ઘરને સજાવો સ્પેસ-સેવિંગ ફર્નિચરથી

20 June, 2016 06:47 AM IST  | 

ઘરને સજાવો સ્પેસ-સેવિંગ ફર્નિચરથી







લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

જેમ-જેમ મોંઘવારી વધી રહી છે એમ-એમ ઘરોની સાઇઝ પણ નાની થતી જાય છે. એ સાથે વધતી વસ્તીને કારણે જ્યાં જગ્યા મળે ત્યાં બિલ્ડરો બિલ્ડિંગ બાંધી રહ્યા છે અને ઓછી જગ્યામાં વધારે રૂમો બનાવવાની લાલચમાં રૂમો બૉક્સની સાઇઝની બનાવી રહ્યા છે, જ્યાં બે કે ત્રણ ફર્નિચર મૂકવા જઈએ તો કદાચ માણસને રહેવાની જગ્યા જ ન બચે. એટલે આપણે ઘરમાં જરૂરિયાત પૂરતું જ ફર્નિચર રાખીએ છીએ અને ક્યારેક તો જગ્યાના અભાવે જરૂરિયાત હોય તો પણ ફર્નિચર નથી રાખતા, પણ હવે ચિંતાની કોઈ વાત નથી. હવે તમે તમારી નાની રૂમમાં પણ જરૂરિયાતની વસ્તુ અને લક્ઝુરિયસ વસ્તુ પણ રાખી શકો છો, કેમ કે હવે એ માટે તમારા ઘરની બહુ જગ્યા વેસ્ટ નહીં જાય, કેમ કે આજે માર્કેટમાં સ્પેસ-સેવિંગ ફર્નિચરનો કન્સેપ્ટ ધૂમ મચાવી રહ્યો છે. સ્પેસ-સેવિંગ ફર્નિચર વિશે જણાવતાં ઇન્ટીરિયર ડિઝાઇનર નીલાંજન ગુપ્તા કહે છે, ‘સ્પેસ-સેવિંગ ફર્નિચરનું તમને ઉદાહરણ આપું તો એ છે મૉડ્યુલર કિચન જેમાં કિચનમાં ખાનાં બનાવી તમે બધી વસ્તુઓ રાખી શકો છો અને કિચનમાં તમને પૂરતી જગ્યા પણ મળી રહે છે. આ જ કન્સેપ્ટને હવે કિચનની બહાર લાવવામાં આવ્યો છે. હવે બેડરૂમ હોય કે લિવિંગ રૂમ, તમે ક્યાંય પણ તમારો કિંગ સાઇઝનો બેડ કે પછી તમારું ડાઇનિંગ ટેબલ સેટ કરી શકો છે. હમણાં-હમણાં આ ફર્નિચરનો ક્રેઝ વધી રહ્યો છે, કેમ કે હવેના રૂમો બહુ નાના હોય છે, જેનાથી લોકોએ કોઈ પણ નવી કે મોટી વસ્તુઓ મૂકવી હોય તો દસ વાર વિચારવું પડે છે, પણ જો આ સ્પેસ-સેવિંગ ફર્નિચરના કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે તો જોઈતી વસ્તુઓ પણ આવી જાય અને પૂરતી જગ્યા પણ મળી રહે છે.’

સ્પેસ-સેવિંગ ફર્નિચરમાં એક નાના સ્ટૂલથી લઈને પલંગ સુધી બધી વરાઇટી જોવા મળે છે.

પલંગ

આપણા બધાની ઇચ્છા હોય છે કે આપણા રૂમમાં એક કિંગ સાઇઝનો પલંગ હોવો જોઈએ જેના પર ઊંઘવાથી આપણને રાજાશાહી ફીલ થાય. જોકે આ કિંગ સાઇઝ બેડ તમારા બેડરૂમની વધારે પડતી જગ્યા રોકે છે, પણ જો આ કિંગ સાઇઝ બેડને તમે દીવાલ પર અટૅચ કરી દો તો? થોડું કન્ફ્યુઝન જેવું લાગે છેને? પણ આ હકીકત છે. આ કિંગ સાઇઝ બેડને તમે જરૂરિયાત ન હોય ત્યારે દીવાલ પર અટૅચ કરી શકો છો અને જરૂરિયાત હોય ત્યારે એને ખોલીને વાપરી શકો છો. આ બેડને એ રીતે ફિટ કરવામાં માટે ઘણા એમાં લૅચ લગાડે છે તો ઘણા એમાં બટન પણ લગાડે છે જેમાં એક બટન દબાવીને બેડ ખૂલી જાય છે. એમાં ગાદી અને તકિયા સાથે જ આવે છે. કોઈ આને વૉલ-બેડ કહે છે તો કોઈ એને મર્ફી પણ કહે છે. એમાં સિંગલ બેડ અને ડબલ બેડ આવે છે.

