ફરતે પવર્તોરની હારમાળા વીંટળાયેલી હોય તેવું સ્થળ કોને ન ગમે? આવું જ કંઈ બ્રિટિશ શુગર મર્ચન્ટની સાથે થયું હતું. તેમને પણ આ સ્થળ પ્રથમ નજરના પ્રેમ જેવું બની ગયું. મનોહર લેક જોઈને તેમને અહીં જ ધામા નાખવાનું મન થઈ ગયું. આટલું સુંદર સ્થળ હોય ત્યાં અંગ્રેજોની નજર નહીં પડે એવું કેમ ન બને. એવું જ થયું. અંગ્રેજોને આ સ્થળ જોઈને તેમને તેમના વતનની યાદ આવતી. તેમણે તો અહીં સમર કૅપિટલ બનાવી દીધું. પછી અહીં સ્કૂલો અને કૉલેજો સ્થપાઈ, જેણે પણ ઘણી લોકપ્રિયતા હાંસલ કરી. બસ પછી તો ધીરે ધીરે આ સ્થળની લોકપ્રિયતા અને લોકચાહના વધતી જ ગઈ, સાથે સાથે તેનો વિકાસ પણ થતો ગયો. આજે ફોર જી અને ફાઇવ જી યુગમાં તેને પણ થોડો મૉડર્ન ટચ લાગી ગયો છે છતાં તેનું આગવું આકર્ષણ હજીયે એવું જ છે. એટલે જ તો તેને હિમાલય બેલ્ટના સૌથી વધુ ચળકતા ડાયમંડની સાથે સરખાવવામાં આવ્યું છે.

નૈનિતાલના નામની પાછળ ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે, પણ સૌથી વધુ જાણીતી અને પ્રખ્યાત કથા છે નૈનાદેવીની એટલે કે માતા પાર્વતીની. આપણે સૌ જાણીએ છીએ કે માતા પાર્વતી કે જેઓ તેમના પૂવર્જ ન્મમાં સતી હતાં અને ભગવાન શંકરનાં પત્ની. પિતા દક્ષ દ્વારા પતિના થયેલા અપમાનથી પ્રજ્વલિત અãગ્નકુંડમાં તેઓ કૂદી પડ્યાં હતાં, જેમના નિષ્પ્રાણ થયેલા શરીરને ખભે મૂકીને ક્રોધિત થયેલા શંકર કૈલાસ તરફ જતા હતા ત્યારે માતાના શરીરનાં અંગો જમીન પર પડ્યાં હતાં. અંગો જે જગ્યાએ પડ્યાં તે સ્થળો શક્તિપીઠ તરીકે પૂજાય છે, જેમાંના ભારત ઉપરાંત કેટલાંક વર્તમાન પાકિસ્તાન, બંગલાદેશ, નેપાલ સહિતના દેશોમાં પણ છે. માતાનાં નૈન નૈનિતાલમાં પડ્યાં હોવાનું કહેવાય છે, જેથી પાછળથી આ સ્થળનું નામ નૈનિતાલ પડ્યું હતું. શહેરની વચ્ચે એક તળાવ છે, જેનો આકાર નૈન એટલે કે આંખ જેવો હોવાથી પણ તેને નૈનિતાલ કહેવાય છે. સરોવરની નગરી તરીકે ઓળખાતા નૈનિતાલમાં ત્રણ મોટાં તળાવ છે, જેને લીધે અહીંનું વાતાવરણ ઠંડુ રહે છે, જે તમામ કોઈ ને કોઈ વિશેષતા ધરાવે છે. તળાવો ઉપરાંત અહીં જોવાલાયક સ્થળોમાં રાજભવન, જામા મસ્જિદ, રોપવે, ટિફિન ટૉપ, સ્નો વ્યુ પૉઇન્ટ, ધ મૉલ રોડ, પ્રખ્યાત યુરોપિયન સ્કૂલ અને કૉલેજ વગેરેનો સમાવેશ થાય છે. આમ તો આ નૈનિતાલ નાનકડું છે, જેથી અહીં રહેનારા લોકોની સંખ્યા પણ ૪૨,૦૦૦ની આસપાસ છે, પરંતુ પિક સીઝનમાં અહીં આવનારા લોકોની સંખ્યા અહીંની વસ્તી કરતાં બમણી હોય છે. અહીં વસ્તી ઓછી છે, પરંતુ તેની સરખામણીમાં અહીં સાક્ષરતાનો દર ઘણો ઊંચો છે. અહીં સાક્ષરતાનો દર ૯૩ ટકાની આસપાસ છે. અહીંની ઑફિશ્યલ લેન્ગવેજ હિન્દી છે. આ સિવાય કુમાઉની પણ અહીંની પ્રચલિત ભાષા છે.

