બીચ સિવાય બીજું કંઈ જ નથી છતાં સૌંદર્યની ખાણ છે મૉલદીવ્ઝ

11 August, 2019 03:48 PM IST  |  મુંબઈ | ટ્રાવેલ-ગાઇડ : દર્શિની વશી

બીચ સિવાય બીજું કંઈ જ નથી છતાં સૌંદર્યની ખાણ છે મૉલદીવ્ઝ

મૉલદીવ્ઝમાં એક જોઈએ ને બીજા ભૂલી જઈએ એવા એકથી એક ચડિયાતા રિસૉર્ટ આવેલા છે જેનું એક એક્ઝામ્પલ અહીં છે. આ બીચ ટચ રિસૉર્ટ્સ અહીંની ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવે છે.

આજકાલ સુહાના ખાન તેના બોલ્ડ ફોટોગ્રાફને લઈને સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. વાત એમ છે કે ફૅમિલી સાથે હૉલિડે ટ્રિપ પર મૉલદીવ્ઝ ગયેલી સુહાનાએ અહીંના રિળ‌યામણા બીચ પર અફલાતૂન ફોટો પોઝ આપ્યા છે જે વાઇરલ થયા છે. એવી જ રીતે થોડા સમય પહેલાં જ અહીંના બીચ પર હૉટ બિકીનીમાં મલાઇકા અરોરાના પિક્સ હજીયે ફરી રહ્યા છે. આવાં એક-બે ઉદાહરણ નથી, પણ અનેક સેલિબ્રિટીઝ અહીં આવીને કંઈક અલગ મૂડમાં આવી જતી હોવાનું જોવા મળ્યું છે. જાણે મૉલદીવ્ઝના બીચ અને એની હવામાં જ કંઈક અલગ નશો હોય. આવા નશીલા અને મદમસ્ત મૉલદીવ્ઝની સફરનો નશો આપણે પણ થોડો ચાખી લઈએ.

૨૬ ટાપુઓમાં વહેંચાયેલા મૉલદીવ્ઝ ટાપુ એશિયાનો સૌથી નાનો દેશ છે. આમ જોવા જઈએ તો અહીં નાના-નાના કહી શકાય એવા ૧૨૦૦ ટાપુઓ છે, પરંતુ મુખ્ય અને મોટા ટાપુઓ ૨૬ છે. હિન્દ મહાસાગરમાં આવેલો આ ટાપુ-કમ-દેશ ભારત અને શ્રીલંકાનો પડોશી ગણાય છે, જે એક કારણસર પણ અહીં ભારતીયોનો જમાવડો વધુ જોવા મળે છે. અહીંની રાજધાની માલે છે. અહીંના લોકો મૉલદીવિયન્સ તરીકે ઓળખાય છે. મૉલદીવ્ઝને ૧૯૬૫માં યુનાઇટેડ કિંગડમ પાસેથી આઝાદી મળી હતી અને આઝાદી મળ્યાના ટૂંકા સમયની અંદર જ દેશ હરણફાળ તેજી સાથે આગળ વધ્યો છે. જોવા જઈએ તો મૉલદીવ્ઝમાં બીચ સિવાય બીજું એવું કશું નથી જે જોવા માટે વર્થ કહી શકાય, પરંતુ માત્ર બીચથી પણ ઢગલાબંધ ટૂરિસ્ટોને આકર્ષી શકાય છે એ બાબત આપણે એની પાસેથી શીખવા જેવી છે. બીચ અને એની આસપાસ વિસ્તરેલા અફલાતૂન રિસૉર્ટ, હોટેલ અને મરીન ઍક્ટિવિટી ઘણી દિલચસ્પ છે. એકાંતપ્રિય લોકોને અહીં બહુ ગમશે. હવે વાત ટૂરિઝમની કરીએ તો મૉલદીવ્ઝ વિશે અત્યાર સુધીમાં ઘણું લખાઈ ગયું છે, પરંતુ આજે આપણે મૉલદીવ્ઝની એવી વાતો કરીશું અને એવી જગ્યાએ ફરીશું જેના વિશે બધાને કદાચ ખબર નહીં હોય. 

