ક્રીએટિવિટીને ક્યાં કોઈ ઉંમર નડે?

19 October, 2016 06:45 AM IST  | 

ક્રીએટિવિટીને ક્યાં કોઈ ઉંમર નડે?



ઉમ્ર કી ઐસી કી તૈસી - રૂપાલી શાહ


તાજેતરમાં અંધેરીમાં લોખંડવાલા ખાતે ઘરને ઉપયોગી ફૅન્સી ક્રીએટિવ વસ્તુઓનું એક્ઝિબિશન હતું. એમાં એક સ્ટૉલમાં લેડીઝ કુરતીના વેચાણની સાથે ઠાકોરજીની માળા, લાલાનાં વસ્ત્ર, પિછવાઈ, રંગોળી, તોરણ, એમ્બ્રૉઇડરી કરેલાં તકિયાનાં કવર જેવી અમુક આઇટમ્સ પણ મૂકવામાં આવી હતી. ટેબલની એક બાજુએ પાથરેલી આ વસ્તુઓ વેચાણ માટે નહોતી. એની ખાસિયત એ હતી કે આ તમામ આઇટમ્સ ૮૫ વર્ષનાં લાભુબહેને બનાવી હતી. લાભુબહેનની ક્રીએટિવિટીને પ્રોત્સાહન મળે એ માટે તેમનાં દીકરા-વહુ અને દીકરીઓએ આ નિર્ણય લીધો હતો.

૮૫ વર્ષે લાકડીને ટેકે માંડ જાત સચવાતી હોય ત્યાં ક્રીએટિવિટી તો ક્યાંથી સૂઝે? પણ મુલુંડમાં રહેતાં લાભુબહેન નરોતમદાસ સેલારકા કળાની દૃષ્ટિએ કાયમ નસીબદાર રહ્યાં છે. પોતાની સર્જનાત્મકતાને પોષવા તેઓ સતત કંઈક નવું બનાવતાં રહ્યાં છે અને શોખ ખાતર બનાવેલી આ વસ્તુઓ તેઓ રિલેટિવ્સ, તેમની સારવાર કરતા ડૉક્ટર કે ફ્રેન્ડસર્કલમાં ગિફ્ટ કરતાં રહે છે. ઘરે આવનાર દરેક જણ કોઈ ને કોઈ નજરાણું લઈને જ જાય એવી તેમની ઇચ્છા વિશે વાત કરતાં તેમની દીકરી નીના બકુલ કાચલિયા કહે છે, ‘બેએક વર્ષ પહેલાં બા મારે ત્યાં રહેવા આવ્યાં હતાં. એ વખતે અમારી લેડીઝ કિટી પાર્ટીનો વારો મારે ત્યાં હતો. આવનારા દરેકને પોતે બનાવેલી કોઈક વસ્તુ ભેટ આપવાની બાને હોંશ. દિવાળી નજીક હતી. એટલે માટીનાં કોડિયાં મગાવ્યાં અને રંગીને પોતાના હાથે ડેકોરેટ કરેલા એ દીવા તેમણે યાદગીરી તરીકે બધાને ગિફ્ટ કર્યા.’

જોકે કમનસીબે ગયે મહિને લાભુબહેન ઘરમાં પડી ગયાં. ડાબા હાથમાં અગિયાર સ્ટિચિસ આવ્યા. ઉંમરને હિસાબે બ્રેઇન-સ્ટ્રોકની થોડી અસર થઈ, પણ પૅરૅલિસિસ થવામાંથી ઊગરી ગયાં. લગભગ દસેક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું. વીસેક દિવસની માંદગી બાદ તેઓ ફરી પાછાં તેમના કામમાં જોતરાઈ ગયાં છે. આ પહેલાં પણ એક વાર તેમના ડાબા હાથના કાંડા પર કાચના ટુકડા ભરાઈ જવાને લીધે ઘણું લોહી વહી ગયું હતું અને દડદડ વહેતાં લોહી સાથે વગર ઍનેસ્થેસિયાએ ડૉક્ટરે તેમના કાંડા પર પિસ્તાલીસ સ્ટિચિસ લીધા હતા. હિંમત, વિલપાવર અને કંઈક નવું કરવાની પ્રબળ જિજીવિષાને લીધે જ તેઓ પ્રી-દિવાળી એક્ઝિબિશનની તૈયારીરૂપે તેમની અધૂરી રહી ગયેલી પિછવાઈ અને રંગોળીઓ પૂરી કરી રહ્યાં છે.

લાભુબહેનનાં લગ્ન તેર વર્ષની નાની ઉંમરે થઈ ગયાં હતાં. જન્મતાંની સાથે મમ્મીનું મૃત્યુ થયું એ ઉપરાંત લગ્નજીવનના ઘણા દાયકા આર્થિક રીતે સંઘર્ષમય ગયા. જોકે આજે તો તેઓ તેમના પાંચ દીકરા, ચાર વહુ, બે દીકરી-જમાઈ તેમ જ પૌત્ર-પૌત્રીઓના આનંદકિલ્લોલ કરતા બહોળા પરિવારનું સુખ માણે છે અને દરેક જણ તેમનો પડ્યો બોલ પણ ઝીલે છે.

છતાં આટલી માંદગી પછી પણ સ્વાવલંબનના પાઠ ભણેલાં લાભુબહેન પોતાનું દરેક કામ જાતે કરવાના આગ્રહી રહ્યાં છે. તેઓ કહે છે, ‘મને કોઈની પાસેથી સેવા લેવી નથી ગમતી. મારો જીવનમંત્ર છે - સંઘર્ષ અને પીડાના સમયગાળા વખતે જે ક્રીએટિવિટીએ મને જીવવાનું બળ પૂરું પાડ્યું એને ઉંમરના કોઈ પણ પડાવે છોડી ન જ શકાય.’