તળાવનું શહેર

શહેરની વચ્ચોવચ નૈની તળાવ આવેલું છે, જેની ફરતે આખું શહેર વિકસેલું છે. ૧૪૩૩ મીટરના વિસ્તારમાં વિસ્તરેલું આ તળાવ નૈનિતાલનું મુખ્ય આકર્ષણ છે. તળાવને કિનારે નૈનાદેવીનું મંદિર છે તેમ જ અહીં માતા સતીની આંખ પડી હોવાથી તે શક્તિપીઠ તરીકે પણ પૂજાય છે. તળાવની વાત કરીએ તો અહીંનું પાણી પવિત્ર ગણાય છે. અહીંના લોકોના કહેવા મુજબ આ પાણીમાં ડૂબકી લગાવવાથી પાપનો નાશ થાય છે. માનસરોવરના પાણીની સાથે નૈનિતાલના પાણીની સરખામણી કરવામાં આવેલી છે. આ તળાવની અંદર બોટિંગની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાય છે, જેથી ટૂરિસ્ટો અહીં આવવા આકર્ષાય. નૈનિતાલમાં નૈની ઉપરાંત બીજાં અનેક તળાવ આવેલાં હોવાથી આ સ્થળને લેક ડિસ્ટિÿક્ટ ઑફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. કાઠગોદામથી ૨૨ કિલોમીટરના અંતરે ભીમતાલ લેક આવેલું છે. એક પૌરાણિક કથા પ્રમાણે પાંડવો જ્યારે વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેઓએ આ સ્થળે વિરામ લીધો હતો. એવું કહેવાય છે કે ભીમે આ તળાવનું નિર્માણ કર્યું હતું. આ ઝીલના કિનારે ભીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભીમતાલથી ચાર કિલોમીટરના અંતરે નવ ખૂણા ધરાવતું તળાવ છે, જે અનેક કારણોસર પ્રખ્યાત છે, જેમાંનું એક મુખ્ય કારણ તો તેનો શેપ છે, જે અન્ય તળાવો કરતાં અલગ છે એટલે કે નવ ખૂણા ધરાવે છે. બીજું એવું પણ કહેવાય છે કે આ તળાવને બ્રહ્માએ બનાવ્યું હતું. અહીં માતા વૈષ્ણવીનું મંદિર છે. થોડે આગળ હનુમાનની વિશાળ મૂર્તિ છે. અહીંના લોકો એવું માને છે કે જે વ્યક્તિ એક જ વખતમાં આ તળાવના નવેનવ ખૂણાને જોઈ લે છે તે વ્યક્તિ ગાયબ થઈ જાય છે. ભીમતાલથી બે કિલોમીટરના અંતરે નલ દમયંતી તાલ આવેલું છે, જે ખૂબ જ સરસ જગ્યા છે. એવી લોકવાયકા છે કે નલરાજા આ તળાવમાં ડૂબી ગયા હતા. આ સિવાય સીતા તળાવ, પૂર્ણા તળાવ, રામ તળાવ, લક્ષ્મણ તળાવ, સુખા તળાવ જેવાં અનેક તળાવો પણ છે. અહીં આવેલા દરેક તળાવની સાથે કોઈ ને કોઈ પૌરાણિક કથા ગૂંથાયેલી છે

ગવર્નર હાઉસ

ગવર્નર હાઉસમાં વળી જોવા જેવું શું છે એવો પ્રfન જ તમારા મનમાં આવ્યો હોય તો આગળ વાંચજો. ગવર્નર હાઉસનું મકાન ૧૮૯૯ની સાલમાં બનાવવામાં આવ્યું હતું, જે આટલાં બધાં વર્ષોનાં વહાણાં વીતી ગયાં હોવા છતાં હજી પણ એટલું જ મજબૂત અને આકર્ષક છે. આ મકાનને ગોથિક વિક્ટોરિયન શૈલીમાં બનાવવામાં આવેલું છે, જેનું બાંધકામ એફ. ડબ્લ્યુ સ્ટીવને કરેલું છે. બ્રિટિશ કાળ દરમ્યાન મકાનનો ઉપયોગ રાજાઓ સમર કૅપિટલ તરીકે કરતા હતા. આ મકાન કમ મહેલમાં ૧૧૩ રૂમો છે. વૈભવી ગાર્ડન, સ્વિમિંગ પૂલ અને ગોલ્ફ કોર્સ આવેલાં છે. આ વૈભવી મકાનમાં લટાર મારવી હોય તો અગાઉથી તેની મંજૂરી લેવી અનિવાર્ય છે. હાલમાં આ ઘર ઉત્તરાખડના ગવર્નરનું મહેમાન ઘર છે.