મૉલદીવ્ઝ એને મળેલી સમુદ્રના પાણીની સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યું છે. સૌથી પહેલાં તેમણે પાણીની અંદર રેસ્ટોરાં ખોલી, પછી સ્પા અને હવે હોટેલ ખોલી છે. જોકે આ હોટેલનું ભાડું બધાને પરવડે એવું નથી.

વિશ્વની પ્રથમ દરિયાઈ વિલા

મૉલદીવ્ઝમાં રાંગલી દ્વીપ ખાતે એક ભવ્ય રિસૉર્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેની અંદર આવેલી વિલા દરિયાની અંદર છે. આવા પ્રકારની વિલા વિશ્વમાં પ્રથમ જ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આ વિલા દરિયાની પાણીની સપાટીથી પાંચ મીટર નીચે છે, જેમાં એક કિંગસાઇઝ બેડરૂમ, એક લિવિંગ રૂમ અને ટૉઇલેટ બનાવેલાં છે. વિલાની રૂમોની છત પર અને અડધાથી વધુ દીવાલો પર જાડા કાચ બેસાડવામાં આવેલા છે, જેમાંથી દરિયાઈ સૃષ્ટિને મન ભરીને માણી શકાય છે. પરંતુ જો ખિસ્સામાં વધારે પૈસા હશે તો જ અહીં આવવાની ઇચ્છા પૂરી થઈ શકશે, કેમ કે અહીં રહેવાનું એક રાતનું ભાડું ૫૦,૦૦૦ ડૉલર છે. આ ઉપરાંત અહીં અન્ડર વૉટર રેસ્ટોરન્ટ છે જે જમીનથી ૬ ફીટ નીચે છે. આટલું ઓછું હોય એમ અહીં અન્ડર વૉટર સ્પા પણ છે. જોકે હવે કેટલાક દેશોમાં આવા પ્રકારના સ્પા શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ મૉલદીવ્ઝ એમાં પ્રથમ છે.

 

આર્ટિફિશ્યલ આઇલૅન્ડ અને બીચ

હલહુમાલે આઇલૅન્ડ એક આર્ટિફિશ્યલ આઇલૅન્ડ છે જેને રાજધાની માલેની બાજુમાં જ વસાવવામાં આવ્યો છે. માલેની વધી રહેલી વસ્તીને જોતાં તેમ જ કમર્શિયલ અને ઇન્ડસ્ટ્ર‌િયલ ક્ષેત્રની વધી રહેલી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ આઇલૅન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આઇલૅન્ડના બીચ પર ગીચતા ઘણી ઓછી હોય છે, એથી ટૂરિસ્ટને અહીં સમય પસાર કરવાનું ગમે છે. મૉલદીવ્ઝમાં બીચ ઓછા છે કે આર્ટિફિશ્યલ બીચ બનાવવાની જરૂર પડી એવો સહેજે વિચાર આવી જાય છે, પરંતુ એવું છેને કે બીચનો ક્રેઝ એવો હોય છે જે છૂટતો નથી. ખેર, મૉલદીવ્ઝની રાજધાની માલેમાં બીજના ચંદ્રના આકારનો આર્ટિફિશ્યલ બીચ બનાવવામાં આવેલો છે જે દરિયાથી ઘણો દૂર છે. આર્ટિફિશ્યલ હોવા છતાં એનું આકર્ષણ ટૂરિસ્ટોમાં ઘણું જોવા મળે છે. એનું કારણ છે કે આ બીચને રિયલ બતાવવામાં કોઈ કમી છોડી નથી. લોકલ તેમ જ ટૂરિસ્ટો અહીં બીચ પર રિલૅક્સ થવા તેમ જ સ્વિમિંગ કરવા માટે આવતા હોય છે. અગાઉ જ્યારે આ બીચ બનાવ્યો નહોતો ત્યારે ટૂરિસ્ટો માલેમાં શૉપિંગ માટે અને સારી રેસ્ટોરન્ટમાં જમવા માટે જ આવતા હતા, પરંતુ જ્યારથી આ બીચ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારથી અહીં ફરવા આવનારા લોકોમાં માલેને જોવાનો નજરિયો બદલાઈ ગયો છે.