ડાઇનિંગ ટેબલ

ડાઇનિંગ ટેબલનું હોવું એ લક્ઝુરિયસ લાઇફ-સ્ટાઇલની નિશાની છે, પણ એક ડાઇનિંગ ટેબલ સાથે ચાર-પાંચ ખુરસીઓ હોય તો આપણા રૂમમાં આપણા માટે જ જગ્યા બચશે નહીં. જોકે એનો મતલબ એ નથી કે ઘરમાં ડાઇનિંગ ટેબલ ન રાખવું. ડાઇનિંગ ટેબલ પણ બેડની જેમ એ રીતે આવે છે કે તમારી જગ્યા પણ બચે છે અને તમે ઇચ્છો ત્યારે ડાઇનિંગ ટેબલ વાપરી પણ શકો છો. આમાં ટેબલ સાથે જે ચૅર આવે છે એ ચૅર જરૂર પડે ત્યારે બહાર કાઢી શકાય અને જરૂર ન હોય ત્યારે એને ટેબલની અંદર મૂકી શકાય. સ્પેસ-સેવિંગ છે તો એવું નહીં માનતા કે એમાં લિમિટેડ ડિઝાઇન હશે. તમને એમાં પણ એટલી જ ડિઝાઇન મળશે જેટલી નૉર્મલ ડાઇનિંગ ટેબલમાં હોય છે. જેમ કે ગોળ, લંબચોરસ, ચોરસ. અમુક ડાઇનિંગ ટેબલ બેન્ચ જેવાં પણ હોય છે તો અમુક ડાઇનિંગ ટેબલ ઈંડા આકારનું પણ હોય છે.

શૂ-રૅક

પહેલાં આપણે આપણાં ચંપલ ઘરની બહાર જ મૂકતા, પણ હવે ફ્લૅટ બનવા લાગ્યા છે તો ચંપલને પણ ઘરમાં જ મૂકવામાં આવે છે. એટલે ચંપલ મૂકવા માટે અને ઘરનો લુક પણ સારો આવે એટલે હવે લોકો શૂ-રૅક લેવા લાગ્યા છે, પણ જેમના ઘરે શૂ-રૅક મૂકવાની જગ્યા નથી અને ચંપલ ઘરમાં સારાં નથી લાગતાં તેમના શૂ-રૅકને ક્યાં મૂકે? તો તેમના માટે વૉલ-માઉન્ટેડ શૂ-રૅકનો ઑપ્શન સારો છે. એ તમારા વૉલ પર અટૅચ થઈ જાય છે. આ શૂ-રૅક સ્ટીલનાં અને વુડન પણ આવે છે. આમાં તમે આરામથી તમારાં શૂ મૂકી શકો છો અને તમને પૂરતી જગ્યા પણ મળે છે.

બીજાં ફર્નિચરો

સ્પેસ-સેવિંગ ફર્નિચરમાં બીજી પણ ઘણી વરાઇટી છે. આ મોટાં-મોટાં ફર્નિચર સિવાય સ્પેસ-સેવિંગ ફર્નિચરમાં નાનાં ફર્નિચરોનો પણ સમાવેશ થાય છે જેમાં સ્ટૂલ અને ખુરસીઓ, સોફાઓ, મિરરમાં તમે સ્ટોરેજ કરી શકો એવો મિરર, લાઇબ્રેરી વગેરે પણ આવી જાય છે.

સ્પેસ-સેવિંગ ફર્નિચર સમયે શું ધ્યાન રાખવું એ જણાવતાં ૧૦ વર્ષથી ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કરતી ખ્યાતિ ઠક્કર કહે છે, ‘સ્પેસ-સેવિંગ ફર્નિચર બનાવતા સમયે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમારા ઘરનો એરિયા કેટલો છે. તમારા ઘરના એરિયાને ધ્યાનમાં રાખીને જ તમારે સ્પેસ-સેવિંગ ફર્નિચર બનાવવું જોઈએ. બીજું સૌથી મહત્વનું તમે મૉડિફિકેશન માટે રેડી છો કે નહીં? જો તોડફોડ નહીં ઇચ્છો તો તમે ઘરે સ્પેસ-સેવિંગ ફર્નિચર નહીં બનાવી શકો. સ્પેસ-સેવિંગ ફર્નિચર તમને માર્કેટમાં રેડીમેડ પણ મળે છે અને તમે એને કસ્ટમાઇઝ પણ કરી શકો છો.

સ્પેસ-સેવિંગ ફર્નિચર જો રેડીમેડ લેવાનું હોય તો સારી અને વિશ્વાસુ દુકાનમાંથી જ લેવું. એમાં એવું છે કે તમે જો રેડીમેડ લેવા જાઓ તો તમારા રૂમમાં પ્રૉપર બેસવું જોઈએ. એટલે એના કરતાં સ્પેસ-સેવિંગ ફર્નિચર કસ્ટમાઇઝ કરો તો જ તમારા રૂમમાં પ્રૉપર બેસશે અને તમારા મુજબ બનાવી પણ શકો છો.’