સ્કૂલ અને કૉલેજ

૧૯મી સદીમાં અહીં યુરોપિયન સ્કૂલ અને કૉલેજો સ્થાપવામાં આવી હતી. તે સમયે અહીં બ્રિટિશ હકૂમત હતી, જેને લીધે અહીં બ્રિટિશ મૂળનાં બાળકો ભણતાં હતાં. સુંદર વાતાવરણની વચ્ચે ભણવાનું કોને ન ગમે? ધીમે ધીમે અહીં વધુ ને વધુ સ્કૂલ અને કૉલેજ શરૂ કરવામાં આવી. શરૂઆતમાં અહીં ભારતીય વિદ્યાર્થીઓની ઉપેક્ષા કરવામાં આવતી હતી, પરંતુ થોડાં વર્ષ બાદ અહીં ભારતીય મૂળનાં બાળકોને પણ શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. શેરવુડ કૉલજ અને બિરલા વિદ્યા મંદિર અહીંની પ્રતિષ્ઠિત કૉલેજ છે, જેમાં ઘણા મહારથીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. ખૂબ જ સુંદર રીતે બંધાયેલી આ કૉલેજો એક વાર જોવા જેવી છે. સ્કૂલ અને કૉલેજની સાથે અહીં મોટી સંખ્યામાં લાઇબ્રેરીઓ પણ આવેલી છે, જેમાં પુસ્તકોનો મોટો સંગ્રહ છે.

નૈનિતાલ રોપવે

ટૂરિસ્ટોનું મનપસંદ પૉઇન્ટ એટલે નૈનિતાલ રોપવે. જ્યાં રોપવે અને કેબલકારમાં બેસીને શહેરની આકાશી મજા લઈ શકાય છે. શહેરથી સ્નો વ્યુ પૉઇન્ટ સુધી આ કેબલકાર ચાલે છે. કેબલકારમાં બેસીને શહેરની સાથે લેક અને અદ્ભુત વેલીનો મંત્રમુગ્ધ કરી દેનારો નજારો માણવા મળે છે. રોપવેમાં બેસવું હોય તો સવારે દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યાની વચ્ચે જઈ શકાય છે, જેમાં વ્યક્તિદીઠ ૧૫૦ના દરે કેબલકારમાં બેસાડે છે.

ઍડવેન્ચર પ્રિય ડેસ્ટિનેશન

આટલું સુંદર અને શાંત વાતાવરણ હોય અને ત્યાં ઍડવેન્ચર ઍક્ટિવિટી ન થતી હોય તેવું જવલ્લે જ બને. ક્લાઇમેટ સાથ આપે તો અનેક ઍડવેન્ચર ઍક્ટિવિટી માણવા મળી શકે છે. એક તો પહેલાંથી જ ઊંચાઈ પર આવેલું નૈનિતાલ અને તેમાં પૅરાગ્લાઇડિંગ કરવાની કેવી મજા આવતી હશે ને! અહીં ટ્રૅકિંગ રૂટ પણ અવેલેબલ છે. ઘણાં ગ્રુપ અહીં ટ્રૅકિંગ માટે અવારનવાર આવતાં હોય છે. અહીં નૈના પિક એટલે કે ચીના પિક આવેલું છે, જે અહીંનું હાઈએસ્ટ પૉઇન્ટ છે, જ્યાંથી સમગ્ર શહેરનો ૩૬૦ ડિગ્રીનો વ્યુ આપે છે. અહીં આવેલી ગોલ્ફ ક્લબમાં ગોલ્ફની મજા માણવાની પણ ગમશે.