ચમકતો સમુદ્ર

મૉલદીવ્ઝમાં એક વાધુ નામનો ટાપુ આવેલો છે જ્યાં આવેલો એક નાનકડો બીચ સી ઑફ સ્ટારના નામથી ઓળખાય છે. એનો અર્થ થાય છે સ્ટારથી ભરેલો સમુદ્ર. આકાશમાં દેખાતા તારાઓને આપણે સ્પર્શ નથી કરી શકવાના એથી આ નીચે આવેલા સ્ટારને સ્પર્શ કરવાની તક છોડવા જેવી નથી. દિવસ દરમિયાન આ બીચ કોઈ સાધારણ બીચ જેવો જ દેખાય છે, પરંતુ સાંજ થતાંની સાથે દરિયાકિનારે સ્ટારનો ચળકાટ દેખાવાનો શરૂ થઈ જાય છે. રાતના સમયે આ બીચ આકાશગંગા જેવો દેખાવા લાગે છે જ્યારે અસંખ્ય સ્ટાર અહીં દેખાવાના શરૂ થઈ જાય છે. સમુદ્રના પાણીનાં મોજાં ચમકવા પાછળનું કારણ અહીં પાણીની અંદર આવેલા સૂક્ષ્મ દરિયાઈ જીવો છે, જેને લીધે પાણી ચમકે છે.

સી ટ્રાન્સપોર્ટેશન

મૉલદીવ્ઝમાં જમીન ઓછી અને પાણી વધારે છે એટલે અહીં ટ્રાન્સપોર્ટેશનનું મુખ્ય સાધન કહો તો સાધન અથવા ડિપેન્ડન્સી કહો તો એ ઍરટૅક્સી, સી પ્લેન (જે તમારા માટે એક નવો અનુભવ રહેશે), નાની અને નૉર્મલ બોટ, સ્પીડબોટ, લકઝરી યૉટ વગેરે અવેલેબલ છે. એક તો અહીંનો ફટાફટ થતો સમુદ્ર અને એમાં એનું ચોખ્ખું અને પારદર્શક બ્લુ પાણી એને વધુ રમણીય બનાવે છે. આવા સુંદર સમુદ્રમાં ફરવાનું કોને નહીં ગમે? મૉલદીવ્ઝની બોટ ફેરી સૌથી રોમાંચક બોટ ફેરી બની રહેશે. મૉલદીવ્ઝના ૧૨૦૦ ટાપુઓ સી ટ્રાન્સપોર્ટેશનથી જોડાયેલા છે જેમાં ધોનીસ નામક એક પારંપારિક નાવ પણ છે જે અરબી શૈલીમાં બનાવવામાં આવેલી છે. એ તમને અહીંના સમુદ્રમાં દરેક જગ્યાએ મળી આવશે. મોટે ભાગે આ નાવનો ઉપયોગ માછલી પકડવા માટે થાય છે જેને નાળિયેર‍ના ઝાડના થડમાંથી બનાવવામાં આવે છે. જો ચાન્સ મળે તો આ બોટમાં બેસવાની તક ઝડપી લેવી.