તિબેટિયન માર્કેટ

નૈનિતાલના મૉલ રોડ પર આવેલી તિબેટિયન માર્કેટ શૉપિંગ કરવા માટે સૌથી બેસ્ટ જગ્યા છે. અહીંનાં બજારોમાં સૌથી વધુ વુલન કપડાં વેચાતાં નજરે પડે છે, જેમાં મોંઘાથી લઈને સસ્તા દરના વુલન પીસ મળી રહે છે. ફક્ત તમારામાં ક્વૉલિટી પારખવાની સમજ હોવી જોઈએ. વુલનનાં કપડાં જ નહીં, પરંતુ તેમાંથી બનતી અનેક બીજી વસ્તુઓ પણ અહીં વેચાતી દેખાય છે. અહીં ખાણીપીણીના પણ અનેક સ્ટૉલ આવેલા છે. અહીંની ખાધખોરાકીમાં તિબેટિયન ઝલક જોવા મળે છે. થુપકા અને મોમોસ અહીં દરેક ખાવાના સ્ટૉલ પર મળી રહે છે. વેજિટેરિયન લોકોએ પણ વધુ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અહીં પ્યૉર વેજ ખાવાનું પણ સરળતાથી મળી રહે છે. આ માર્કેટ સવારે નવથી રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહે છે.

જિમ ર્કોબેટ રાષ્ટ્રીય ઉદ્યાન

જિમ ર્કોબેટ નૅશનલ પાર્કનું નામ આજે કોઈનાથી અજાણ નથી. નૈનિતાલથી ૬૩ કિલોમીટરના અંતરે આ ઉદ્યાન આવેલો છે, જે ભારતનો સૌથી પ્રાચીન ઉદ્યાન પણ ગણાય છે. અહીં હાથી, વાઘ, ચિત્તા, સાબર, નીલગાય, મગર, જંગલી સૂવર વગેરે છે. આ સિવાય અહીં અનેક પ્રજાતિનાં પક્ષીઓ પણ છે. આ પાર્કની સ્થાપના દેશની આઝાદી પૂર્વે કરવામાં આવી હતી. દેશમાં રહેલા વાઘને સરક્ષણ પૂરું પાડવાના હેતુસર આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું નામ પ્રખ્યાત શિકારી, ટ્રેકર અને પર્યાવરણ રક્ષક જિમ ર્કોબેટની યાદમાં આપવામાં આવ્યું છે. સરકારના પ્રોજેક્ટ ટાઇગરના કાર્યક્રમ હેઠળ આ અભયારણ્યને સૌપ્રથમ હાથમાં લેવામાં આવ્યો હતો. આ અભયારણ્યમાં સૌથી વધુ વાઘ જોવા મળે છે. આજની તારીખમાં ટૂરિસ્ટોનું આ પ્રિય ડેસ્ટિનેશન બની ગયું છે, જેને લીધે આજ સુધીમાં અહીં ૫,૦૦,૦૦૦થી અધિક મુલાકાતીઓ આવી ચૂક્યા છે. થોડા સમય પૂર્વે હાથી સફારી પણ અહીં શરૂ કરવામાં આવી હતી.

કેટલીક જાણીઅજાણી વાતો...

નૈનિતાલમાં પ્રખ્યાત અને જૂની સેન્ટ જોસેફ કૉલેજ અને શૅરવુડ કૉલેજ આવેલી છે, જ્યાં દેશની અનેક મહાન અને ખ્યાતનામ હસ્તીઓ અભ્યાસ કરી ચૂકી છે, જેમાં બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અનુપ જલોટા, નસરુદ્દીન શાહ તેમ જ પૉલિટિકલ અને ક્રિકેટ ક્ષેત્રની સાથે સંકળાયેલા મહારથીઓ, જેમ કે કિરણ બેદી, લલિત મોદી, રાજેન્દ્ર પચોરી, મનીષ પાંડે, નારાયણ દત્ત તિવારી વગેરેનો સમાવેશ થાય છે.

દેશના સૌથી જૂના ગોલ્ફ કોર્સમાંનું એક નૈનિતાલમાં છે.

એવું કહેવાય છે કે બ્રિટિશ શુગર મર્ચન્ટ પી. બૅરોને ૧૮૩૯ની સાલમાં નૈનિતાલ લેક શોધી કાઢ્યું હતું.

અહીં આવેલું તળાવ નૉર્થના ખૂણે આવેલું હોવાથી લગભગ દરરોજ બપોરે અહીં વરસાદ પડે છે.

બ્રિટિશ સમયથી અહીં અપર મૉલ રોડ અને લોઅર મૉલ રોડ આવેલા છે. બ્રિટિશ શાસનના સમયમાં અપર રોડનો ઉપયોગ માત્ર બ્રિટિશરો દ્વારા કરવામાં આવતો હતો, જ્યારે લોઅર રોડનો ઉપયોગ ભારતીયો માટે હતો. જો કોઈ ભારતીય ભૂલેચૂકે પણ અપર રોડમાં આવી પહોંચે તો તેને સજા ફરમાવવામાં આવતી હતી.

બ્રિટિશ સમયમાં નૈનિતાલ સમર કૅપિટલ તરીકે ઓળખાતું હતું.

નૈનિતાલમાં આવેલું ગવર્નર હાઉસ લંડનના બકિંમહામ પૅલેસને ટક્કર આપી શકે એવું છે. બે માળના આ મકાનમાં ૧૦૦થી અધિક રૂમ છે.

નૈનિતાલનો ઉલ્લેખ પ્રખ્યાત લેખક રડ્યાર્ડ કિપલિંગ, મુનશી પ્રેમચંદ, યશપાલ અને જિમ ર્કોબેટે તેઓના સાહિત્યમાં કર્યો છે.

આજની તારીખમાં પણ નૈનિતાલ એટલું જ લોકપ્રિય છે. પિક સીઝનમાં અહીં શહેરની બહાર હાઉસફુલના બોર્ડ લટકાવવામાં આવે છે અને સહેલાણીઓને નૈનિતાલની બહાર ગાડી પાર્ક કરવા જણાવવામાં આવે છે.

ક્યારે અને કેવી રીતે જશો?

નૈનિતાલ ફરવા માટે ત્રણથી ચાર દિવસનો સમય પૂરતો રહે છે, પરંતુ જો અહીં આવ્યા પછી આજુબાજુના સ્થળે પણ ફરવું હોય તો વધારે દિવસ જોઈશે. નૈનિતાલ આમ તો બારે મહિના ફરવા માટે બેસ્ટ છે, પણ આરામદાયક રીતે ફરવું હોય તો ઉનાળાનો સમય શ્રેષ્ઠ ગણી શકાય. ઉનાળામાં અહીંનું તાપમાન મહત્તમ ૨૭ ડિગ્રી સુધી જાય છે એટલે ઉનાળામાં પણ અહીં વધુ ગરમી રહેતી નથી. ડિસેમ્બરથી ફ્રેબ્રુઆરી મહિના દરમ્યાન અહીં બરફવર્ષા થાય છે. અને તાપમાન માઇન્સમાં જતું રહે છે, જેથી અહીં ઘણા રસ્તા બંધ કરી દેવા પડે છે. અહીં આવવા માટે ટૂરિસ્ટો પાસે ઘણા ઑપ્શન છે. હવાઈ માર્ગથી આવવા માગતા ટૂરિસ્ટો માટે દેહરાદૂન ઍરર્પોટ નજીક પડે છે, જે અહીંથી ૧૭૩ કિલોમીટરના અંતરે છે. આમ તો નજીકમાં કહી શકાય એવું એક ઍરર્પોટ પંતનગર છે, જે અહીંથી ૬૫ કિલોમીટરના અંતરે આવેલું છે, પરંતુ અહીં માત્ર પ્રાઇવેટ ચાર્ટર્ડ જ ઊતરે છે. જો રેલવેથી આવવા માગતા હો તો નજીકનું સ્ટેશન કાંઠગોદામ છે, જે અહીંથી ૩૫ કિલોમીટરના અંતરે છે. ત્યાંથી નૈનિતાલ સુધી પહોંચવા માટે ખાનગી વાહનો સહિત અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. તેવી રીતે નૈનિતાલની રોડ કનેક્ટિવિટી પણ સારી છે. ઉત્તરાખંડનાં તમામ સ્થળોને જોડે છે.

શહેરની વચ્ચોવચ નૈની તળાવ આવેલું છે, જેની ફરતે આખું શહેર વિકસેલું છે. ૧૪૩૩ મીટરના વિસ્તારમાં વિસ્તરેલું આ તળાવ નૈનિતાલનું મુખ્ય આકર્ષણ છે. તળાવને કિનારે નૈનાદેવીનું મંદિર છે તેમ જ અહીં માતા સતીની આંખ પડી હોવાથી તે શક્તિપીઠ તરીકે પણ પૂજાય છે.

આ પણ વાંચો : ટ્રાવેલ ગાઈડ: હૈદરાબાદ ટૂરિસ્ટ પ્લેસનો નવાબ

નૈનિતાલથી ૬૩ કિલોમીટરના અંતરે જિમ ર્કોબેટ નૅશનલ પાક આવેલો છે, જે ભારતનો સૌથી પ્રાચીન ઉદ્યાન પણ ગણાય છે. અહીં હાથી, વાઘ, ચિત્તા, સાબર, નીલગાય, મગર, જંગલી સૂવર વગેરે છે.

travel news nainital