મરીન ઍક્ટિવિટી

લાંબા, રેતાળ, મખમલી રેતી ધરાવતા ચોખ્ખા બીચને અડીને આવેલા બ્લુ સમુદ્રના પાણીમાં ફક્ત સ્વિમિંગ કરીને આવી જશો તો તમારી ટૂર અધૂરી ગણાશે, કેમ કે અહીંની રિયલ મજા મરીન ઍક્ટિવિટીમાં છે. આમ તો મોટે ભાગે દરેક બીચ પર મરીન ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી ઑફર કરવામાં આવે જ છે, પરંતુ અહીંની વાત થોડી જુદી છે. સ્નોર્કલિંગ અહીંની વન ઑફ ધ ફેવરિટ ઍક્ટિવિટી છે. એના પછી નંબર આવે છે ટર્ટલ વૉચિંગનો જે એક નવો એક્સ્પીરિયન્સ આપશે. દુનિયામાં સાત પ્રજાતિના દુર્લભ કાચબા છે, જેમાં પાંચ પ્રજાતિના કાચબા અહીં જોવા મળે છે. અહીં ફિશિંગ કરવા માટે વિકલ્પ છે. વહેલી સવારે અથવા રાત્રે ફિશિંગ માટે લઈ જવામાં આવે છે. ડૉલ્ફિન વૉચિંગ ટૂર છે જેમાં સમુદ્રમાં અંદર સુધી લઈ જવામાં આવે છે. એવી જ રીતે અહીં અનેક પ્રકારની શાર્ક પણ છે જે ભાગ્યે જ અન્ય કોઈ સ્થળે જોવા મળે છે. સબમરીન ટૂર છે જેમાં પાણીની અંદરના વિશ્વને જોઈ શકાય છે. સબમરીન ટૂરમાં ટૂરિસ્ટને પાણીની અંદર ૧૦૦ ફીટ સુધી લઈ જવામાં આવે છે. આઇલેન્ડ ટુરને પણ એક મરીન એક્ટિવિટી તરીકે જોઈ શકો છો જેમાં એક આઇલેન્ડ થી બીજા આઇલેન્ડ પર જવા બોટ ફૅરી અથવા સી પ્લેન નો લ્હાવો લઈ શકો છો. ઘણાં માટે નવું હશે પરંતુ અહીં અંડર વૉટર સ્કૂટર રાઈડ પણ થાય છે પાણી ની અંદર સ્કૂટર ચલાવવાનો આનંદ માલે ખાતે લઈ શકાય છે.

મૉલદીવ્ઝ નામ કેવી રીતે પડ્યું?

સાચી હકીકત શું એ ખબર નથી, પરંતુ એવું કહેવાય છે કે મૉલદીવ્ઝમાં ‘માલ’ શબ્દ મલયાલમ ભાષા પરથી આવ્યો છે જેમાં માલનો અર્થ થાય છે માળા અને દીવ્ઝનો અર્થ થાય છે દ્વીપ. કદાચ અહીં આવેલા દ્વીપના સમૂહને ધ્યાનમાં રાખીને જ આ દેશનું નામ મૉલદીવ્ઝ રાખવામાં આવ્યું છે. મૉલદીવ્ઝ વર્ષો જૂનો ઇતિહાસ ધરાવે છે, જેની ખાત્રી શ્રીલંકાના પ્રાચીન લેખ મહાવંશા પરથી થાય છે. એમાં આ દેશને મહિલાદીવા તરીકે ઓળખાવવામાં આવેલો છે. એટલે કે મહિલા દ્વીપ. જોકે ઘણા એવું પણ કહે છે કે મૂળ નામ અપભ્રંશ થવાને લીધે અત્યારનું નામ અમલમાં આવ્યું છે.

મૉલદીવ્ઝની ટૉપ ટેન જગ્યા

સુલતાન પાર્ક

માલે આઇલૅન્ડ

વાધુ આઇલૅન્ડ

ઓલ્ડ ફ્રાઇડે મૉસ્ક

કોકો આઇલૅન્ડ

હલહુમાલે આઇલૅન્ડ

વ્હેલ સબમરીન

સુનામી સ્મારક

ડૉલ્ફ‌િન ઍન્ડ વ્હેલ વૉચિંગ

માફુસી આઇલૅન્ડ

 જાણી-અજાણી વાતો

મૉલદીવ્ઝનું ઑફિશ્યલ

નામ રિપબ્લિક ઑફ મૉલદીવ્ઝ છે.

કહેવાય છે કે મૉલદીવ્ઝના પ્રથમ રાજા ભારતના હતા. ત્યાર બાદ અહીં બુદ્ધ ધર્મ વિસ્તર્યો અને હવે મહત્તમ મુસ્લિમ ધર્મને ફૉલો કરતા લોકો છે.

સમુદ્રની સપાટીથી મૉલદીવ્ઝ માત્ર બેથી ત્રણ મીટર જ ઉપર છે, જેથી વૈજ્ઞાનિકોને ચિંતા છે કે જો ગ્લોબલ વૉર્મિંગને લીધે પાણીની સપાટી વધી જશે તો આખો દ્વીપ પાણીની અંદર ડૂબી શકે છે.

સમુદ્રની સપાટી વધવાને લીધે કેટલાક બીચો ખાલી કરી દેવામાં આવ્યા છે.

થોડાં વર્ષ પૂર્વે મૉલદીવ્ઝના રાષ્ટ્રપતિએ તેમની કૅબિનેટ મી‌ટ‌િંગ સમુદ્રની અંદર બોલાવી હતી, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.

અહીંના બીચનું મુખ્ય આકર્ષણ એની રેતી છે જે વાઇટ રંગની છે. વિશ્વમાં માત્ર પાંચ ટકા બીચ જ આવી વાઇટ રેતી ધરાવે છે.

અહીંની આવકનો મુખ્ય સ્રોત ટૂરિઝમ છે.

મૉલદીવ્ઝ ટૂરિસ્ટ માટે સૌથી સેફ ડેસ્ટિનેશન ગણાય છે.

મૉલદીવ્ઝમાં શુક્રવારે જાહેર રજા હોય છે, જેથી જો તમે અહીં શુક્રવારે ફરવા નીકળશો તો બીચ પર વધુ ભીડ જોવા મળી શકે છે.

મૉલદીવ્ઝ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે તેમ છતાં અન્ય બહુમતી ધરાવતા મુસ્લિમ દેશોની સરખામણીમાં અહીં મહિલાઓને વિશેષ ફ્રીડમ આપવામાં આવેલી છે. 

અહીં પબ્લિક પ્લેસ પર શરાબનું સેવન કરવા પર પ્રતિબંધ છે.

મૉલદીવ્ઝમાં દર વર્ષે લાખો ટૂરિસ્ટ આવે છે, જેમાં ભારતીયોની સંખ્યા ૬થી ૮ ટકા છે.

આ પણ વાંચો : એક્સપ્લોર કરીએ શિવમંદિરોની અનોખી દુનિયા

ક્યારે અને કેવી રીતે જવું?

મૉલદીવ્ઝ ઠંડો દેશ નથી. સમગ્ર વર્ષ દરમિયાન અહીં ૨૯થી ૩૨ ડ‌િગ્રી સુધીનું તાપમાન રહે છે. એપ્રિલના અંતથી અહીં ચોમાસાનું આગમન શરૂ થઈ જાય છે, જેથી અહીં આવવા માટે બારે મહિનાનો સમય યોગ્ય રહે છે. અહીં ફરવા માટે ચારથી પાંચ દિવસ પૂરતા છે. માલેમાં મૉલદીવ્ઝનું આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ આવેલું છે જ્યાં દુનિયાભરના મોટા ભાગના તમામ દેશોમાંથી મૉલદીવ્ઝ માટે ડાયરેક્ટ ફ્લાઇટ મળી રહે છે. મુંબઈથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉપલબ્ધ છે, જ્યારે મુંબઈથી કોલંબો અને કોલંબોથી માલે સુધીની ફ્લાઇટ પણ મળી રહે છે.

travel news